વિશ્ર્વભરમાં મહિલાઓએ વાળ કાપીને વિરોધ નોંધાવ્યો અને એને કારણે ઈરાનની કટ્ટરવાદી સરકારે પણ ઝૂકવું પડ્યું
કવર સ્ટોરી -ગીતા માણેક
‘અત્યારે જ તેમના સહયોગમાં ઊભા થાઓ. હમણાં નહીં તો એ ક્યારેય નહીં થઈ શકે. એમની પડખે ઊભા રહો જેઓ મહિલાઓના સ્વાતંત્ર્ય માટે લડી રહ્યા છે. વુમન લાઈફ ફ્રીડમ’ થોડા જ દિવસો અગાઉ ટીવી ઇન્ડિયાની એન્કર ગીતા મોહને ટી.વી.ટુડે ચેનલમાં ન્યૂઝ વાંચવાનું પૂરું કરતાં પહેલાં કહ્યું અને કાતર હાથમાં લઈને વાળ પર ફેરવી.
ગીતા મોહન દુનિયાભરની વાળ કાપીને વિરોધ કરી રહેલી સ્ત્રીઓ સાથે જોડાઈ હતી. ભારત સહિત દુનિયાભરની સ્ત્રીઓ આ રીતે વાળ કાપીને પોતાના ફોટા કે વીડિયો સોશ્યલ મીડિયા એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સ અપ વગેરે પર પોસ્ટ કરી રહી છે.
આ રીતે વાળ કાપીને વિરોધ પ્રદર્શિત કરવા પાછળનું કારણ છે ૧૬મી સપ્ટેમ્બરે મૃત્યુ પામેલી માસા અમીન. ઈરાનની આ બાવીસ વર્ષની યુવતીને ઈરાનની મોરલ પોલીસ એટલે કે નૈતિકતાનો ઠેકો લઈને બેઠેલા નૈતિકતા સંરક્ષણ પોલીસ વિભાગે એટલા માટે ધરપકડ કરી હતી કારણ કે તેણે પોતાનો હિજાબ બરાબર પહેર્યો નહોતો. માસા અમીનનો ગુનો ફક્ત એટલો જ હતો કે તે બીમાર હતી અને પોતાની મા સાથે ડૉક્ટર પાસે ગઈ હતી. ત્યાંથી પાછી વળી રહી હતી ત્યારે તેના હિજાબમાંથી તેના થોડાક વાળ દેખાઈ રહ્યા હતા. આવા ‘ઘોર’ અપરાધ માટે ઇરાનની મોરલ પોલીસ તેની ધરપકડ કરીને તેને લઈ ગઈ અને બે દિવસમાં તેનું મૃત્યુ થયું. પોલીસે એવો દાવો કર્યો કે તે બીમારીને કારણે મૃત્યુ પામી છે જ્યારે હકીકતમાં પોલીસે તેને એટલો માર માર્યો કે તેનું મૃત્યુ થયું.
આ અમાનવીય અત્યાચારની સામે પહેલાં ઈરાનમાં અને ત્યારબાદ વિશ્ર્વભરમાં સ્ત્રી સ્વાતંત્ર્યના હિમાયતીઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો. ઈરાનનાં એંશી શહેરોમાં આ વિરોધ દાવાનળની જેમ ફાટી નીકળ્યો. સત્તાધીશોએ આને કડક હાથે દબાવી દેવાનો પ્રયાસ કર્યો. ગોળીબાર કરવાથી માંડીને અશ્રુવાયુ એટલે કે ટિયર ગેસ છાંટવો, સોશિયલ મીડિયા પર પ્રતબિંધ મૂકવો સુધીનાં બધાં જ હથિયારો સરકારે ઉપયોગમાં લીધા. આ બધામાં ૩૦૦થી વધુ લોકોએ જાન ગુમાવ્યા જેમાં મોટાભાગની મહિલાઓ હતી. આ આખા વિરોધ પ્રદર્શનની વિશિષ્ટતા એ છે કે આમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓથી માંડીને યુવતીઓ અને પ્રગતિવાદી પુરુષો પણ સામેલ થયા છે.
વિરોધ પ્રદર્શનની એક ઝુંબેશ તો એવી ચાલી કે ધર્મના ઠેકેદારો જેવા લોકો રસ્તે ચાલતા હોય ત્યારે કોઈ પ્રગતિવાદી મહિલા કે પુરુષો પાછળથી આવીને તેમની પાઘડી (ઈરાન અને આરબ દેશોના મુસ્લિમો માથે પહેરે છે એવી પાઘડીઓ) ઉલાળીને ભાગી જવા માંડ્યા. ઈરાનની રાજધાની તહેરાનમાં એક ફુવારાના પાણીમાં એક ચિત્રકારે લાલ રંગ ભેળવી દીધો જેથી ફુવારામાંથી લાલ રંગનું પાણી ઊડવા માંડ્યું. એ પ્રતીક હતું એ બાબતનું કે ઈરાનની સરકાર મહિલાઓનું લોહી રેડી રહી છે. ઈરાનમાં નારીવાદી સમર્થકોએ સૂત્ર આપ્યું છે – વુમન લાઈફ ફ્રીડમ. આ સૂત્ર હવે દુનિયાભરમાં ગાજી રહ્યું છે.
