Homeમેટિનીગુઝર ગયા વો ઝમાના કૈસા, કૈસા!

ગુઝર ગયા વો ઝમાના કૈસા, કૈસા!

૯૦ વર્ષ પહેલાં આવેલી ‘યહૂદી કી લડકી’થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પંકજ મલિકની એન્ટ્રી થઈ અને કુંદનલાલ સાયગલ – પંકજ મલિકની જુગલબંધીનો પ્રારંભ થયો

હેન્રી શાસ્ત્રી

મિર્ઝા ગાલિબ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હાથવગા રહ્યા છે. ગાલિબની ગઝલ, એમના શેર હિન્દી ફિલ્મનાં ગીત – સંગીતમાં વટથી અને આદર સાથે બિરાજે છે. એવી માન્યતા છે કે ફિલ્મ ‘માસૂમ’ (૧૯૪૧)માં સૌ પ્રથમ વાર ગાલિબની ગઝલ (आह को चाहिए इक उम्र असर होने तक, कौन जीता है तिरी जुल्फ के सर होने तक) રસિકોને સાંભળવા મળી હતી. જોકે, હકીકત જુદી છે. ‘માસૂમ’ રિલીઝ થઈ એના આઠ વર્ષ પહેલા આવેલી ‘યહૂદી કી લડકી’ (૧૯૩૩)માં ગાલિબની नुक्ता – चीं है ग – ए – दिल उस को सुनाए न बने, क्या बने बात जहाँ बात बनाए न बने ગઝલ પહેલી વાર રજૂ થઈ હતી. ગાયક હતા કુંદનલાલ સાયગલ અને સંગીતકાર હતા પંકજ મલિક. ન્યુ થિયેટર્સના બંગાળી મૂક ચિત્રપટ અને બોલપટમાં સંગીત આપનાર પંકજ મલિકની આ પહેલી હિન્દી ફિલ્મ હતી. ૧૯૩૨માં ત્રણ હિન્દી ફિલ્મ (મોહબ્બત કે આંસુ, ઝિંદા લાશ અને સુબહ કા સિતારા)માં ચમકેલા સાયગલની આ પહેલી હિટ ફિલ્મ હતી. આ સાથે કે. એલ. સાયગલ અને પંકજ મલિકની જુગલબંધીનો અનોખો દોર શરૂ થયો જેણે એક દાયકા સુધી સંગીત રસિકોને મંત્રમુગ્ધ કર્યા. ‘મુંબઈ સમાચાર’ના એવા વાચક પણ હશે જે આજે પણ એમના ગીત માણતા હશે. ૧૯૩૦ – ૪૦ના દોરની જુગલબંધીની કેટલીક વિશિષ્ટ જાણકારી ખાસ ‘મુંબઈ સમાચાર’ના વાચકો માટે.
+ કલકત્તાની ન્યુ થિયેટર્સ કંપનીમાં રાયચંદ બોરાલનું નામ બહુ મોટું હતું. પંકજ મલિકના સિનિયર હતા અને ઓલ ઈન્ડિયા રેડિયો માટે તેમણે પંકજ મલિકનું ઓડિશન કર્યું હતું. જોગાનુજોગ મલિકે સાયગલનું ઓડિશન લીધું અને બોરાલ જેમ પંકજદાથી પ્રભાવિત થયા હતા એ જ રીતે પંકજ મલિકને સાયગલનો અવાજ વિશિષ્ટ લાગ્યો અને ‘મોહબ્બત કે આંસુ’માં એમનું ગીત સ્વરબદ્ધ કર્યું. અલબત્ત આ ફિલ્મના સંગીતકાર તરીકે આર સી બોરાલનું નામ છે અને પંકજદા એમના સહાયક હતા. ‘યહૂદી કી લડકી’માં સાયગલ – પંકજદાની જોડીએ પહેલી વાર સફળતાનો સ્વાદ ચાખ્યો. જાણવા જેવી વાત એ છે કે રવીન્દ્ર સંગીત ગાનારા સાયગલ પહેલા બિન બંગાળી ગાયક હતા અને એનો શ્રેય પંકજ મલિકને જાય છે. ગાલિબની ‘નુક્તા – ચીં હૈ ગમ’ ત્યારબાદ કેટલાક ગાયક – સંગીતકાર દ્વારા રજૂ થઈ છે, પણ સાયગલ – પંકજ માલિકની તોલે કોઈ ન આવે એવો અનેક સંગીત અભ્યાસુઓનો અભિપ્રાય છે.
+ નવી દિલ્હીના રંગભૂમિના વરિષ્ઠ લેખક, દિગ્દર્શક અને અભિનેતા ડો. એમ. સૈયદ આલમએ આત્મકથાનક નાટક ‘કે. એલ. સાયગલ’ બનાવ્યું હતું. નાટક માટેની સામગ્રી એકઠી કરવા માટેના સંશોધનમાં પંકજદાના સાયગલ માટેના પ્રેમ અને આદરનો એક કિસ્સો તેમને જાણવા મળ્યો હતો. શ્રી આલમે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘બંગાળી ફિલ્મ ‘દેવદાસ’ (૧૯૩૫) માટે પંકજ મલિકના અવાજમાં બે ગીત સ્વરબદ્ધ કરવાનું નક્કી થયું હતું. જોકે, એ ગીતો માટે સાયગલનો સ્વર વધુ યોગ્ય અને બહેતર રહેશે એવી દલીલ બોરાલ સાથે કરી પંકજદા એ ગીત સાયગલ પાસે જ ગવડાવીને જંપ્યા. જોકે, સાયગલને બંગાળી નહોતું આવડતું એટલે મલિકે તેમને બંગાળી શીખવ્યું અને ગીત કઈ રીતે ગાવું એની તાલીમ આપી. આ એક વિલક્ષણ ઉદાહરણ છે. આજના સમયમાં આવો અભિગમ ન જોવા મળે.’
+ ૧૯૩૦ – ૪૦ના દાયકામાં ફિલ્મમેકિંગમાં ધમધમતા ન્યુ થિયેટર્સના ૧૯૫૦ના દાયકામાં વળતા પાણી શરૂ થયા અને એની સાથે સંકળાયેલા અનેક કલાકાર – કસબીઓ મુંબઈ રવાના થયા. આકર્ષક ઓફર મળવાથી સાયગલને સુધ્ધાં મુંબઈની માયા લાગી, પણ પંકજ મલિક કલકત્તામાં જ રહ્યા. અલબત્ત આ બાબત બંનેની જુગલબંધીમાં અંતરાય ન બની. ફિલ્મ સંગીતના ઊંડા અભ્યાસુ પવન ઝાએ નોંધ્યું છે કે ‘ન્યુ થિયેટર્સની એક ફિલ્મ (માય સિસ્ટર – મેરી બહન)ના સાયગલ પર ફિલ્માવાયેલા બે ગીત પંકજદાએ પોતાના અવાજમાં સ્વરબદ્ધ કરાવ્યા હતા, કારણ કે સાયગલ મુંબઈ ચાલ્યા ગયા હતા. થયું એવું કે નિર્માણ કંપની ન્યુ થિયેટર્સ દ્વારા એ ગીત સાયગલના સ્વરમાં જ રાખવાનો આગ્રહ રાખવામાં આવ્યો. પરિણામે બે ગીત માટે શ્રી મલિકે સાયગલને ખાસ કલકત્તા બોલાવ્યા અને ગીત રેકોર્ડ કરાવી લીધા. એ જ ગીત રિલીઝ કરવામાં આવ્યા. મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ દેખાડી પંકજદાએ પોતે ગાયેલા એ બંને ગીત સાયગલના અવસાન પછી જ બહાર પાડ્યા. એકબીજા માટે આદરની આવી મિસાલ ભાગ્યે જ જોવા મળે. પાર્શ્ર્વગાયન માટે સાયગલના અવાજને ઘાટ આપવામાં પંકજ મલિકનું મોટું યોગદાન છે.’ એ બે ગીત છે ‘અય કાતિબ – એ – તકદીર મુજે ઇતના બતા દે’ અને ‘દો નૈના મતવારે તિહારે હમ પર જુલ્મ કરે’. બંને ગીત યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે. સાંભળીને આનંદ લેજો.
+ સંગીતમાં ઘણા પ્રયોગ સૌપ્રથમ વાર કરવાની સિદ્ધિ પંકજ મલિકને નામે બોલે છે. ‘ધૂપછાંવ’ (૧૯૩૫)થી હિન્દી ફિલ્મમાં પાર્શ્વગાયનનો પ્રારંભ થયો એના શ્રેયમાં શ્રી મલિક સહભાગી છે. ‘મુક્તિ’ (૧૯૩૭)માં તેમણે રવીન્દ્રનાથ ટાગોરની કવિતાનો ઉપયોગ કર્યો. ફિલ્મમાં ટાગોરની રચના હોય એવો આ પહેલો પ્રસંગ હતો. સંગીતકાર શ્રી નૌશાદના કહેવા અનુસાર ફિલ્મ મ્યુઝિકની ઓર્કેસ્ટ્રામાં ઈંગ્લિશ ફ્લુટ અને એકોર્ડિયનનો પ્રથમ વાર ઉપયોગ પંકજ મલિકે કર્યો હતો. ઘોડાગાડી અને ટ્રેનની રિધમના અનેક ગીત તમે સાંભળ્યા હશે. એની શરૂઆત પણ શ્રી પંકજ મલિકે કરી હતી. ઘોડાગાડી ગીતોમાં અગ્રેસર ગણાતા સંગીત દિગ્દર્શક ઓ. પી. નય્યરે એક વખત કહ્યું હતું કે ‘સંગીત સાથે મારે નિસ્બત નહોતી અને મારા પરિવારમાં કોઈ સંગીત સાથે સંકળાયેલું નહોતું. હું છ વર્ષનો હતો ત્યારે મેં પંકજ મલિકને ગાતા સાંભળ્યા અને સંગીત માટે રુચિ પેદા થઈ. એમની પ્રેરણા મેળવીને જ હું સંગીતકાર બન્યો એ હકીકત છે.’ વધુ કંઈ કહેવાની જરુર ખરી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -