દક્ષિણ ભારતની ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર અને અર્જુન તરીકે ઓળખાતા વિજય દેવેરાકોંડાએ ફિલ્મ લાઇગરથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે ‘વિજય’ આજે સફળતાના શિખરે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેની પાસે તેના ઘરનું ભાડું ચૂકવવા માટે પણ પૂરતા પૈસા નહોતા. વિજય દેવરાકોંડાના 34માં જન્મદિવસના અવસર પર ચાલો જાણીએ તેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચડતી પડતીની વાતો.
વિજય દેવરાકોંડાનો જન્મ નવમી મે ૧૯૮૯ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેલુગુ પરિવારમાં જન્મેલા વિજયના પિતા ‘દેવરકોંડા ગોવર્ધન રાવ’ દક્ષિણ ભારતીય ટીવી સ્ટાર હતા. વિજયને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. નાનપણથી જ તે ખૂબ જ સ્પષ્ટવક્તા હતા, તેથી જ વિજયના પરિવારના તમામ સભ્યો તેને ‘રાઉડી’ કહીને બોલાવે છે.
વિજય દેવરાકોંડાએ ૨૦૧૧માં ફિલ્મ ‘નુવવિલા’થી ડેબ્યૂ કર્યું હતું. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કારકિર્દીની શરૂઆતમાં તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એવો પણ સમય હતો કે જ્યારે ઘરનું ભાડું ભરવા માટે પણ પૈસા નહોતા, પરંતુ જિંદગીમાં ક્યારેય હાર માની નહોતી.
આ વાત અહીંથી અટકતી નથી પણ પછી કામ મળવા લાગ્યું અને આજ દિવસ સુધી પાછું વળીને જોવાની નોબત આવી નથી. ફિલ્મોની જ વાત કરીએ તો નુવવિલા પછી વિજય દેવરાકોંડાએ ‘ડિયર કોમરેડ’, ‘મહેનાતી’ અને ‘વર્લ્ડ ફેમસ લવર’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. જોકે, તેને વાસ્તવિક ઓળખ ૨૦૧૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’થી મળી હતી. આ ફિલ્મને હિન્દીમાં પણ રિમેક કરીને ‘કબીર સિંહ’ ફિલ્મ બનાવવામાં આવી હતી.
વિજયે ફિલ્મ લાઇગરથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી. એક્ટિંગ સિવાય વિજય દેવરાકોંડા એક ફિલ્મ નિર્માતા છે અને તેની કંપનીનું નામ ‘હિલ એન્ટરટેઈનમેન્ટ’ છે. આ સિવાય તેની પાસે ‘રાઉડી વેર’ નામની કપડાની બ્રાન્ડ પણ છે.