ખૂબ ઓછી અભિનેત્રીઓ હશે જેને પહેલી ફિલ્મથી માંડી આખી કરિયરમાં મજબૂત રોલ મળ્યા હશે અને તેણે તેને એટલી જ સારી રીતે નિભાવ્યા હશે. થોડા સમયથી હીરોઈન સેન્ટ્રીક ફિલ્મો બની રહી છે, પણ એ ન હતી બનતી ત્યારે પણ આ અભિનેત્રીએ પોતાના રોલ સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું નથી. આ અભિનેત્રીનું નામ છે અને રાની મુખરજી અને આજે તેનો જન્મદિવસ છે.
રાનીની એક પણ ફિલ્મ તમને યાદ છે જેમા તમને લાગે કે તે ખાલી ગીતો ગાવા અને ગ્લેમર દેખાડવા માટે હોય…કુછ કુછ હોતા હૈ જેવી ફિલ્મમાં કિમીયો રોલ હોવા છતાં કાજોલ અને શાહરૂખ ખાનને તેણે ટક્કર આપી હતી. ગુલામ જેવી આમિર ખાનની ફિલ્મમાં પણ આ અભિનેત્રી પોતાની છાપ છોડી શકી હતી. ખંડાલા ગર્લ તરીકે જાણીતી રાણીએ પોતાની આ અભિનય ક્ષમતાને લીધે જ વર્ષ 2005માં હમતુમ અને યુવા ફિલ્મ માટે ફિલ્મફેર મેળવ્યા હતા. સાથિયાની ડોક્ટર જે પ્રેમી સાથે બાગીને લગ્ન કરે છે, મર્દાનીની પોલીસ અધિકારી, હિચકીની ટીચર અને બ્લેકની મુંગી,બહેરી અને અંધ છોકરી રાણી અભિનયમાં અવલ્લ જ રહે છે. તાજેતરમાં તેની રીલિઝ થયેલી ફિલ્મ મિસિસ ચેટરજી એન્ડ નોર્વે ભલે બોક્સ ઓફિસ પર ધૂમ ન મચાવી શકી, પણ રાણીનો દમદાર અભિનય સૌ કોઈએ વખાણ્યો છે. યશરાજ ચોપડાની પુત્રવધુ અદિરા નામની પુત્રીની માતા છે.
સહજ અભિનય અને ઘોઘરા અવાજને લીધે તે અલગ તરી આવે છે. કાજોલની કઝિન તરીકે ફિલ્મમાં આવેલી આ અભિનેત્રીએ અભિનયમાં કઝિન કાજોલની બહેન જ હોવાનું સાબિત કર્યું છે. લગભગ તમને નહીં ખબર હોય પણ પાકિસ્તાની લશ્કરના પ્રમુખ પરવેઝ મુશરફના માનમાં યોજાયેલા ડીનરમાં ફિલ્મીજગતમાંથી આમંત્રિત હસતિ માત્ર રાણી મુખરજી હતી. તેની બે ફિલ્મ હે રામ અને પહેલી એકેડમી એવોર્ડ સુધી પહોંચી હતી.
પત્રકારો અને ફોટોગ્રાફરો સાથે ખૂબ ફ્રેન્ડલી માનવામાં આવતી રાણીએ આજે તેના બર્થ ડે નિમિત્તે પાપારાઝીઓ સાથે ફોટા પડાવ્યા હતા, કેક કાપી હતી અને તેમની શુભેચ્છાઓ લીધી હતી. તે બાદ તે ગુવાહાટીના કામાખ્યા દેવીના મંદિરમાં દર્શન માટે રવાના થઈ હતી. પિંક ડ્રેસમાં રાણીએ સૌને ફરી મંત્રમુગ્ધ કર્યા હતા. રાણીને તેના જન્મદિવસે અઢળક શુભકામના.