ગુજરાતના ખેડૂતો અને ઓઈલ મિલ માલિકો માટે ચોંકાવનાર દાવાઓ એક અધ્યયન રીપોર્ટમાં કરવામાં આવ્યા છે. રીપોર્ટ મુજબ ક્લાઈમેટ ચેન્જની અસરને કારણે સદીના અંત સુધીમાં ગુજરાતના મુખ્ય ખરીફ પાક મગફળીના ઉત્પાદનમાં 32% સુધીનો ઘટાડો થઇ શકે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અનુક્રમે 0.11 અને 0.12 ડિગ્રી સેલ્સિયસના વાર્ષિક વધારાનાને આધારે આ અંદાજ લગાવવામાં આવ્યો છે. હાલ ગુજરાત દેશમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે.
રીપોર્ટમાં 2071 થી 2100 સુધીના સમયગાળામાં વાર્ષિક વરસાદમાં લગભગ 63% જેટલો વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાનની પરિસ્થિતિઓમાં ફેરફારની આ અસરથી પાકને બચાવવા વર્તમાનની તુલનામાં પૂરતી સિંચાઈ સાથે વહેલી વાવણી કરવા સૂચવવામાં આવ્યું છે.
સંશોધકોએ વર્ષ 2071-2100 સુધીનો ડેટા તૈયાર કરવા માટે રાજકોટ નજીકના સંશોધન સ્ટેશન તરઘડિયાનો 1961 થી 1990 સુધીનો ડેટા ઉપયોગમાં લીધો હતો.
ભારતના કુલ મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 40.5% છે. 2020-21માં ગુજરાતમાં 2.16 લાખ હેક્ટર જમીન પર મગફળીની વાવણી થઇ હતી જ્યારે 4.16 મિલિયન ટન ઉત્પાદન હતું.