સૌરાષ્ટ્રના જસદણ નજીક આવેલા સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવતા હોય છે. શિવલિંગ પર જળાભિષેક કરી શિવભકતો ધન્યતા અનુભવે છે. એવામાં જીલ્લા વહીવટી તંત્રએ ઘેલા સોમનાથ મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કરવા માટે ચાર્જ વસુલવાનો નિર્ણય કર્યો છે, જેને લઇને શિવભકતોમાં નારાજગી જોવા મળી રહી છે. જસદણના સામાજિક અગ્રણીઓ અને સંતોએ નાયબ કલેક્ટરના આ નિર્ણયનો વિરોઘ કર્યો છે.
ઘેલા સોમનાથ મંદિરનું સંચાલન જિલ્લા વહીવટી તંત્રના હાથમાં છે. અત્યાર સુધી મહાદેવના દર્શન કરવા આવતા ભક્તો પાસેથી કોઈ પ્રકારનો ચાર્જ લેવાતો ન હતો. ત્યારે અચાનક રાજકોટ જીલ્લા વહીવટી તંત્રએ શિવલિંગ પર જળાભિષેક માટે 351 રૂપિયાનો ચાર્જ વાસુલાવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈને શિવભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ નિર્ણય પાછો ન ખેંચાય તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. તેમજ જસદણના વિધાનસભ્ય કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવશે તેવુ જણાવાયું છે.
આ અંગે નાયબ ક્લેક્ટરે જવાબ આપતા કહ્યું કે, જળાભિષેક માટે અપાતા 351 રૂપિયા ટ્રસ્ટમાં જમા થશે જેને મંદિરમાં સુવિધા માટે ખર્ચ કરાશે. અત્યાર સુધી પ્રસાદી આપવામાં આવતી નહોતી. છેલ્લા એક મહિનાથી અહીં દર્શન માટે આવતા ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે. તેમજ મંદિરની સાફ-સફાઇ કરાવાઇ રહી છે. તેમજ ગાર્ડનમાં લોન વગેરે જેવા કામો કરાવ્યા છે. મંદિરમાં ધામા નાખીને બેસતા લોકો પાસેથી અમે રૂમની ચાવીઓ લઇ લીધી છે તેથી તેઓ વિરોધ કરતા રહેશે.