ગુજરાતમાં સરકારી ભરતી માટેની પરીક્ષાઓના પેપર ફૂટવાનો સિલસિલો યથાવત છે. ગઈ કાલે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઇ જતા લાખો પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા હતા. જેને લઇ હવે પરીક્ષાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
વિધાર્થીઓમાં વ્યાપેલો રોષ ગમે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. અંદોલન થવાની બીકે સરકારે ગાંધીનગર ઉપવાસ છાવણી પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે.
વડગામથી કોંગ્રેસના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે માત્ર પેપર જ નહિ ગુજરાતના સામાન્ય ઘરમાંથી આવતા યુવક-યુવતીઓનાં નસીબ ફુટ્યા છે. ભાજપની ભરોસાની સરકારે 22મો પાડો જણ્યો છે. સરકાર શ્વેત પત્ર બહાર પાડે કે ભાજપના રાજમાં કેટલા પેપરલીક થયા છે. કેટલા ગુના દાખલ થયા, કેટલા આરોપીઓ પકડાયા, કેટલા કેસ ચાલ્યા, કેટલા કેસમાં ગુનેગારોને સજા થઇ. નાની માછલીઓને પકડી લેવાય છે, કમલમ અને ગાંધીનગર બેઠેલા એકેય સામે કાર્યવાહી થઇ નથી. કૌભાંડીઓને ખાતરી છે કે ગુજરાતમાં ભાજપના શાસનમાં તેમને કંઇ થવાનું નથી. હજુ સુધી રાજ્યના મુખ્યપ્રધાને મગનું નામ મરી નથી પાડ્યું.
સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં વિધાર્થીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ગ્રીષ્માં કેસમાં જે રીતે ફાંસી આપવામાં આવી એ જ રીતે આરોપીઓને ફાંસી આપવામાં આવે, અમારા 5 ધારાસભ્યોની આગેવાનીમાં જો સરકાર કામ કરશે તો પેપર નહિ ફૂટશે તેવો વિશ્વાસ છે. 5 રિટાયર્ડ જજ ની કમિટી બને તેવી માંગ છે.
કોગ્રેસની વિદ્યાર્થી પંખ NSUIના કાર્યકર્તાઓ રાજ્યના વિવિધ જિલ્લામાં સરકારનો વિરોધ કરી રહ્યાં છે. તેઓ 30 દિવસમાં ફરી પરીક્ષા લેવાની માંગ કરી રહ્યા છે. સાથે સ્તાહે પરીક્ષા લેવામાં નિષ્ફળ રહેલ સરકારના રાજીનામાંની પણ માંગ ઉઠી રહી છે. પરીક્ષાર્થીઓ ગાંધીનગર તરફ કૂચ કરી શકે છે.