હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે ગુરુવારે 55 દુર્લભ રોગોથી પીડિત દર્દીઓ માટે રૂ.2,750ની માસિક સહાયની જાહેરાત કરી હતી જેનો લાભ લગભગ 8,000 લોકોને મળશે.
ખટ્ટર યમુનાનગરમાં રાજ્ય-સ્તરના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા જે દરમિયાન તેમણે 17 જિલ્લામાં 46 આરોગ્ય સંસ્થાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે પોમ્પે રોગ, ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી જેવા 55 દુર્લભ રોગોથી પીડિત દર્દીઓ માટે રૂ.2,750ની માસિક સહાયની જાહેરાત કરી હતી એમ અહીં જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું.
રાજ્ય સરકાર થેલેસેમિયા, હિમોફીલિયા અને સ્ટેજ-3 અને સ્ટેજ-4 કેન્સરથી પીડિત દર્દીઓને પહેલાથી જ પેન્શનનો લાભ આપે છે. આ જાહેરાતમાં 55 દુર્લભ રોગોનો સમાવેશ થાય છે અને સરકારે આ હેતુ માટે રૂ.25 કરોડની બજેટ જોગવાઈ કરી છે. અંદાજે 8,000 દર્દીઓ આર્થિક લાભ મેળવી શકશે.
આવા દર્દીઓની માહિતી આપતાં ખટ્ટરે જણાવ્યું હતું કે 3,000 લોકો થેલેસેમિયા અને હિમોફિલિયાથી પીડિત છે, 4,000 લોકોને સ્ટેજ-3 અને સ્ટેજ-4 કેન્સર છે અને લગભગ 1,000 અન્ય 55 દુર્લભ રોગોથી પીડાય છે જેમને હવે પેન્શન મળશે. કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાને યમુનાનગરમાં 275 પથારીની મુકંદ લાલ જિલ્લા સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું જે રૂ.100 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.