રંગીન ઝમાને -હકીમ રંગવાલા
મન્સુરખાન, આમિર ખાન, જુહી ચાવલા, આનંદ મિલિંદ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક જેવી નવયુવાનોની ટીમ અને એક બ્લોકબસ્ટર મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ.
૧૧ નોમિનેશન અને સાત કે આઠ એવોર્ડ.૧.ગઝબ કા હે દિન સોચો જરા,યે દિવાનાપન દેખો જરા…૨.અકેલે હૈ તો ક્યાં ગમ હે…અને ફિલ્મનું શિરમોર ગીત પાપા કહેતે હે બડા નામ કરેગા,બેટા હમારા ઐસા કામ કરેગા…હિન્દી ફિલ્મના જાણીતા જૂના સંગીતકાર ચિત્રગુપ્તના દીકરાઓ એ આ ફિલ્મમાં સંગીત આપનાર આનંદ-મિલિંદ
’કયામત સે કયામત તક’ પહેલા આ ફિલ્મનું નામ ‘નફરત કે વારીસ’ રાખવામાં આવેલું પણ પછી બદલીને ‘કયામત સે કયામત તક’ રાખેલું અને પહેલા આ શીર્ષકમાં અંગ્રેજી અક્ષર’K’ રાખવામાં આવેલો પણ પછી બદલીને ‘Q’ કરવામાં આવ્યો.આજે દરેક લાંબા શીર્ષકવાળી ફિલ્મને એના પ્રથમ અંગ્રેજી અક્ષરથી શરૂ કરીને વચ્ચેના અને અંતના શબ્દોના પ્રથમ અંગ્રેજી અક્ષરો લઈને બોલવા લખવામાં આવે છે એની શરૂઆત આ ફિલ્મથી થઈ હતી! આ ફિલ્મને યુવાનોએ ‘ક્યુ સે ક્યુ તક’ અને અંગ્રેજીમાં ‘Q S Q T’ શીર્ષક આપેલું. મન્સુર ખાને ફિલ્મના બે અંત શૂટ કરેલા અને પહેલા ટ્રેજીક અંત રિલીઝ કરેલો, આ અંતનું શૂટિંગ માઉન્ટ આબુના જંગલમાં કરવામાં આવેલું. અને પહેલી રિલીઝ જ દેશ પરદેશના હિન્દી ફિલ્મ દર્શકોમાં મશહૂર થઈ ગઈ અને અઠવાડિયાઓ સુધી એડવાન્સ બુકિંગમાં ફુલ રહેવા લાગી.
માણસની ઉંમર કોઈ પણ આંકે પહોંચી હોય કે માણસનું શરીર નબળું પડી ગયું હોય પણ માણસ યુવાન છે કે નહીં એ માણસના મન અને મગજ પર આધાર રાખે છે.આ ફિલ્મ હિન્દી ફિલ્મોનો અભ્યાસ કરનારા માટે એક પાઠ છે અને આ સદાકાળ યુવા રહેનારી ફિલ્મનાં ગીતો ૭૦ વરસ પાર કરનાર શાયર મજરૂહ સુલતાનપુરી એ લખેલા અને એવા જ બીજા ચીરયુવાન નાસિરહુસેન આ ફિલ્મના નિર્માતા હતા.મજરૂહ સુલતાન પુરીની રેન્જ તો જુવો
૧૯૪૬ માં આવેલી શાહજહાં ના ગીત
જબ દિલ હી તૂટ ગયા થી આ ફિલ્મ
સુધી લાજવાબ ગીતો આપ્યા
લગભગ દરેક સંગીતકારો સાથે કામ કર્યું
આનંદબક્ષી પછી એક માત્ર ગીતકાર જે ઓલ રાઉન્ડર કહી શકાય અલબત મજરૂહ પાસે કામ લેનારdirector કે musician નું પણ એટલુંજ મહત્ત્વ છે
અન્યથા દોસ્તી, અભિમાન, પથ્થર કે સનમ, હમ કિસીસે કમ નહિ ના આ ગીતકારે કેટલાંક બોગસ ગીતો પણ આપ્યા છે એનું પણ એકજ કારણ હતું
તેણે A.B અને C ગ્રેડ ની તમામ ફિલ્મો માં ભરપૂર કામ કર્યું છે લાબું જીવ્યા અને મસ્ત ગીતો આપ્યા.મજરુહ સાહેબને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળેલો જે અન્ય કોઈ ગીતકારને મળ્યો હોવાનું યાદ નથી.
મઝરૂહ સાહેબને તો સ્પેશિયલ સલામ કરવી જ પડે,કોઈ માણસ ૭૦ પછી આવી યુવા કલ્પના કરીને લખી શકે એ ખાસ સલામના અધિકારી સદાકાળ રહે જ છે.
ફિલ્મની સ્ટોરી, ડાયલોગ અને સ્ક્રીનપ્લે નાસિરહુસૈન એ લખેલો અને એ સ્ટોરી કઈ નવી નહોતી પણ વર્ષો પુરાણી રોમીઓ જુલિયટ કે લૈલા મજનુની જ હતી, પણ ફિલ્મ બનાવવામાં લેવામાં આવતી માવજત જ ફિલ્મને હિટ બનાવે છે. દલીપ તાહિલ, રાજેન્દ્રનાથ ઝુતસી, ગોગા કપૂર, રિમાલાગુ, આશા શર્મા, આલોકનાથ જેવા એક્ટરોએ પણ જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યું, દલીપ તાહિલ માટે તો આ ફિલ્મનું એમનું પાત્ર ‘ધનરાજ’ યાદગાર બની ગયું છે. જ્યારે દલીપ તાહિલ ફોન પર કહે છે કે, ‘યાદ રખના મેં આજ ભી ચૌદા સાલ પહેલેવાલા ધનરાજ હું!’ ત્યારે થિયેટરમાં દર્શકોના શ્ર્વાસ ઊંચા થઈ જાય છે!
‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ ગીતમાં સ્પેશિયલ એપિરિયન્સ માં રીના દત્તા હતી જે આમીરના પત્ની બન્યાં અને પછી છૂટાં પણ પડી ગયાં! ‘અકેલે હૈ તો કયા ગમ હૈ..’ ગીતના શૂટિંગ વખતે જ્યારે મન્સુર ખાને જૂહી ચાવલાને જણાવ્યું કે આ ગીત દરમિયાન આમિર સાથે કીસ કરવાનો સીન છે ત્યારે જૂહી એ સ્પષ્ટ ના કહી દીધેલી અને મન્સુર ખાને શૂટિંગ અટકાવી દીધેલું પણ પછી કોઈ સમજાવટ વગર જ જૂહી પોતાની મેળે એ સીન કરવા તૈયાર થઈ ગયેલી અને શૂટિંગ આગળ ધપેલું!
એક વખત જાહેર કાર્યક્રમમાં આમિર ખાને ‘કયામત સે કયામત તક’ ફિલ્મને યાદ કરતા કહેલું કે, આ ફિલ્મના અંતમાં જૂહીને ગોળી વાગે છે અને હું દોડીને જૂહીનું માથું ખોળામાં લઈને રડતા રડતા એનું નામ બોલું છું. એ સીન ભજવતી વખતે મન્સુરે અચાનક કટ..કટ આદેશ આપ્યો એટલે મેં મન્સુરને ખિજાઈને પૂછ્યું કે કયા હુવા? ઇતના અચ્છા સીન જા રહા થા! ત્યારે જવાબમાં મન્સુરે કહ્યું કે, યાર તુમ જૂહી, જૂહી કરકે રોએ જા રહે હો ઔર ઇસકા નામ તો રશ્મિ હૈ ફિલ્મમે!
મન્સુર ખાને આ પહેલી જ બ્લોકબસ્ટર ફિલ્મ પછી ‘જો જીતા વો સિકંદર’, ‘અકેલે હમ અકેલે તુમ’, ‘જોશ’ જેવી ફિલ્મો કરી પણ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ છોડી દીધી, અરે શહેર અને શહેરી વાતાવરણ પણ છોડી દીધું અને કુદરતને ખોળે જીવન
પસાર કરવાનું નક્કી કર્યું અને આજે પણ એ જ રીતે જીવે છે, એક મજાનું પુસ્તક પણ લખ્યું પર્યાવરણ અને કુદરત પરનું.
‘કયામત સે કયામત’ તક ફિલ્મનાં પોસ્ટરોમાં પણ ક્રિએટિવિટી હતી. પોસ્ટર પર ટેગલાઈન લખવામાં આવેલી ‘LOVE.. THE CRIME OF THE CENTURY!’ અને આમિર ખાનને ટોટલ બ્લેક ડ્રેસમાં પોસ્ટરોમાં નાસિર હુસૈને રજૂ કરેલો. પોતાની જ ફિલ્મ ‘યાદો કી બારાત’માં ધર્મેન્દ્ર ને વર્ષો પહેલા બ્લેક ડ્રેસમાં રજૂ કરેલો! આ ફિલ્મમાં આમિર ખાને પહેરેલા બ્લેક ગોગલ્સની ભરપૂર ડિમાન્ડ નીકળેલી, અને બ્રાન્ડેડ કે અનબ્રાન્ડેડ અઢળક ગોગલ્સ વેચાયેલા મોટા-મોટા શોરૂમથી લઈને લારી-બાંકડા સુધી! આ ફિલ્મ પહેલા બધી ફિલ્મોમાં હીરો જે ગોગલ્સ પહેરતા એમાં મેટલની ફ્રેમ રહેતી જ્યારે આ ફિલ્મમાં આમિરે પહેરેલા ગોગલ્સની ફ્રેમ પ્લાસ્ટિક શીટ મટિરિયલમાં હતી.
આ ફિલ્મ પર એક પુસ્તક પણ લખાયેલું છે ગૌતમ ચિંતામણી દ્વારા અને આ પુસ્તકની ટેગલાઈન ‘THE FILM THAT REVIVED HINDI CINEMA’ છે.
આજથી ચોત્રીસ વર્ષ પહેલાં પણ આજની જેમ જ હિન્દી ફિલ્મજગત નિરાશામાં હતું અને ત્યારે એ નિરાશામાંથી હિન્દી ફિલ્મજગતને બહાર લઈ આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ ‘કયામત સે કયામત તક’ બનેલી અને કોઈ હીરો-હિરોઇનની જોડીની પ્રથમ જ ડેબ્યુ ફિલ્મ બ્લોકબસ્ટર બની ગયા પછી વર્ષો સુધી સ્ટારડમ ભોગવ્યું હોય એવા હીરો-હિરોઇન આમિર-જૂહી છે.