Homeઆપણું ગુજરાતગુજરાતના સૌથી વધુ સિનિયર નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા

ગુજરાતના સૌથી વધુ સિનિયર નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સૌથી વધુ સિનિયર ધારાસભ્ય અને કૉંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને મંગળવારે ભાજપમાં જોડાયા હતા. રાઠવા છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લાં ૫૦ થી વધુ વર્ષથી કૉંગ્રેસમાં સક્રિય કાર્યકર હતા તેમજ ૧૦ વખત ધારાસભ્ય પદે ચૂંટાવાનો પણ રેકોર્ડ કર્યો છે. ગાંધીનગર ખાતેના ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં રાઠવા તેમના પુત્ર રાજુભાઇ રાઠવા અને સમર્થકો સાથે જોડાયા હતાં.
ભાજપમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટી સાથે આટલા વર્ષો સુધી કામ કર્યું તેમ છતા સમય બળવાન હોવાના કારણે મેં કૉંગ્રેસ પાર્ટી છોડી છે. ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જોવાનો આજે મને અવસર મળ્યો છે તે મારું સદ્ભાગ્ય છે. આવનારા દિવસોમાં વિકાસની હરણફાળ ભારતીય જનતા પાર્ટીની સરકાર વધુ તેજ ગતિથી કરવા જઇ રહી છે. મારે કોઇ સાથે અણબનાવ કે કોઇની સાથે વિરોધ નથી, પરંતુ તાજેતરમાં આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના અમલી કરી છે તેનાથી હું પ્રભાવિત થયો છું.
મારી નવી પેઢીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને જનતાની સેવા કરવાનું મન બનાવી લીધેલ હોવાથી હું મારા બંન્ને પુત્રો અને સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. મારી તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી મારે કોઇ પક્ષમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા નથી. રાઠવાને ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેન્ટર ખાતે રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન દિલીપભાઇ સંઘાણી, પ્રદેશ ભાજપાના મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, અને પ્રદિપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી આવકાર્યા હતાં.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -