ઓસ્કારથી સન્માનિત દેશની પહેલી હસતિનો આજે જન્મદિવસ છે. તેઓ કોઈ પરિચયના મોહતાજ નથી. સત્યજીત રેનો જન્મ 2 મે, 1921ના રોજ કોલકાતામાં થયો હતો. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કલાનો અભ્યાસ કરવા શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ટાગોરની યુનિવર્સિટીમાં ગયા હતા. રેએ 1955માં પાથેર પંચાલી સાથે દિગ્દર્શનમાં ડેબ્યૂ કર્યું હતું. રેની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક અપુ ટ્રિલોજી હતી અને ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે લઈ જવામાં સહાયક હતી. સુપ્રસિદ્ધ દિગ્દર્શક હોવા ઉપરાંત, રે એક ઉત્તમ લેખક, ચિત્રકાર, ગ્રાફિક ડિઝાઇનર, સુલેખનકાર, સેટ ડિઝાઇનર, સંગીત રચયિતા અને એક મક્કમ ફિલ્મ વિવેચક હતા. રેનું 23 એપ્રિલ, 1992ના રોજ નિધન થયું હતું.
આજે તેમના જન્મદિવસ પર તેમના વિશે થોડી ઓછી જાણીતી વાતો તમને જણાવીએ.
રે દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મો 32 રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા 1987માં રેને Lgion d’honneur (લિજન ઓફ ઓનર)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1962માં રેએ કંચનજંગા બનાવી, જે પ્રથમ રંગીન બંગાળી ફિલ્મ હતી. રેએ ફિલ્મો પહેલાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું અને જવાહર લાલ નેહરુની ડિસ્કવરી ઑફ ઇન્ડિયા જેવા પુસ્તકો માટે કવર ડિઝાઇન કર્યા હતા. તેમની પ્રથમ ફિલ્મ, પાથેર પાંચાલી, પૂર્ણ થવામાં લગભગ ત્રણ વર્ષ લાગ્યા અને તે ખૂબ જ ઓછા બજેટમાં બનાવવામાં આવી હતી.
અત્યંત પ્રતિષ્ઠિત ઓસ્કારથી સન્માનિત રે પ્રથમ ભારતીય હતા. તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
રેને તેમના નિધન પહેલા ભારત સરકાર દ્વારા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.