IPL 2023ની 62મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગુજરાતના અમદાવાદમાં ખાતે રમાશે અને હાર્દિક પંડ્યાની ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વની છે. આ મેચમાં જિત હાંસિલ કરીને ગુજરાતની ટીમ પ્લેઓફમાં પહોંચવાનો પ્રયાસ કરતી જોવા મળશે. ફાઇનલ 4માં એન્ટ્રી માટે હવે ગુજરાતને માત્ર એક જ જીતની જરૂર છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો એમના માટે આ મેચ માટે કોઈ ખાસ મહત્વની નથી.
IPL ટીમ ગુજરાત ટાઇટન્સનો ઇતિહાસ ખાસ કંઈ જૂનો નથી. ગયા વર્ષે ગુજરાતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રવેશ કર્યો હતો. IPL 2022માં ગુજરાતે પહેલા જ વર્ષે શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ વર્ષે પણ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતની ટીમે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી બાજુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આઇપીએલ મેચોના આંકડાઓ પર નજર કરીએ તો બંને ટીમ વચ્ચે ક્લોઝ ફાઇટ જોવા મળી છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ છે, જેમાં એક મેચ ગુજરાત અને એક મેચ સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના નામે કરી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સની નજર પ્લેઓફ પર જ ટકેલી રહેશે. હાર્દિક પંડ્યાની ટીમને ફાઇનલ 4માં પ્રવેશવા માટે માત્ર એક જ મેચ જીતવાની જરૂર છે. જો ગુજરાત ટાઇટન્સની ટીમ હૈદરાબાદ સામે જીતશે તો તે IPL 2023ના પ્લેઓફમાં પહોંચનારી તે પ્રથમ ટીમ બની જશે. ગુજરાતની ટીમ 12 મેચ રમી છે જેમાંથી 8માં જીત અને 4માં હાર તેની થઈ છે. 16 પોઈન્ટ સાથે ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
આઈપીએલ 2023ની સીઝનમાં હૈદરાબાદની ટીમે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ટીમ નવમા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવાની તેની આશા પર પાણી ફરી વળ્યુ છે. હૈદરાબાદને આ સિઝનમાં હજુ 3 મેચ રમવાની છે. જો આ ટીમ બાકીની ત્રણ મેચ જીતી જશે તો તે 14 પોઈન્ટ સાથે તેના અભિયાનનો અંત કરશે. જે તેના માટે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતું નથી. સનરાઇઝર્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાં 4માં જીત અને 7માં હાર થઈ છે. ટીમ 8 પોઈન્ટ સાથે નવમા સ્થાન પર છે.