મુંબઈઃ મહારાષ્ટ્ર્માં નિરંતર H3N2 વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેના સંબંધમાં મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારે એલર્ટ રહેવાની ચેતવણી આપી છે. આ સંબંધમાં ડોક્ટરે જણાવ્યું છે કે H3N2 વાઈરસને કારણે ફ્લુના સંક્રમણ વચ્ચે ખાસ કરીને બાળકોને વિશેષ અસર થાય છે. એક અહેવાલ અનુસાર સંક્રમિત નવજાત-બાળકો અને પ્રીસ્કૂલરને પણ પુણેના આઈસીયુમાં ભરતી કરાવવામાં આવી રહ્યા છે. ડોક્ટરે બાળકો અને ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં H3N2 કેસમાં ચિંતાજનક રીતે વધારો થયા હોવાના ચોંકાવનારા અહેવાલ આપ્યા છે. જાણીતી હોસ્પિટલના ડોક્ટર અને સિનિયર પિડિયાટ્રિક્સે કહ્યું હતું કે બાળકોમાં, અસ્થમા અને અન્ય રોગો જેમ કે સ્થૂળતા, ફેફસાના રોગ, ન્યુરોલોજિકલ સમસ્યાઓ અને હૃદયના રોગોનું જોખમ વધારે છે. અમુક કેસમાં બાળકોને તાવ 104-105 સુધી જઈ શકે છે, જ્યારે ઊલટી, લૂઝ મોશન, ખાંસી-તાવ અને અમુક કેસમાં બાળકોને ઊંઘ
પણ નહીં આવવાનું પ્રમાણ પણ જોવા મળે છે. આવા લક્ષણોનું પ્રમાણ પણ પાંચથી સાત દિવસ સુધી રહે છે, જ્યારે અમુક રોગીમાં લાંબા સમય સુધી ઉધરસ રહે છે.
આ મુદ્દે ડોક્ટરે કહ્યું હતું કે આવા કિસ્સામાં જો ઉધરસ એક અઠવાડિયાથી વધુ સમય રહે છે તો ડોક્ટરને તાત્કાલિક બતાવવાનું જરુરી રહે છે. છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ખાસ કરીને ઉધરસ માટે કાઉન્ટર દવાનો વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં. આ સંજોગોમાં બાળકોને ખાસ કરીને પૂરતો આરામ કરવા દેવો જોઈએ. પ્રવાહી પદાર્થનું પૂરતું સેવન કરવા દેવું જોઈએ. આ ઉપરાંત, આહારમાં પણ વિવિધતા લાવવાથી બાળકોને વાઈરસ સામે લડવામાં મદદ મળી શકે છે. બાળકોમાં વધતા સંક્રમણ અંગે નિષ્ણાત ડોક્ટરે કહ્યું હતું કે બાળકોને ખાસ કરીને સમજી-વિચારીને દવા આપવી જોઈે. વધારે પડતી દવા આપવાથી કિડનીને નુકસાન પહોંચી શકે છે. તાવના કિસ્સામાં પણ પ્રોટીનવાળા ખોરાકનું સેવન કરવું હિતાવહ રહે છે. એટલું જ નહીં, જાહેર સ્થળોએ પણ માસ્ક પહેરવાની સાથે ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવાની સાથે નિયમિત રીતે બહાર અવરજવર કર્યા પછી પાણીથી હાથ ધોવાનું જરુરી છે.