* સ્વતંત્રતા પછીની આર્થિક યોજનાઓના મૂળમાં માસ્ટરમાઇન્ડ નહેરુ કે સુભાષ?
* દુલાભાઈ કાગે મહાસભાને ગાંધીજીની દીકરી કહેલું. હરિપુરા અધિવેશનમાં સહકારિતા વિભાગનો પાયો નખાયેલો
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
૨૩ જાન્યુઆરી ૨૦૨૩ ને તેમની જન્મ જયંતી નિમિત્તે છેલ્લા કેટલાક દાયકાઓમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ પર જાહેર ચર્ચા કે તેમના મૃત્યુના વિવાદમાં એટલી લપેટાઈ ગઈ છે કે આપણે તેમના જીવન અને યોગદાન પર પૂરતું ધ્યાન આપવાનું ભૂલી ગયા છીએ. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં નેતાજીનું યોગદાન કોઈથી ઓછું નથી, પરંતુ આપણા દેશમાં પ્રાથમિક થી ઉચ્ચ માધ્યમિક, સ્નાતક અને અનુસ્નાતક સ્તરે આધુનિક ભારતીય ઈતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં પણ તેમનું સ્થાન ઓછું આંકવામાં આવ્યું છે અથવા ઓછું રજૂ કરવામાં આવ્યું છે. તદુપરાંત ભવિષ્યના રાષ્ટ્ર નિર્માણને લગતા વિચારોમાં પણ તેમના યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. પ્રશ્ર્ન એ પણ છે વર્તમાન પેઢીના કેટલા વિદ્યાર્થીઓ જાણે છે કે, નેતાજી ભારતની સ્વતંત્રતા પછીની આર્થિક યોજનાઓના માસ્ટરમાઇન્ડ હતા? પરંતુ જીતનો શ્રેય જવાહરલાલ નહેરુને કેમ? સ્વતંત્રતા પછીના ભારતીય ઈતિહાસનાં પાઠ્યપુસ્તકો જે પંચવર્ષીય યોજનાઓનો વ્યાપકપણે ઉલ્લેખ કરે છે તે આ હકીકતની ક્યારેય ચર્ચા કરતા નથી. બિપીનચંદ્ર અને રામચંદ્ર ગુહા જેવા પ્રખ્યાત ઈતિહાસકારો પણ આર્થિક આયોજનના સંદર્ભમાં સુભાષચંદ્ર બોઝનું નામ લેતા નથી.
ડૉ. અર્પિતા મિત્રા પોતાના એક શોધમાં જણાવે છે રાજકારણ એટલી હદ્દે નીચે ગયું છે કે બીજી પંચવર્ષીય યોજનાના આર્કિટેક્ટ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસે તેમના પુસ્તક ‘ટોક ઓન પ્લાનિંગમાં’ જવાહરલાલ નહેરુને ભારતમાં આર્થિક આયોજનના પિતા તરીકે દર્શાવ્યા છે. મહાલનોબિસે લખ્યું “કૉંગ્રેસ પ્રમુખની પહેલ પર ઑક્ટોબર, ૧૯૩૮ દિલ્હીમાં ઉદ્યોગ પ્રધાનોની એક પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યાઓનું નિરાકરણ, રાષ્ટ્રની સુરક્ષા અને આર્થિક ઉત્થાન વગેરે ઔદ્યોગિકીકરણ વિના શકય નથી. અધિવેશનની ભલામણ પર કૉંગ્રેસ પ્રમુખે ઑક્ટોબર, ૧૯૩૮માં પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કરી જેણે ભારતમાં આર્થિક સમસ્યાઓ પર વિચારસરણીમાં એક નવો વળાંક આપ્યો. વિદ્વાન શંકરી પ્રસાદ બસુ જેમણે ધ્યાન દોર્યું કે, હકીકત છુપાવવા કરતાં વધુ કપટી કશું હોઈ શકે નહીં કારણ કે મહાલનોબિસે ૧૯૩૮ના કૉંગ્રેસ પ્રમુખનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેમનું નામ લીધું ન હતું. નામ લેવું એ નિંદા બરાબર સમજવું કે શું? મહાલનોબિસે જે કૉંગ્રેસ પ્રમુખનો ઉલ્લેખ કર્યો તે સુભાષ ચંદ્ર બોઝ. (શંકરી પ્રસાદ બસુ, સુભાષચંદ્ર, નેશનલ પ્લાનિંગની પ્રસ્તાવનામાંથી)
સુભાષચંદ્ર બોઝ અને હરિપુરા અધિવેશન (સુરત, ગુજરાત)
૧૮ જાન્યુઆરી, ૧૯૩૮માં કૉંગ્રેસના મહામંત્રી આચાર્ય જે.બી. કૃપલાનીએ ઘોષણા કરી કે સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસના ૫૧મા અધિવેશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. આ અધિવેશન ગુજરાતમાં હરીપુરામાં યોજાશે. આ સમયે સુભાષ ઇંગ્લેન્ડમાં હતા. આચાર્યએ પત્ર દ્વારા સુભાષને આ સમાચાર મોકલ્યા. આ સૂચના મળતા બોઝ ૨૪ જાન્યુઆરી, ૧૯૩૮ કલકત્તામાં આવી પહોંચ્યા.
