કોઈ સફળ સ્ત્રી સાથે કોઈ ખૂબ જ સફળ પુરુષનું નામ જોડાઈ ત્યારે તેના અસ્તિત્વ પર, તેની ઓળખ પર જોખમ ઊભું થતું હોય છે, પણ ઘણી એવી મહિલાઓ છે જે પોતાના પિતા કે પતિની સફળતાની ઓથ હેઠળ ઝાંખી પડવાને બદલે વધારે ખિલે છે અથવા પોતાની ઓળખ પર આંચ નથી આવવા દેતી. આજે એવી બે મહિલાનો જન્મ દિવસ છે. એક છે ઋીષીકેશ મુખરજીની ગુડ્ડી એટલે કે જયા બચ્ચન અને બીજી છે 44 વર્ષે પણ ગુડ્ડી જેવી દેખાતી અમૃતા ફડણવીસ.
બન્નેનો જન્મ આજના દિવસે એટલે કે 9મી એપ્રિલે થયો છે. જયા બચ્ચન ભારતીય સિનેમાની સૌથી વધારે કુદરતી અભિનય કરતી અભિનેત્રી છે, તેમ કહેવું ખોટું નહીં ગણાય. દરેક ભૂમિકામાં ખૂબ જ સરળતાથી ઢળી જતી આ અભિનેત્રી ફિલ્મોમાં કે જીવનમાં ક્યારેય ઝાંખી પડી નથી. પતિ સદીના મહાનાયક હોવા છતા જયા બચ્ચનને ક્યારેય તમે અમિતાભની પત્ની, અભિષેકની માતા કે ઐશ્વર્યાની સાસુ તરીકે નહીં જુઓ, તેની પ્રતિભાથી તેણે જે નામ કમાયું છે તે આજ સુધી તેની ઓળખ રહી છે.
અભિનેત્રી અને રાજકારણી જયાની જેમ જ અમૃતા ફડણવીસ પણ પોતાની પ્રતિભાની માલિક છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની હોવાનો ભાર ક્યારેય તેમણે રાખ્યો નથી. બેંકર તરીકે, સિંગર તરીકે, સોશિયલાઈટ તરીકે તેમની ઓળખ તેમણે ઊભી કરી છે. મુખ્ય પ્રધાનના પત્ની બન્યા બાદ બેંકની નોકરી છોડી દેવી, કે આ પ્રકારના જ કપડા પહેરવા, જાહેર જીવનમાં આ પ્રકારે જ રહેવું જેવા નકામા સામાજિક બંધનોથી તેમણે પોતાની જાતને મુક્ત રાખી છે. ટીકાઓ અને ચર્ચાઓ થતી હોવા છતાં તેઓ અમૃતા રહ્યા છે અને ફડણવીસ સરનેમના ઓછાયા હેઠળ આવ્યા નથી. હા, આ સાથે બન્ને મહિલાઓએ પત્ની-માતા તરીકેના ધર્મ નિભાવવામાં ક્યાંય કચાશ છોડી હોય તેવું જણાતું નથી.
સફળ પતિ પાછળ પત્નીનો કે મહિલાનો હાથ હોય છે, પરંતુ પતિ સફળ હોય એટલે મહિલાએ માત્ર તેના નામ અને પદના ભાર હેઠળ જીવ્યા કરવું અને પોતાની વ્યક્તિગત ઓળખ ભૂલી જવી તેવા વણલખાયેલા નિમયને જેમણે તોડ્યો છે, આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમને ખૂબ શુભેચ્છા.