આસામની ગુવાહાટી હાઈકોર્ટે આરોપીઓના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી બદલ આસામ સરકાર સામે કડક વલણ દાખવ્યું છે. કોર્ટે આ મુદ્દે પર સુઓ મોટો સંજ્ઞાન લઈને જવાબ માંગ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે કયા કાયદા હેઠળ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી?
ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આરએમ છાયા અને જસ્ટિસ સૌમિત્ર સૈકિયાએ પાંચ આરોપીઓના ઘરો પર પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી બુલડોઝરની કાર્યવાહી અંગે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. જેમના ઘરોને બુલડોઝ કરવામાં આવ્યા હતા તેમના પર પોલીસ સ્ટેશનમાં આગ લગાવવાનો આરોપ છે.
રાજ્ય સરકારના વકીલે એસપીએ કરાયેલી કાર્યવાહી અંગે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. કોર્ટે સરકારના વકીલને કહ્યું કે, “તમે (રાજ્ય સરકાર) અમને એવો કોઈ ફોજદારી કાયદો બતાવો, જેના હેઠળ પોલીસ ગુનાની તપાસ કરતી વખતે કોઈ પણ આદેશ વિના બુલડોઝરથી આરોપી વ્યક્તિના ઘરને પાડી શકે.”
સુનાવણી દરમિયાન બેંચે પૂછ્યું કે શું આ કાર્યવાહી પહેલા કોઈ પરવાનગી લેવામાં આવી હતી. તેના પર સરકારી વકીલે કહ્યું કે ઘરની તલાશી લેવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. આ જવાબ અંગે ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી, ‘મારી સમગ્ર કારકિર્દીમાં મેં આવો કેસ સાંભળ્યો નથી, સર્ચ વોરંટ લઇ પોલીસ અધિકારીએ ઘર પર બુલડોઝર ચલાવ્યાનું સાંભળ્યું નથી.’
એસપીએ કથિત રીતે પાંચ મુસ્લિમ આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપ્યો હતો. આરોપીઓ પર નાગાંવ જિલ્લાના બટાદ્રાવા પોલીસ સ્ટેશનમાં આગ લગાવવાનો આરોપ હતો. આ ઘટનામાં એક ગ્રામીણનું પોલીસ કસ્ટડીમાં મોત પણ થયું હતું.