શ્રીલંકા સામે પુણેમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતને 16 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે શ્રેણી હવે 1-1ની બરાબરી પર છે. શ્રીલંકા સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇનિંગની પહેલી ઓવર ખુદ હાર્દિક પંડ્યાએ કરી હતી, પરંતુ બીજી ઓવરમાં અર્શદીપ સિંહે સતત ત્રણ નો બોલ ફેંકીને શ્રીલંકાના બેટ્સમેનોને રન ઝૂડવાની તક આપી હતી. અર્શદીપે તેના સ્પેલની બીજી ઓવરમાં પણ બે નો બોલ ફેંક્યા હતા.
ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા અર્શદીપની બોલિંગ પર ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો અને મેચ બાદ અર્શદીપ પર તેનો ગુસ્સો ફાટ્યો હતો. હવેહાર્દિક ચાહકોના આકરા પ્રહારો હેઠળ આવ્યો છે. મનીષ પાંડે નામના યુઝરે ટ્વીટ કરીને હાર્દિકને 2016ના T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ જેવી મેચમાં નો-બોલ ફેંકવાની ઘટનાની યાદ અપાવી હતી. આ સાથે તેણે હાર્દિકને સલાહ આપી કે યુવા બોલર માટે જાહેરમાં તેની બોલિંગની ટીકા કરવી ખોટું છે.
“Not blaming” but actually does blame a youngster in public and calls it “a crime”.
A fan of Hardik Pandya and his captaincy style in general, but maybe he should remember his own history with overstepping & how it cost India a World Cup semi-final… #INDvSL https://t.co/WZwsBorZ8B pic.twitter.com/lVM1xNWsdy
— Manish Pandey (@_ManishPandey) January 5, 2023
મનીષ પાંડેએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘હું હાર્દિક પંડ્યા અને તેની કેપ્ટનશિપનો પ્રશંસક છું, પરંતુ તેણે પોતાનો ઈતિહાસ પણ યાદ રાખવો જોઈએ કે તેણે કેવી રીતે ઓવરસ્ટેપ કર્યું અને ટીમને વર્લ્ડ કપની સેમીફાઈનલમાં નુકસાન સહન કરવું પડ્યું હતું.’
ટી-20 વર્લ્ડ કપ 2016માં ભારતીય ટીમનો સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મુકાબલો થયો હતો. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 192 રન બનાવ્યા હતા. બેટિંગમાં ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે બોલિંગમાં હાર્દિક પંડ્યા બીજા નંબરનો સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેણે તેની ચાર ઓવરના સ્પેલમાં 43 રન આપ્યા, જેમાં તેને એક પણ વિકેટ મળી ન હતી. આ દરમિયાન તેણે નો બોલ પણ ફેંક્યો હતો. મેચમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 19.4 ઓવરમાં 196 રન બનાવીને 7 વિકેટે મેચ જીતી લીધી હતી.