હરીપુરા એ સુરતના કડોદ શહેર પાસે આવેલું ગામ છે. જે બારડોલીથી ઉત્તર પૂર્વમાં લગભગ ૧૨ કિમી દૂર છે.
સુભાષચંદ્ર ૧૧ ફેબ્રુઆરી, ૧૯૩૮ના રોજ પરિવાર સાથે હરીપુરા જવા નીકળ્યા. સરદાર પટેલની દેખરેખ નીચે આ અધિવેશન માટે અસ્થાયી એક નગરનું નિર્માણ કરવામાં આવ્યું જેનું નામ ‘વિઠ્ઠલ નગર’ રાખવામાં આવ્યું. વિઠ્ઠલભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ હતા. આ વિઠ્ઠલનગરના એક દરવાજા સાથે સુરતના વિખ્યાત સમાજ સુધારક અને સાહિત્યકાર નર્મદનું નામ જોડવામાં આવ્યું હતું. સુભાષ બારડોલી સુધી એક વિશેષ ટ્રેનમાં આવ્યા ત્યાં સરદાર પટેલે તેમનું સ્વાગત કર્યું. ત્યાંથી કાર દ્વારા હરીપુરા ગયા. સ્થળે સ્થળે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમના રથને ૫૧ બળદ ખેંચી રહ્યા હતા. (ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, વોલ -૨)
આ સંમેલન માટે વાંસદા રાજ્યના તત્કાલીન મહારાજા પ્રતાપસિંહ સોલંકીએ રથને ૫૧ બળદ શણગાર્યા હતા. પ્રખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝે પણ હરિપુરા સત્ર માટે સાત પોસ્ટર તૈયાર કર્યાં હતાં. આ માટે ખુદ મહાત્મા ગાંધીએ તેમને વિનંતી કરી હતી.
સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિથી હરિપુરા કૉંગ્રેસ માટે મહિનાઓથી આયોજન થયું હતું. સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે દરબાર ગોપાળદાસ દેસાઇ નામના જમીનદાર પસંદ થયા હતા અને ઉપપ્રમુખો તરીકે તેમના પત્ની ભક્તિબા ઉપરાંત મીઠુબહેન પીટીટ, વિજયાગૌરી કાનૂગા તથા મણિલાલ ચતુરભાઇ શાહની પસંદગી થઇ હતી. સ્વાગત મંત્રી તરીકે કનૈયાલાલ નાનાભાઇ દેસાઇ (હિતેન્દ્ર દેસાઇના પિતા) અને સંયુકત મંત્રીઓ તરીકે ભોગીલાલ લાલા, જીવણલાલ દીવાન, નરહરી પરીખ, કલ્યાણજી મહેતા, જયોત્સનાબહેન શુકલ અને સન્મુખલાલ શાહ પસંદ થયા હતા. ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઇના પુત્રી મૃદુલા સારાભાઇ સ્વયંસેવિકાઓનાં વડા તરીકે ચૂંટાયાં હતાં સ્ટેજ પર બેજ ચકાસવા માટે પૂર્ણિમાબહેન પકવાસા અને તેમની સાથે સૌરાષ્ટ્રમાંથી ૫૦ જેટલી મહિલા વોલેન્ટિયર તરીકે સેવા આપેલ.
વાંસદાના દિગ્વિરેન્દ્રસિંહે રથ સાચવી રાખ્યો છે. રથ જોકે હરિપુરા નહીં પણ વાંસદાના રાજમહેલમાં સચવાયેલો છે.
