Homeદેશ વિદેશનર્મદા ડેમના વિરોધીઓને ગુજરાત સાંખી નહિ લે: મોદી

નર્મદા ડેમના વિરોધીઓને ગુજરાત સાંખી નહિ લે: મોદી

આશીર્વાદ અને ભક્તિ: ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં જેનો પ્રથમ ઉલ્લેખ કરવામાં આવે છે, એ સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરમાં શિવપૂજા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (તસવીર: પીટીઆઈ)
———-
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચૂંટણીસભાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત અને ગુજરાતીઓ નર્મદા ડેમના વિરોધીઓને ક્યારેય સાંખી નહિ લે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો વિરોધ કરનારા (મેધા પાટકર)ની સાથે ખભે ખભા મિલાવીને ચાલનારા (કૉંગ્રેસના) નેતાઓને ક્યારેય સત્તા પર આવવા નહિ દે.
મોદીએ સૌરાષ્ટ્રમાં ચાર સ્થળ પર ચૂંટણીસભાઓને સંબોધી હતી. મોદીએ બોટાદ ખાતે ગુજરાતની જનતાને ફરી ભાજપને વિજયી બનાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે આવનારી ચૂંટણી પાંચ વર્ષ માટે નથી, પરંતુ આવનારા ૨૫વર્ષનું ગુજરાત કેવું હશે તે નક્કી કરવા માટેની છે. બોટાદ ખાતે તેમણે જણાવ્યું હતું કે પાણી, વીજળી સહિતના તમામ વિકાસના મુદ્દે અમે સંકલ્પ સાથે કામ કરી રહ્યા છીએ અને આવનારા સો વર્ષ સુધી ગુજરાતે પાછું વળીને જોવું ન પડે તેવી મજબૂત વ્યવસ્થા કરવા માગીએ છીએ. આ માટે આગામી ૨૫ વર્ષ ખૂબ મહત્ત્વના છે. આથી આવનારી ચૂંટણી માત્ર પાંચ નહીં, પરંતુ પચીસ વષનું ગુજરાત કેવું હશે તે નક્કી કરવા માટેની છે. મોદીએ રવિવારે વેરાવળ, અમરેલી,ધોરાજી અને બોટાદ ખાતે ચૂંટણીસભાઓને સંબોધી હતી. ચૂંટણીસભા પહેલા તેમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે વેરાવળ ખાતે લોકોને દરેક બૂથ પર ભાજપને જીતાડવાની અપીલ કરી હતી. મોદીએ ધોરાજીની સભા સંબોધતા કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું નામ લીધા વિના ટીકા કરી હતી. મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા કરી રહેલા ગાંધી અને નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલા મેધા પાટકરનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે ત્યારે મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના એક નેતા એક મહિલા સાથે પદયાત્રા કરતા જોવા મળ્યા હતા, જેમણે ગુજરાતમાં નર્મદાનું પાણી આવતા રોક્યું હતું. નહેરુએ નર્મદા ડેમનો પાયો નાખ્યો હતો અને નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું એટલે કે આ પ્રોજેક્ટને લોકો સુધી પહોંચાડ્યો હતો. નર્મદા કેનાલને લીધે ખેડૂતો વેરાણ વિસ્તારમાં પણ ત્રણ પાક લણતા થઈ ગયા. ભાજપ પ્રયત્નો કરી રહ્યું છે કે આવનારી પેઢીએ પાણીની અછત સહન કરવી ન પડે, પરંતુ કૉંગ્રેસને ઠેર ઠેર પાણીની ડંકી (હેન્ડ પંપ) લગાડવામાં જ રસ છે, તેવી ટીકા મોદીએ કરી હતી.
ગીર-સોમનાથના વેરાવળમાં તેમણે લોકોને તમામ બૂથ પર ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. તેમણે લોકોને જણાવ્યું હતું કે આ વખતે હું ધ્યાન રાખી રહ્યો છું કે તમામ પોલિંગ બૂથ પર ભાજપનો વિજય થાય. તેમણે હળવા મૂડમાં કહ્યું હતું કે નરેન્દ્રના બધા રેકોર્ડ આ વખતે ભૂપેન્દ્ર (પટેલ) તોડે અને તેના માટે નરેન્દ્ર કામ કરે એવો મારો સંકલ્પ છે. ભૂતકાળમાં પાણી, દુષ્કાળ જેવી અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમતા ગુજરાતને તેમાંથી બહાર લાવી પ્રગતિના પંથે લઈ જવા માટે ભાજપ સરકારે અઢી દાયકા સુધી અથાગ પ્રયત્નો સાથે કામ કરી સમૃદ્ધ ગુજરાત બનાવ્યું છે. મોદીએ સભા સાંભળવા આવેલા તમામ આગેવાનો અને કાર્યકરોને પ્રચાર અર્થે તમામ લોકોના ઘરે જઈ મારા એટલે કે મોદીના પ્રણામ કહેવા અપીલ કરી હતી. આમ, મોદીએ કરેલા ૨૦ મિનિટના સંબોધનમાં તમામ વર્ગના લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી પોતાની લોકો સાથેની આત્મીયતા દર્શાવતું ભાષણ કર્યુ હતું.
બોટાદ ખાતે મોદીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ચાર સભાઓ દરમિયાન મને જનતાએ જણાવી દીધું છે કે વિપક્ષના ડબ્બા ડૂલ થઈ જશે અને ભાજપ જ જંગી બહુમતીથી જીતશે. ભાજપ અને ગુજરાતનો સંબંધ અતૂટ છે. તેમણે બોટાદ ખાતે જનસંઘ પહેલી નગરપાલિકાની ચૂંટણી જીત્યું હતું, તેમ પણ જણાવ્યું હતું. અગાઉ ગુજરાતમાં પરિવારવાદ અને તે બાદ જ્ઞાતિ-ધર્મ અને સરકારના કૌભાંડો ચૂંટણીનાં મુદ્દા બનતાં હતાં, પરંતુ ભાજપના આવ્યા બાદ વિકાસના મુદ્દે ચૂંટણી લડવાનું શરૂ થયું તેમ મોદીએ જણાવ્યું હતું. તેમણે બોટાદ સહિત ભાવનગર, ધંધુકા, વલ્લભીપુર વગેરે વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસનો ધમધમાટ રહેશે, તેમ જણાવ્યું હતું. બોટાદની નજીક વિમાન બનાવવાનો નવો પ્રકલ્પ આવી રહ્યો છે તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે જે રાજ્યમાં ક્યારેય સાઇકલ ન હતી બનતી તે રાજ્યમાં હવે વિમાન બનશે અને આ વિકાસ સાથે ગુજરાતના ભવિષ્યનું ભાવિ પણ ઉજળું થશે. તેમણે સરકાર દ્વારા આરોગ્ય સેવાઓમાં કરવામાં આવેલા વધારાનો ઉલ્લેખ પણ કર્યો હતો. મોદી બે દિવસથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ ફરી ૨૩ અને ૨૪મીએ ગુજરાત આવે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -