મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારના વિશ્વાસુ નેતા હસન મુશ્રીફ ઈડી ઈન્કવાયરીનો સામનો કરશે. ઈડી દ્વારા હસન મુશ્રીફ વિરુદ્ધ છેલ્લાં બે મહિનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઈડીએ મુશ્રીફના ઘર પર બે વખત દરોડા પાડ્યા હતા અને આ ઉપરાંત મુશ્રીફ સંબંધિત અન્ય ઠેકાણાઓ પર પણ છાપા માર્યા હતા. વિશેષ એટલે કે ઈડીએ બે દિવસ પહેલાં જ મુશ્રીફના ઘર પર દરોડા પાડ્યા હતા અને આ જ કારણસર રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓ આક્રમક થયા હતા. આ દરમિયાન મુશ્રીફ નોટ રિચેબલ હતા, પરંતુ તેમના વતી તેમના વકીલે મુંબઈ હાઈ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
હસન મુશ્રીફ દ્વારા દાખલ કરવામાં આવેલી પીટિશનમાં ઈડી પર આક્ષેપ મૂકવામાં આવ્યા છે. આ પીટિશમ પર દલીલ થયા બાદ બે અઠવાડિયા સુધી મુશ્રીફને ધરપકડ સામે રક્ષણ આપવામાં આવ્યું હતું. હસન મુશ્રીફની બે અઠવાડિયા સુધી ધરપકડ કરવી નહી એવો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. હવે હસન મુશ્રીફ ઈડી તપાસનો સામનો કરશે. મુશ્રીફે આ બાબતે પ્રસારમાધ્યમને પ્રતિક્રિયા આપી હતી.
આજે મુશ્રીફ ઈડી ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ઈડી અધિકારીઓની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ ઈડી ઓફિસમાંથી બહાર આવ્યા અને તેમણે પ્રસાર માધ્યમોને પ્રતિક્રિયા આપી હતી.
મુશ્રીફે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા મને બે અઠવાડિયા સુધી રાહત આપવામાં આવી છે અને આ દિલાસો મળતાં જ હું ઈડી ઓફિસ આવી ગયો. તેમના અમુક સવાલો છે અને આ સવાલોના જવાબ આપવા માટે મને ક્યારે બોલાવશો, હું તપાસ માટે ક્યારે આવું આવતી કાલે આવું કે પરમદિવસે આવું? હાલમાં વિધિમંડળનું અધિવેશન ચાલી રહ્યું છે, પણ જ્યારે એ લોકો બોલાવશે ત્યારે હું તપાસ માટે આવીશ એવું મુશ્રીફે સ્પષ્ટ કર્યું હતું.