માનવામાં ન આવે તેવી વાત છે. આજના સમયમાં જ્યારે એવોર્ડ ખરીદાતા હોવાની વાતો થતી હોય ત્યારે કોઈ અભિનેતા પોતાને મળી રહેલા નેશનલ એવોર્ડને નકારે તો સ્વાભાવિક છે કે વિશ્વાસ ન બેસે. પણ વાત સાચી છે. કપૂર ખાનદાનના આ ખાનદાની છોકરાએ વર્ષ 1961માં રીલિઝ થયેલી તેની ફિલ્મ ધર્મપુત્ર માટે નેશનલ એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આનું કારણ એ હતું કે અભિનેતા પોતે ન હતો માનતો કે આ ફિલ્મમાં તેણે એવું કામ કર્યું છે કે તે તેને આ સન્માન મળવું જોઈએ. છ દાયકા જેણે હિન્દી ફિલ્મ, થિયેટર જગતને આપ્યા, ફિલ્મોમા કામ કર્યું, ફિલ્મ પ્રોડ્યુસ કરી અને થિયેટર ચલાવ્યું તે બોલીવૂડના મોસ્ટ હેન્ડસમ એન્ડ મોસ્ટ ચાર્મિગ એક્ટર શશી કપૂરનો આજે જન્મદિવસ છે. 18મી માર્ચ 1938માં કોલકત્તા ખાતે તેમનો જન્મ થયો.
પિતા અને પોતાના સમયના જાણીતા અભિનેતા પૃથ્વીરાજ કપૂરના સૌથી નાના પુત્ર એટલે કે રાજ કપૂર અને શમ્મી કપૂરના સૌથી નાના ભાઈ શશીએ ચાર વર્ષની ઉંમરે પહેલીવાર કેમેરો ફેસ કર્યો હતો. તે બાદ ભાઈ રાજ કપૂરની આગ ફિલ્મમાં મહત્વનો રોલ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કર્યો. તેમનું મૂળ નામ બલબીર હતું.
તેમની પહેલી ફિલ્મ ધર્મપુત્ર 1961માં આવી ને તે બાદ તેમણે લગભગ 116થી વધારે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો. અમિતાભ બચ્ચનથી માંડી સામે ગમે તેવા કદાવર અભિનેતા હોય પણ શશી કપૂર તમને આંજ્યા વિના રહે નહીં. પોતાના સમયથી તમામ હીરોઈનો સાથે જોડી જમાવનાર શશીએ રિઅલ લાઈફમાં હોલીવૂડ અભિનેત્રી જેનીફર કેન્ડલ સાથે જીવન વિતાવ્યું. પરદેશીયો સે ના અખિયા મિલાના…કહેનારાએ રંગમંચ પર મળેલા પરદેશી જેનીફર સાથે લગ્ન કર્યા અને ત્રણ સંતાનોના પિતા બન્યા. તેમના સંતાનો પણ સર્જનશીલતા સાથે જોડાયેલા છે. 1978મા તેમણે બનાવેલા અને શરૂ કરેલા પૃથ્વીરાજ થિયેટરમાંથી આજે પણ ઘણા પ્રતિભાશાળી અભિનેતા અને સર્જકો ઘડાય છે. તેમની ફિલ્મોની યાદી ખૂબ લાંબી છે. બોક્સ ઓફિસ પર સિક્કા ઉછાળનારી ફિલ્મોથી માંડી ક્રટીકલી અક્લેમ્ડ ફિલ્મોમાં તેમણે દમદાર અભિનય કર્યો છે. પહેલી ફિલ્મમાં મળેલો એવોર્ડ નકારનારા શશીના નામે ઢગલો નેશનલ એવોર્ડ, ફિલ્મ ફેર એવોર્ડ છે. તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મ ભૂષણથી પણ સન્માનવામાં આવ્યા છે.
શશી કપૂરે માત્ર ફિલ્મોમાં કામ નથી કર્યું ,તેઓ ફિલ્મોને જીવ્યા છે. તેમણે પોતાની આવક અન્ય કોઈ ધંધામાં ન રોકતા ફિલ્મોમાં જ રોકી, પછી તે ફાયદો આપે કે નુકસાન. હોલીવૂડની ફિલ્મોમાં પણ નોંધપાત્ર કામ કરનારા શશી પત્નીના અવસાન બાદ ભાંગી પડ્યા હતા. ઘણી લાંબી બિમારી બાદ તેઓ ડિસેમ્બર 2017માં દુનિયા છોડી ચાલ્યા ગયા.
કપૂર ખાનદાને એકથી એક ચડિયાતી પ્રતિભાઓ બોલીવૂડને આપી છે અને દરેકની પોતાની આગવી શૈલી છે, પણ શશી કપૂરના ચાહનારો વર્ગ ચોક્કસ કહેશે કે શશી એક જ હતો અને એક જ રહેશે. બીજો શશી ક્યારેય નહી મળે.