ફાઈવ સ્ટાર હોટેલ વિ. દેશી ઢાબા
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
તમે ફાઈવ સ્ટાર હોટેલમાં ૧૦૦૦ રૂપિયાની મિક્સ ભજિયાની પ્લેટ ખાધી છે? ખાધી હોય તો તમને ખબર છે કે એ ભજિયાની પ્લેટના ભાવ આટલા બધા કેમ હોય છે? કારણ કે એ ફાઈવ સ્ટાર હોટેલ જ્યાં તમે બેઠા છો ત્યાં તમારા માથા પર એક મોટું અને કિંમતી ઝુમ્મર લટકતું હોય છે, તમારા પર એ.સી.ની ઠંડી હવા આવતી હોય છે, તમારી સામે ઊભેલો વેઈટર અંગ્રેજીમાં બોલતો હોય છે, તમારા જૂતાની નીચે જે જાજમ બિછાવેલી છે જે બહુ કિંમતી છે, અને જેમાં ખાવાનું આપવામાં આવે છે એ ક્રોકરી ઈમ્પોર્ટેડ હોય છે. બાપુ, આ બધા કારણોને લીધે તમારા ભજિયાની પ્લેટ ૧૦૦૦ રૂપિયાની છે. બાકી ખાવાનું સાન્ય જ હોય છે હવે સમજ્યા?
મારી કુંડળીમાં ફાઈવ સ્ટાર હોટેલના યોગ હતા. જે જીવનમાં ક્યારેક તો આવવાના હતા. ચોઘડિયું પણ સારું હતું. શનિની પકડ થોડી ઢીલી હતી. ગુરુ-શુક્ર એ બધાંના સંબંધો હમણાં એકબીજા સાથે સારા હતા. એટલે અમે સતત ત્રણ દિવસ સુધી ફાઈવ સ્ટાર હોટેલમાં ખાવાનું ખાધું. એક આલિશાન રૂમમાં અને અલગ પ્રકારના વાતાવરણમાં નવું મેનુ વાંચીને ઓર્ડર આપવામાં આવ્યો. બધું ખાવાનું એ જ સામગ્રીથી બનેલું હતું જેનાથી આપણે સામાન્ય રીતે ખાવાનું બનાવતા હોઈએ છીએ. પણ હોટેલનો માલિક દરેક પ્લેટની સાથે એ ક્યાંથી છે અને એ પ્રદેશની સંસ્કૃતિનું વર્ણન એવી રીતે કરી રહ્યો હતો જાણે કે અમે આ દેશ ક્યારેય જોયો જ ના હોય! એ લોકો જે ડીશ પીરસતા હતા એ પંજાબી હોય કે હૈદરાબાદી હોય કે જયપુરી હોય છેલ્લે તો અમારા પેટમાં એ બધાનું રાષ્ટ્રીય એકીકરણ થઈ રહ્યું હતું. આ એકદમ વિચિત્ર અનુભવ હતો કે અમે રહી રહીને આપણા દેશની વિવિધતામાં એકતાવાળી વાત, ખરેખર તો ફાઈવ સ્ટાર હોટેલના ડિનર ટેબલ પર જઇને સમજ્યા! અમને એવું લાગતું હતું કે અમે બનાવટીનો અહેસાસ ગળે ઊતારી રહ્યા છીએ.
જો કે દર વખતની જેમ બિલ ચુકવનાર હું નહોતો. નહિતર આ ફાઈવ સ્ટારનો અનુભવ ખૂબ જ દુ:ખદાયક રહ્યો હોત. આમ તો મારા માટે ફાઈવ સ્ટારનો અનુભવ દુ:ખદાયક તો રહ્યો જ કારણ કે સતત ત્રણ દિવસ સુધી ૫ સ્ટાર હોટેલનું અલગ અલગ ખાવાનું ખાઈને મારા પેટ દુ:ખવા માંડ્યું હતું. મને ત્યાં રહેવાવાળા વિદેશીઓ પર ખરેખર દયા આવી ગઈ.
એ ફાઈવ સ્ટાર હોટેલના અનુભવના થોડા દિવસ પછી હું ટેક્સીમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે રોડની બાજુમાં આવેલા એક ઢાબા પર ચા પીવા માટે રોકાયો. એકદમ ખુલ્લું વાતાવરણ, ઉપર મોટા આંબલીના ઝાડનો છાંયો,
એની નીચે થોડાક ખાટલાઓ ગોઠવેલા અને ઢાબાના ચૂલામાંથી આવતી ભોજનની તેજ સુગંધ! આમ તો રોડ પરના આ ઢાબા ટ્રકવાળાઓ માટે હોય છે. એ લોકો અહીંયા આરામ કરવા રોકાય અને ખાવાનું ખાય.
હું એ આંબલીના ઝાડ નીચે એક ખાટલા પર સૂઈ ગયો. મેં કહ્યું, “હું ચા નહીં પીઉં, હું અહીંયા ખાવાનું ખાઈશ.
પાછળના લીલાં લહેરાતાં ખેતરમાં જોતાં જોતાં હું એક થાળીમાં રોટલી-શાક ખાઈ રહ્યો હતો. ફાઈવ સ્ટાર હોટેલના સંપૂર્ણ બનાવટી અને મોંઘી ક્રોકરીની નિંદા કરવાની આ મારી મૌલિક રીત હતી. માથાની ઉપર કોઈ મોટો ઝુમ્મર નહોતો, ખાવાનું પીરસવાવાળા છોકરાને અંગ્રેજી આવડતી નહોતી, એકદમ ખુલ્લું વાતાવરણ, કોઈ એ.સી. નહોતું. તો પણ ખાવાનું એવું સ્વાદિષ્ટ હતું કે આપણી ભૂખ વધારી દે. ત્યાંના ખાટલા ફાઈવ સ્ટાર હોટેલની મખમલી ખુરશી કરતાં પણ વધુ આરામદાયક હતા. એ ઢાબાવાળાએ જે શાક આપ્યું હતું એને એ લોકો માત્ર શાક જ કહેતા હતા. એના પર એ લોકો હૈદરાબાદી, કાશ્મીરી, જયપુરી વગેરે વગેરે વિશેષણો કે લેબલો ચોંટાડતા ન હતા.
સામે ખાવાનું હતું, પેટમાં ભૂખ હતી પણ કોઇ નકલી સ્ટાર નહોતા!
હું જમી રહ્યો હતો અને હસી રહ્યો હતો. ફાઈવ સ્ટાર હોટેલમાં જમવા જવું એ મારા કુંડળીનો સારો નહીં પણ ખરાબ યોગ હતો. ફાઈવ સ્ટારમાં ખાવું એ મારા સદ્ભાગ્યની વાત નહોતી.
અહીં આ દેશી ઢાબામાં ખાવું એ મારા માટે સદ્ભાગ્યની વાત છે!