માસા અમીનની નિર્દયતાથી કરેલી હત્યાના પડઘા આખી દુનિયામાં પડ્યા. ભારતમાં પણ અનેક સ્ત્રીઓ ઈરાની સ્ત્રીઓના સમર્થનમાં જાહેરમાં આવીને વાળ કાપવા માંડી કે વાળ કાપતો વિડીઓ સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરવા માંડી. આ ઝુંબેશમાં સેલિબ્રિટીઓથી માંડીને સામાન્ય મહિલાઓ પણ સામેલ થવા માંડી.
ભારતના મણિપુરની લાઈસીપ્રિયા કેન્ગજામ નામની સૌથી નાની ઉંમરની પર્યાવરણવાદી છોકરી તો દિલ્હી ખાતે આવેલી ઈરાનની એમ્બેસીની બહાર પ્લેકાર્ડ લઈને એકલી પહોંચી ગઈ. તેણે વિરોધ માટે હાથમાં પકડેલા પાટિયા પર લખ્યું હતું – ૨૧મી સદીમાં આ પ્રકારની હત્યા થાય (માસા અમીનની હત્યા) એ આપણી કમનસીબી છે. આપણે બધાએ આવા અમાનવીય અત્યાચાર સામે અવાજ ઉઠાવવો જોઈએ.
શરૂઆતમાં જેની વાત કરી તે ઇન્ડિયા ટુડેની પત્રકારની માફક જ અનેક સ્ત્રીઓએ કેમેરા સામે વાળ કાપીને ફોટા કે વીડિયો મૂક્યા એમાં નોઈડાની ડૉ. અનુપમા ભારદ્વાજ પણ હતી. જાણીતી મોડેલ અને બોલીવુડની હિરોઈન ઉર્વશી રૌતેલા પણ આ વિરોધમાં સામેલ થઈ અને પોતે પોતાના વાળ કાપતી હોય એવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો અને લખ્યું હતું કે જો સ્ત્રીઓ આ રીતે સંગઠિત થશે તો ફેમિનીઝમની ચળવળને બળ મળશે. આ વિરોધમાં સામાન્ય યુવતીઓ અને ગૃહિણીઓ પણ જોડાવા માંડી. થાણેની રાધાએ ઇન્સ્ટાગ્રામ પર વાળ કાપતો વીડિયો મૂકતાં કહ્યું કે આ કંઈ વાળ કાપવાનું શીખવતો વીડિયો નથી પણ હું ઈરાનની મહિલાઓને સમર્થન આપવા માટે જાહેરમાં વાળ કાપતો વીડિયો મૂકી રહી છું
આ રીતે વાળ કાપીને વિરોધ જાહેર કરવો એ પ્રતીકાત્મક છે જેના દ્વારા સ્ત્રીઓ કહેવા માગે છે કે વાળ એ સ્રીનું સૌંદર્ય છે એવું માનવામાં આવે છે પરંતુ સૌંદર્યનાં આવાં ધોરણો સમાજે નક્કી કર્યા છે જે અમને માન્ય નથી. સ્ત્રીઓએ કેવાં કપડાં પહેરવાં કે કેવાં કપડાં ન પહેરવાં, કેવા વાળ રાખવા કે પછી કેવા દેખાવું, કેવી રીતે જીવવું એ સમાજ નક્કી ન કરી શકે. એ નક્કી કરવાનો વ્યકિતગત અધિકાર માત્ર સ્રીઓનો પોતાનો જ હોવો જોઈએ.
આવી દુનિયાભરની અસંખ્ય જાણીતી અને અજાણી સ્ત્રીઓએ અને કેટલાંક પુરુષોએ પણ પોતે ઈરાનની સ્ત્રીઓની પડખે ઊભા છે એવું દર્શાવવા જાતે જ વાળ કાપીને વિરોધ પ્રદર્શિત કર્યો. કેટલાક લોકો આ આખી ચળવળની હાંસી ઉડાવતા હતા કે અમેરિકા, યુરોપ કે ભારત, પાકિસ્તાનમાં આવા વિરોધ દર્શાવવાથી શું થવાનું છે?, પરંતુ આ વિરોધની અસર એ થઈ કે ઈરાનની સરકારે ઝૂકવું પડ્યું. આ લખાઈ રહ્યું છે ત્યારે જ સમાચાર આવ્યા છે કે ઈરાનના સત્તાધીશોએ નૈતિકતા સંરક્ષણ પોલીસ જેને તેમની ભાષામાં ગશ્ત-એ-એરશાદ કહેવાય છે એનો વીંટો વાળી લેવાનો એટલે કે એ ખાતું જ બંધ કરી નાખવાનો નિર્ણય લીધો છે. જો કે ઈરાનના પ્રગતિવાદીઓ આટલાથી રાજી નથી.
તેમને લાગે છે કે માત્ર નૈતિકતા સંરક્ષણ ખાતું બંધ કરી દેવાથી કંઈ નહીં થાય. હકીકતમાં ઈસ્લામિક કાયદા પ્રમાણે જ કપડાં પહેરવાં અને શરિયા કાયદાનું પાલન ન કરે તેના પર કઠોર કાર્યવાહી કરવી એવા નિયમોને જ રદ કરવા જોઈએ. આ કારણસર આ વિરોધ ચાલુ જ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે.