બાઈક સાથે ચેડાં કરવા છતાં પોલીસ આરોપી સુધી પહોંચી: પિસ્તોલની પણ શોધ શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈમાં જાણીતા ગુજરાતી બિલ્ડર સવજીભાઈ મંજેરી-પટેલની ગોળી મારી હત્યા કરવાના કેસમાં બિહારમાં પકડાયેલા શૂટરો સાથે પોલીસની ટીમ બુધવારે નવી મુંબઈ પહોંચશે. શૂટરોની પૂછપરછ બાદ આ કેસમાં ખૂટતી કેટલીક કડીઓ જોડવામાં પોલીસને મદદ મળશે. શૂટરોએ ગુનામાં વાપરેલી બાઈક સાથે ચેડાં કર્યાં છતાં પોલીસ આરોપી સુધી પહોંચી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. નવી મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે બિહાર પહોંચેલી નરુળ પોલીસની ટીમે કૌશલ યાદવ (૧૮), ગૌરવકુમાર યાદવ (૨૪) અને સોનુકુમાર યાદવ (૨૩)ને પકડી પાડ્યા હતા. ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેમને નવી મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. આરોપીઓને લઈને પોલીસની ટીમ બુધવારે સવારે નવી મુંબઈ પહોંચશે. આરોપીઓની પૂછપરછમાં વધુ વિગતો મળી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
નેરુળ પોલીસે જણાવ્યું હતું કે પચીસ વર્ષ અગાઉ કચ્છમાં થયેલી બચુભાઈ પટણીની હત્યાનું વેર વાળવા સવજીભાઈની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કેસમાં પટણી પરિવાર સાથે સંકળાયેલી બે વ્યક્તિ ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. ફરાર આરોપીએ જ શૂટરો માટે પિસ્તોલની વ્યવસ્થા કરી આપી હતી. સવજીભાઈ પર ગોળીબાર કરવા ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ હજુ આરોપીઓ પાસેથી મળી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન પોલીસ પગેરું ન શોધી શકે તે માટે શૂટરોએ હુમલા પહેલાં બાઈકના એન્જિન અને ચેસીસ નંબર છેકી નાખ્યા હતા. એ સિવાય તેની નંબર પ્લૅટ પર તોડી નાખી હતી. જોકે નંબર પ્લૅટ અડધી જ તૂટી હતી. પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં આરોપીની બાઈક ઝડપાઈ ગઈ હતી. ફૂટેજને આધારે પોલીસે બાઈકની શોધ હાથ ધરી હતી. ગોળીબારના ત્રણ કલાક બાદ જ પામ બીચ રોડ પરના સર્વિસ રોડ પરથી આ બાઈક પોલીસે તાબામાં લીધી હતી. ફૂટેજમાં નજરે પડતી બાઈક અને સર્વિસ રોડ પરથી મળી આવેલી બાઈક એક જ હોવાનું પોલીસે ઓળખી કાઢ્યું હતું.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એ બાઈકનો માલિક ગુજરાતમાં રહે છે. પોલીસે ઑરિજિનલ માલિકની પૂછપરછ કરતાં તેણે ઓએલએક્સ પર બાઈક વેચી હોવાનું જાણવા મળ્યું હતું. બાઈકના બીજા માલિકે પણ આવું જ કંઈ કહ્યું હતું. આખરે પોલીસ બાઈકના ત્રીજા માલિક આરોપી મેહેક નારિયા (૨૮) સુધી પહોંચી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સવજીભાઈ પર હુમલા વખતે આરોપી સોનુકુમાર બાઈક ચલાવી રહ્યો હતો, જ્યારે કૌશલે ગોળીબાર કર્યો હતો. અત્યારે ૧૨ માર્ચે જ કૌશલ ૧૮ વર્ષનો થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.