ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
થોડા મહિનાઓ પહેલા સેક્સ વર્કરો અથવા તો ગણિકાઓ, કોલગર્લ કે એસ્કોર્ટ ગર્લ બાબતે દેશની સર્વોચ્ચ ન્યાયાલયે એક સિમાચિહ્નરૂપી ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાની ખાસ નોંધ લેવામાં આવી નથી, પરંતુ દેશમાં સેક્સ વર્કર તરીકે કામ કરતી લાખો મહિલાઓને સુપ્રીમ કોર્ટના આદેશ પછી રાહતની લાગણી ન થાય તો જ નવાઈ. સુપ્રીમ કોર્ટે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પોલીસને આદેશ આપ્યો છે કે વેશ્યાવૃત્તિ એક વ્યવસાય છે અને સેક્સ વર્કરોને પોલીસ બિનજરૂરી હેરાન નહીં કરે. પોતાની મરજીથી ગણિકાનું કામ કરનારી મહિલાઓ સામે પોલીસ કાર્યવાહી ન કરવી જોઈએ. ગણિકાને પણ કાયદા હેઠળ ગરીમા અને સમાન સુરક્ષા મેળવવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટનો આ આદેશ ઘણાં વર્ષો પહેલાં આવી જવો જોઈતો હતો. આપણે વારંવાર સમાચારો વાંચતા રહીએ છીએ કે કઈ રીતે પોલીસે કોઈ રહેઠાણ, હૉટલ કે સ્પા પર દરોડાઓ પાડીને કહેવાતું કૂટણખાનું ઝડપી પાડ્યું. અહીંથી કેટલીક મહિલાઓની ધરપકડ કરીને સીધી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે. એમની સાથે મળેલા ‘ગ્રાહક’ને પણ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ જાણે કોઈ રીઢા આતંકવાદી ઝડપી પાડ્યા હોય એમ મીડિયાને બોલાવીને એમની તસવીરો પાડવામાં આવે છે. આપણે વારંવાર વાંચીએ છીએ કે મસાજ સેન્ટરની આડમાં દેહવિક્રયનો ધંધો કરતી મહિલાને પકડીને જેલભેગી કરી દેવામાં આવે છે. દેહવિક્રયના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓની કનડગત વર્ષોથી થતી આવી છે. કેટલાક લોકો ગામઠી ભાષામાં કહે છે કે જુગાર, વેશ્યાવૃત્તિ અને દારૂનું કહેવાતું દૂષણ મહાભારતના સમયથી ચાલ્યું આવે છે. દુનિયાની કોઈ સરકાર કે સત્તા એને રોકી શકી નથી, કે રોકી શકવાની પણ નથી. વિદેશના ઘણા દેશોએ વેશ્યાવૃત્તિને કાયદેસરતા બક્ષી દીધી છે. યુરોપના કેટલાક દેશોમાં તો ત્યા નોંધાયેલી ગણિકાઓને સરકાર તરફથી સુરક્ષા પણ પૂરી પાડવામાં આવે છે અને એમની હેલ્થ બાબતે પણ સરકાર જ કાળજી રાખે છે. દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં પણ ગણિકાનો વ્યવસાય કરતી મહિલાને સરકાર તરફથી ઓળખપત્ર આપવામાં આવે છે. સમયાંતરે આ ગણિકાઓએ પણ પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરાવી, હેલ્થ સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. શારીરિક રીતે રોગિષ્ટ ગણિકાઓનું સર્ટિફિકેટ જે તે સરકાર રિન્યુ કરતી નથી. અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં ગણિકાનો વ્યવસાય એસ્કોર્ટના નામે થાય છે. કોઈ પુરુષ કામકાજ અર્થે બહારગામ ગયો હોય ત્યારે એ હૉટલમાં ઊતરે એટલે તરત જ એને એસ્કોર્ટ સર્વિસના ફોન નંબર આપવામાં આવે છે. પુરુષ ઇચ્છે તો એસ્કોર્ટ સર્વિસ પર ફોન કરીને પોતાની
મનગમતી સ્ત્રીની કંપની મેળવી શકે છે. ‘કંપની’ના બદલામાં એણે વળતર ચૂકવવું પડે છે.
આપણા દેશમાં પણ પૌરાણિક સમયથી જ ગણિકા વ્યવસાયનું અસ્તિત્વ હતું એ આપણે બધા જાણીએ જ છીએ. બંગાળની ભાગ્યે જ કોઈ નવલકથા એવી હશે કે જેમાં ગણિકા કે દેવદાસીનું પાત્ર નહીં હોય. ઘણાં વર્ષો પહેલા તો કેટલાક રાજ્યોના અંતરિયાળ વિસ્તારમાં દેવદાસીઓનો એક અલગ જ વિસ્તાર હતો. રાતનો સમય થાય ત્યારે આ દેવદાસીઓની મુલાકાતે ગામના સમૃદ્ધ પુરુષો આવતા હતા. દેવદાસી પ્રથા વિશે પણ અસંખ્ય પુસ્તકો લખાયા છે. આધુનિક સમયની જ વાત કરીએ તો મુંબઈ, બેંગલોર કે કલકત્તા જેવા શહેરોમાં ડાન્સ બારની ચમક-દમક હતી. મુંબઈમાં તો ઓફિશિયલી ડાન્સબારને પરવાનગી આપવામાં આવી હતી. આકર્ષક યુવતીઓ આધુનિક હિન્દી ફિલ્મના ગીતો પર એવો ડાન્સ કરતી હતી કે કેટલાક શોખીન જીવો તો એક રાતમાં ગમતી યુવતી પર લાખો રૂપિયાનો વરસાદ વરસાવી દેતા હતા. જોકે ડાન્સ બારમાં કામ કરતી યુવતીઓ ભાગ્યે જ શરીર વેચવાનું કામ કરતી. મહારાષ્ટ્રની સરકારે ત્યાર પછી ડાન્સ બાર પર પ્રતિબંધ મૂકી દીધો એટલે બેકાર થઈ ગયેલી હજારો બાર બાળાઓએ ફરજિયાત વેશ્યા વ્યવસાય અપનાવવો પડ્યો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ એન. નાગેશ્ર્વર રાવ, બી. આર. ગવઈ અને એ. એસ. બોપન્નાની બેન્ચે સેક્સ વર્કર્સને સમાન અધિકારો આપવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ પછી એવી અપેક્ષા હતી કે હવે પોલીસ અને સત્તાધિશો પોતાની મરજીથી શરીરસુખ વેચવાનું કામગીરી કરતી ગણિકાઓની હેરાનગતી કરવાનું બંધ કરશે. જોકે એ અપેક્ષા ફળીભૂત થઈ નથી એ દુખની વાત છે.
* * *
કેટલીક દવાઓ નિયમ પ્રમાણે નહીં લેવાય તો ઘાતક બની શકે છે
ડિપ્રેશનના દર્દીઓ જો પ્રોઝેક, ફ્લ્યુડેક, ઇમીપ્રામાઇન કે એમીટ્રીપ્ટીલીન લેતા હોય તેમણે આલ્કોહોલયુક્ત પીણાં નિવારવા ઉપરાંત ચીઝ ખાવું ન જોઈએ, નહીં તો વધુ ઘેન ચડશે. અમુક કેસમાં બ્લડપ્રેશરમાં તીવ્ર વધારો પણ થઈ શકે છે કે હૃદયના ધબકારા ઝડપી બની શકે છે. જે દર્દીઓ બ્લડસુગર ઓછી કરવાની દવા જેવી કે ગ્લુકોબે કે ગ્લુકોક્લીપ એક્સએલ લેતા હોય તેમણે આલ્કોહોલવાળા પીણાંથી દૂર રહેવું, નહીં તો બ્લડમાં સુગરનું પ્રમાણ અસાધારણ રીતે ઓછું થઈ જવાનું જોખમ ઊભું થશે. એવી જ રીતે, લેક્ટીક ઍસિડનું પ્રમાણ વધી શકે છે. જે દરદીઓ વોરફેરીન, એસીટ્રોન કે હેપારીનની સારવાર હેઠળ હોય તેમણે આલ્કોહોલથી દૂર રહેવું. આલ્કોહોલ દવાની અસર વધારી દેશે અને ઘેન પણ વધુ ચડશે. ઉપરાંત લોહીના વધુ પડતા સ્રાવની સંભાવના ઊભી થશે. લીવોથાઇરોક્સીન (સીન્થ્રોઇડ) દવા લેનારે વધુ પડતા રેસાવાળો આહાર, સોયાની બનાવટો, જેમાં આયોડિન વધુ પ્રમાણમાં હોય તેવી ચીજ, આયોડાઇઝ્ડ મીઠું ખાવું નહીં. એને કારણે દવાની અસર ઘટી શકે છે. સોયાની બનાવટો થાઇરોઇડની કામગીરી પર નકારાત્મક અસર ઊભી કરે છે, જ્યારે આયોડિન થાઇરોઇડ હોર્મોનના પ્રમાણને માઠી અસર પહોંચાડી શકે છે. લોહતત્ત્વ વધારતી દવાઓ જેવી કે ઓટ્રીન, એનીમિડોક્સ લેનારે દવા લેતા પહેલાં આહારમાં લીલાં પાંદડાં કે કંદમૂળવાળાં શાકભાજી ખાવાં નહીં, કારણ કે એમાંના ક્ષાર શરીરમાં લોહતત્ત્વના શોષવાની ક્રિયાને રૂંધે છે. માટે આહાર અને દવાનો સમય અલગ રાખવો.