Homeદેશ વિદેશકર્ણાટકની ચૂંટણીમાં હનુમાનજીની એન્ટ્રી

કર્ણાટકની ચૂંટણીમાં હનુમાનજીની એન્ટ્રી

‘જય બજરંગબલી’ બોલી મત આપો: મોદી

બેંગલૂરુ (કર્ણાટક): કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હવે હનુમાનજી-બજરંગબલીના મુદ્દો ઉગ્ર બન્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મતદારોને ‘જય બજરંગબલી’ બોલીને મત આપવા હાકલ કરી હતી, જ્યારે બજરંગ દળે રાજ્યભરમાં હનુમાન ચાલીસા પઠનના કાર્યક્રમો શરૂ કર્યા છે. કૉંગ્રેસે તેના કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના ઢંઢેરામાં બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાના આપેલા વચનના અનુસંધાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાને આગામી ૧૦ મેની ચૂંટણીમાં ‘જય બજરંગબલી’ બોલીને મત આપવાનો અનુરોધ કર્યો હતો. વડા પ્રધાને વિધાનસભાની ચૂંટણી માટે મુડબિદ્રિ, કલબુર્ગી, બેલગાવી, અંકોલા તથા મુલકી ખાતે જાહેર સભાઓને સંબોધતાં શરૂ્રઆતમાં ‘ભારત માતા કી જય’નો ઘોષ કર્યો હતો. તે ઉપરાંત શરૂઆતમાં અને અંતમાં ‘જય બજરંગ બલી’ નો ઉચ્ચાર પણ કર્યો હતો.
વડા પ્રધાને બજરંગ દળ પર પ્રતિબંધનું વચન આપવા બદલ કૉંગ્રેસ અને જનતા દળ (એસ) પર પ્રહારો શરૂ કર્યા હતા. કૉંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધનું વચન આપ્યા પછી ભાજપે તેના વચનનામાને પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ)નું વચનનામું પણ ગણાવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ એક સભાને સંબોધતાં કર્ણાટકની જનતાને કૉંગ્રેસ અને જનતા દળ (એસ)ના ‘શોર્ટ કટ પોલિટિક્સ’થી સાવધાન રહેવાની તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ‘શર્ટ કટ ગવર્નન્સ’ વોટ બૅન્કનું રાજકારણ પેદા કરે છે. વડા પ્રધાન ચૂંટણી પ્રચાર વચ્ચે કર્ણાટકના પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરનારા મહાનુભાવો તુલસી ગોવડા અને સુકરી બોમ્માગોવડાને પણ મળ્યા હતા.
વડા પ્રધાને અન્ય એક સભામાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષાનેે ફક્ત ‘ગલીકુંચીનુ રાજકારણ’ ખેલતાં આવડે છે. તેઓ અમને હરાવી શકે એમ નહીં હોવાથી અમને ગાળો દે છે. મને અને ભાજપને ગાળો દેનારી કૉંગ્રેસને મતદારો માફ નહીં કરે, મતપેટીમાં જવાબ આપશે. કૉંગ્રેસ શાંતિ અન વિકાસની દુશ્મન છે. તેઓ ‘આતંકના આકાઓ’ને રક્ષણ અને પ્રોત્સાહન આપીને ખુશામતના રાજકારણને આગળ ધપાવે છે. ભાજપ કર્ણાટકને ખેતી, માછીમારી અને ઉદ્યોગોના ક્ષેત્રે નંબર-વન રાજ્ય બનાવવા ઇચ્છતો હોવાથી લોકોને અમારા ચૂંટણી ઢંઢેરાને વખાણે છે. કૉંગ્રેસ ચૂંટણીના વખતમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપનારાઓની તરફેણ કરે છે અને તેમની સામેના કેસ પાછા ખેંચીને એ રાષ્ટ્રવિરોધીઓને છાવરે છે. કર્ણાટકમાં ‘શાહી પરિવાર’નું એટીએમ બનાવવાનો કૉંગ્રેસનો ઇરાદો છે. કૉંગ્રેસ અને જનતા દળ (એસ)ની સરકાર કર્ણાટકને અસ્થિરતા આપશે. કૉંગ્રેસની નીતિ ‘ભાગલા પાડી રાજ કરવા’ની છે. આખો દેશ સંરક્ષણ દળોને બિરદાવે છે અને ફક્ત કૉંગ્રેસ સૈનિકોનું અપમાન કરે છે. કૉંગ્રેસ ફક્ત ખોટાં આરોપો અને ખોટી બાંયધરીઓ પર આધાર રાખે છે. તેમને દેશના વિકાસમાં નહીં, પોતાના વિકાસમાં રસ છે. તેથી કૉંગ્રેસીઓ સરકારી યોજનાઓના ખોટા લાભાર્થીઓના નામો આપીને ભ્રષ્ટાચાર કરે છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના ૪૨ ટકા ઉમેદવારો કરોડપતિ છે
બેંગ્લૂરુ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના બાવીસ ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો ચાલે છે. ૧૬ ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાના કેસ નોંધાયેલા છે. એસોસિયેશન ઑફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર ૨૬૧૫ ઉમેદવારોમાંથી ૨૫૮૬ ઉમેદવારોની ઍફિડેવિટ્સની વિગતો પ્રમાણે ૪૨ ટકા ઉમેદવારો ‘કરોડપતિ’ છે. તેમાંથી ૨૯ ઉમેદવારોની ઍફિડેવિટ્સનું સ્કૅનિંગ બરાબર ન કરાયું હોવાથી કે આખી ઍફિડેવિટ અપલોડ ન કરાઈ હોવાથી બરાબર વાંચી શકાતી ન હોવાથી તેમનું વિશ્ર્લેષણ યોગ્ય રીતે કરાયું નહોતું.
———–
બજરંગ દળે કર્ણાટકમાં હનુમાન ચાલીસા પઠનના કાર્યક્રમો યોજ્યા
બેંગલૂરુ: કૉંગ્રેસે તેના કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના જાહેરનામામાં બજરંગ દળ પર પ્રતિબંધનું વચન આપ્યા પછી ભાજપ અને હિન્દુત્વવાદી સંગઠનો તરફથી તીવ્ર પ્રત્યાઘાતો જાગ્યા છે. બજરંગ દળે સમગ્ર કર્ણાટકમાં હનુમાન ચાલીસાના પઠનના કાર્યક્રમો
યોજ્યા છે. બજરંગ દળના હનુમાન ચાલીસા પઠનના આયોજનોને વિશ્ર્વ હિન્દુ પરિષદે સમર્થન આપ્યું છે. બજરંગ દળના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ધર્મ પર આફતનો પ્રસંગ આવ્યો છે. આવા વખતે સૌએ એકજૂટ થવાની જરૂર છે. ધર્મના રક્ષણ માટે મતભેદો ભૂલીને એકતા દાખવવાની આવશ્યકતા છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -