વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દુર થતા ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે. લોકો બપોરે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે. આગામી સપ્તાહે ઉત્તરના પવનો વાતા તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સેલ્સીયસ ઘટી શકે છે. ત્યારે ગુજરાતીઓને કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
આજે શનિવારે અમદાવાદ શહેરનું સરેરાશ ન્યુનતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ કચ્છના નલિયામાં શુક્રવારે વર્તમાન સિઝનનું સૌથી નીચું 4.9 ડીગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. નલિયામાં હાલ કોલ્ડવેવની સ્થિતિ છે. રાજસ્થાનના માઉન્ટઆબુમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ગુજરાતઓ મોટી સંખ્યામાં હિલસ્ટેશન પર ફરવા પહોંચી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે, તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
લોકો ઠંડીથી બચવા સ્વેટર અને તાપણાંનો સહારો લઇ રહ્યા છે. ગુજરાતમાં હાલ શરદી-ઉધરસ સહિતની બીમારીઓના કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. ઠંડી પડવાથી શિયાળુ પાકને ફાયદો થશે.