અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ
આકાશ આંબવાનો અવસર: સાબરમતી નદીનો કિનારો પતંગથી છવાયો : ગુજરાતમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરીને આકાશને આંબવાના, નવી ઊંચાઇઓ સર કરવાના અવસરના દ્વાર ખોલ્યા હતા. ઉન્નતિ, પ્રગતિ અને ઉડાનનું પ્રતીક કાઇટ ફૅસ્ટિવલ ગુજરાતના તહેવારો ઇન્ટરનેશનલ એટ્રેક્શન બન્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩નો શુભારંભ થયો છે. આ પતંગોત્સવમાં કુલ ૬૮ દેશના ૧૨૫ જેટલા પતંગબાજો, ૧૪ રાજ્યના ૬૫ પતંગબાજો તેમ જ ગુજરાતના વિવિધ જિલ્લાના ૬૬૦થી વધુ પતંગબાજો સામેલ થયા છે. (જનક પટેલ )
——
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી (કાઇટ ફેસ્ટિવલ) પતંગ ઉત્સવની પરંપરા આજે વૈશ્ર્વિક ઓળખ બની છે. વડા પ્રધાનના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની પતંગ સતત બે દાયકાથી નવી ઊંચાઇઓ પાર કરી રહી છે એવું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત પતંગોત્સવમાં કુલ ૬૮ દેશોના ૧૨૫ જેટલા પતંગબાજો, ૧૪ રાજ્યોના ૬૫ પતંગબાજો તેમ જ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ૬૬૦થી વધુ પતંગબાજો સામેલ થયા છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણીમાંથી અન્ય રાજ્યો શીખ લઈ સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરે તે જરૂરી છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાંસ,રશિયા, જર્મની, ગ્રીસ, ઇઝરાઇલ, ઇજિપ્ત, કોલમ્બિયા, ડેન્માર્ક, ન્યૂઝિલેન્ડ, ઇન્ડોનેશિયા, ઈટલી, મેક્સિકો, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ, બહેરીન, ઈરાક, મલેશિયા, પોલેન્ડ, મોરેશિયસ, પોર્ટુગલ, સ્વિઝરલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ, જોર્ડન, ઝિમ્બાબ્વે, અલ્જિરિયા, બેલારુસ સહિત ૬૮ દેશો ઉપરાંત ભારતનાં ૧૪ રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સહભાગી બન્યા છે એવું તેમણે ઉમેર્યુ હતું.
તેમણે એવું પણ કહ્યું હતું કે, પતંગ મહોત્સવ આકાશને આંબવાનો, નવી ઊંચાઇઓ સર કરવાનો અવસર છે. પતંગ ઉન્નતિ, પ્રગતિ અને ઉડાનનું પ્રતિક છે અને કાઇટ ફેસ્ટિવલ જેવા ગુજરાતના તહેવારો ઇન્ટરનેશનલ એટ્રેક્શન બન્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ૨૦૨૩ ની વાત કરતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, આ વર્ષનો પતંગ મહોત્સવ આપણે જી-ટવેન્ટીની થીમ – ‘વસુધૈવ કુટુંમ્બકમ’ સાથે ઉજવી રહ્યાં છીએ. વડા પ્રધાનના નેતૃત્વમાં ભારત પ્રથમવાર જી-ર૦ દેશોની બેઠકોની યજમાની કરી રહ્યું છે. વડા પ્રધાનશ્રીએ ભારતની છબી વૈશ્ર્વિક મંચો ઉપર જે રીતે સુદ્રઢ – ઉજળી બનાવી છે તેને કારણે આવા વૈશ્ર્વિક મહાસંમેલનો ભારતમાં યોજાવા લાગ્યા છે. એટલું જ નહિ ગુજરાતને પણ જી-ટવેન્ટીની ૧પ જેટલી બેઠકોની યજમાની કરવાની તક મળી છે એ આપણા ગુજરાત માટે એક ગૌરવની વાત છે.