ચિરંજીવી હિન્દી ફિલ્મોના શોખિનો માટે જાણીતો ચહેરો છે. 90ના દાયકાની પ્રતિબંધ ફિલ્મના તેજતર્રાર પોલીસ અધિકારી તરીકે તેણે હિન્દીજગતમાં ઘણી વાહવાહી મેળવી હતી, પરંતુ તેલુગુ જગતનું તે ખૂબ જ મોટું નામ. આ સાથે દક્ષિણના રાજકારણમાં પણ મોટું નામ. આ ચિરંજીવીના ચિરંજીવે હમણા ધૂમ મચાવી છે અને આજે તેનો જન્મદિવસ છે. હા, આજે નાટુ નાટુ સ્ટાર રામ ચરણનો જન્મદિવસ છે.
તેલુગુ સિનેમાનો આ જાણીતો ચહેરો વિશ્વભરમાં તેની ફિલ્મ આરઆરઆર બાદ જાણીતો બની ગયો છે. જોકે તે પહેલા પણ તે ખૂબ જ ઊંચી ફી વસૂલતો સ્ટાર હતો. ત્રણ ફિલ્મફેર એવોર્ડ તેણે જીત્યા છે અને ફોર્બ્સ ઈન્ડિયાના 100 સેલિબ્રિટીની યાદીમાં પણ છે. પહેલી ફિલ્મ ચિરુથાથી જ તેણે તરખાટ મચાવ્યો હતો. હિન્દી ફિલ્મજગતમાં અમિતાભ બચ્ચન બનીને આવ્યો હતો, પણ બચ્ચન જેટલી ધૂમ મચાવી શક્યો નહીં. તેણે બચ્ચનની આઈકોનિક ફિલ્મ ઝંઝીરમાં પોલીસ ઈન્સ્પેક્ટરનો રોલ કર્યો હતો, પણ ફિલ્મ એટલી ચાલી નહીં. રામ ચરણે ટીકાનો સામનો કરવો પડ્યો અને ત્યારથી હિન્દી ફિલ્મો પર તેણે ચોકડી મારી દીધી.
ફિલ્મ અભિનેતા ઉપરાંત તે એક બિઝનેસમેન પણ છે. તે પોતાની એરલાઈન્સ કંપની ધરાવે છે અને પોલો ટીમનો માલિક છે. રામચરણે સ્કૂલ ફ્રેન્ડ ઉપાસના સાથે લગ્ન કર્યા છે. રાણા દુગ્ગાબાટી અને અલ્લુ અર્જુનનો તે જીગરી દોસ્ત છે. બન્ને દોસ્તની જેમ તેણે પણ એક જ ફિલ્મથી આખા દેશમાં નામ અને ચાહકો કમાઈ લીધા છે. તેને આ જ રીતે સફળતા મળે તેવી શુભકામના…