ગુજકેટની પરીક્ષા આગામી એપ્રિલ મહિનાની ત્રીજી તારીખે યોજવામાં આવશે, તેવી જાહેરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષા ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાય છે.
રાજ્ય શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, બી અને ગ્રુપ એબીના અંદાજે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાનો સમય 10 થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે 2017થી ગુજકેટ ફરજીયાત કરવામાં આવી છે.