અનંતરાય પટ્ટણી, દુલાભાઈ કાગ
અને હરીપુરા અધિવેશન
દુલાભાઈ કાગે કહ્યું મહાસભામાં જવાનું મારે માટે પણ પેાતાની સાથે નક્કી કર્યું હતું. પણ એમની તબિયત ઘણી જ નરમ થયેલી જોઈને મેં કર્યુ કે હું હરિપુરા જવાનું બંધ રાખું. આપની તબિયત ખરાબ થઈ ગઈ છે. એટલે હુ આપની પાસે રહું. વાતો કરીશ જેથી આપને આનંદ મળશે. અનંતરાય પટ્ટણીએ કહ્યું “ના તમને આમત્રણ છે તમારાં ગીત ગાવાના કાર્યક્રમની તારીખો નક્કી થઈ ગયેલ છે. માટે તમારે જરૂર જવું જ જોઈએ. મારે નવાણું ટકા નહિ અવાય! આવુ કહી પટ્ટણીજીએ મને મહાસભામાં મોકલ્યો. પૂજ્ય ગાંધીજીના તેઓ ભક્ત હતા. પણ એટલા અશક્ત હતા કે આવવા હિંમત ચાલી નહિ. બીજી તરફ ગઢડા મુકામે એમણે કહેલું કે ‘આપણે તો ભાઈ ! કોઈના ખોરડાં અપવિત્ર નહિ કરીએ. ને મારા સમાચાર તો તમે એવા સાંભળો કે રસ્તામાં જ મરી ગયો છું’ !! (કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ, મેં ૧૯૭૯ પૃ ૩૮)
દુલાભાઈ કાગ અને હરીપુરા અધિવેશન : કાગવાણી ભાગ-૦૨ની દુલાભાઈ કાવ્ય ભોમની પ્રસ્તાવનામાં ઝવેરચંદ મેઘાણી લખે છે કે, હરીપુરા અધિવેશનમાં પાછી વળેલી મારી નાની પુત્રીએ મંદ મંદ હસતા કહ્યું કે, ત્યાં તો દુલા ભગત આવ્યાને એણે મહાસભા ગાંધીજીની દીકરી એવું કંઈક બહુ સરસ ગીત ગાયેલું.
સુભાષબોઝ ખૂબ લોકપ્રિય હતા. તેઓ ઝડપી આગેકદમમાં માનતા હતા. એમણે ગાંધીજીની ખાદી અને ચરખા નીતિને અપૂર્ણ ગણીને હરિપુરા કૉંગ્રેસ વખતે નેશનલ પ્લાનિંગ કમિટી સ્થાપી હતી. તેઓ મોડર્ન ટેકનોલોજીનાં હિમાયતી હતા. આઝાદી બાદ સ્થપાયેલ પ્લાનિંગ કમિશનના તે જનક હતા. આમ હરિપુરા કૉંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષીય વક્તવ્ય ઘણી બાબતોમાં વિચારસરણીની દૃષ્ટિએ સ્ફોટક સાબિત થયું હતું. અત્રે કેટલાક અગત્યના મુદ્દાઓનું વર્ણન અને વિશ્ર્લેષણ કરીશું.
આર્થિક સુધારા : દેશમાં ગરીબી દૂર કરવા માટે તેમનું સૂચન હતું કે જમીનદારી પ્રથા દૂર કરવી જોઈએ. ખેડૂતોના દેવા સમાપ્ત કરવામાં આવે અને ગામડામાં સસ્તા દરે ઋણ મળે તે માટે લોનની વ્યવસ્થા કરવી જોઈએ. એ માટે દેશમાં સહકારિતા વિકાસ અને કૃષિને વૈજ્ઞાનિક આધાર દેવા માગતા હતા. હાલમાં ગુજરાતમાંથી કેન્દ્રમાં બનેલ ગૃહમંત્રી અમિત શાહે અલગ સહકારિતા વિભાગ બનાવી સુભાષબાબુના વિચારને આગળ વધારી રહ્યા છે. તેમણે ઔદ્યોગિક અને આર્થિક જીવનમાં રાજ્યના હસ્તક્ષેપની અનિવાર્યતા હોવાની ઈચ્છા પ્રગટ કરેલી. આનો અર્થ એ નથી કે કુટીર ઉદ્યોગની ઉપેક્ષા કરવાની. ભારત માટે તો હાથ વણાટ અને કાંતવા માટે વિશેષ ક્ષેત્ર છે. (વિરેન્દ્ર ગ્રોવર, સુભાષચંદ્ર બોઝ,૧૯૯૧- દિલ્હી)
યુવાન સુભાષ ચંદ્ર બોઝને ૧૯૨૧ની શરૂઆતમાં (અથવા કદાચ અગાઉ) ‘આયોજન’નું મહત્ત્વ
સમજાયું હતું, જેમ કે ૧૯૨૧માં ચિત્તરંજન દાસને તેમના પત્રો દ્વારા પુરાવા મળે છે. કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી જ બોઝ રાષ્ટ્રીય યોજનાને નક્કર આકાર આપવા સક્રિય બન્યા હતા. મે ૧૯૩૮ માં, તેમણે બોમ્બેમાં કૉંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવી, ત્યારબાદ તે જ વર્ષના જુલાઈ મહિનામાં તે જ કાર્યકારી સમિતિની બીજી બેઠક. તેમનું આગામી સાહસ ઑક્ટોબરમાં ઉદ્યોગ મંત્રીઓની એક પરિષદ બોલાવવાનું હતું અને છેલ્લે ડિસેમ્બર ૧૯૩૮માં અખિલ ભારતીય રાષ્ટ્રીય આયોજન સમિતિની પ્રથમ બેઠક બોલાવવાનું હતું. ૧૯ ઑક્ટોબર ૧૯૩૮ના રોજ સુભાષ ચંદ્ર બોઝે નહેરુને લખેલા પત્રમાં લખ્યું હતું: “હું આશા રાખું છું કે તમે આયોજન સમિતિના અધ્યક્ષપદનો સ્વીકાર કરશો. જો તે સફળ થવું હોય તો તમારે આમ કરવું જ પડશે. આમ એક વર્ષથી ઓછા સમયમાં બોઝે યોજનાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી હતી તેની સાથે તેની સિસ્ટમ પણ અસ્તિત્વમાં આવી.
બોઝના હરિપુરાના ભાષણમાં સ્વતંત્ર ભારતની ભાવિ સરકારના લોકશાહી સ્વરૂપ, રજવાડાઓનું એકીકરણ, લઘુમતીઓનું રક્ષણ અને મૂળભૂત અધિકારો જેવા મુદ્દાઓ પર કૉંગ્રેસની અંદર સર્વસંમતિ પ્રતિબિંબિત થાય છે, જે તે સંખ્યાબંધ ઐતિહાસિક પરિણામોના પરિણામે આવી હતી. ગરીબી નાબૂદી, જમીનદારી નાબૂદી, જમીન સુધારણા, ગ્રામીણ સહકારી અને અન્ય સમાજવાદી વિચારસરણીના મુદ્દાઓ અને ભાષા પ્રશ્ર્ન વગેરે જેવા અન્ય મુદ્દાઓ પર નહેરુના સ્વીકૃત સમાજવાદ અને સુભાષ ચંદ્ર બોઝ સાથે શેર કરેલા વિચારોને નકારવાનો કોઈ પ્રશ્ર્ન નથી. બોઝે ચોક્કસપણે યોજના અંગેના નક્કર વિચારોની અભિવ્યક્તિ કરી હતી અને તેમના તાત્કાલિક અમલીકરણ માટે – અમુક ક્વાર્ટરના વિરોધ હોવા છતાં – કૉંગ્રેસના પ્રમુખપદ દરમિયાન તેઓ જે કંઈ કરી શકતા હતા તે કર્યું. તેમણે તે બધું કર્યું જે જરૂરી હતું, પરંતુ આ તથ્યોને આધુનિક ભારતના ઇતિહાસ લેખનમાં પૂરતા પ્રમાણમાં રજૂ કરવામાં આવ્યા નથી.
વધતી વસ્તી : સુભાષચંદ્ર બોઝે ભારતની વધતી વસ્તી જોતા એ સમયે જનસંખ્યા પર નિયંત્રણ પર ભાર આપ્યો હતો.
વિશ્ર્વ સાથેનો સંપર્ક : વિદેશોમાં ભારતની ઓળખ અસભ્ય રાષ્ટ્રની જેને બ્રિટન સભ્ય રાષ્ટ્ર બનાવી રહ્યું છે. આપણે વિશ્ર્વને બતાવી દેવાનું છે કે આપણે શું છીએ અને આપણી સંસ્કૃતિ શું છે? જો આપણે આ કરી શકીશું તો સમગ્ર વિશ્ર્વની સહાનુભૂતિ આપણને પ્રાપ્ત થશે અને આપણે સ્વતંત્રતાના પક્ષમાં સમર્થન કરશે. (લિઓનાર્ડ ગોર્ડન, બ્રધર અગેન ધ રાજ, અ બાયોગ્રાફી ઓફ સરત અને સુભાષચંદ્ર બોઝ)
આ સિવાય અનેક વિષયો પર પોતાનું અધ્યક્ષીય પ્રવચન કર્યું હતું (વધુ જાણકારી માટે વાંચો વિરેન્દ્ર ગ્રોવરનું સુભાષચંદ્ર બોઝ પરનું પુસ્તક.) અંતે પોતાના વક્તવ્યમાં સુભાષબાબુ ગામવાસીઓની આ લાગણીથી તરબતર થયા હતા. તેમણે ગામલોકોનો આભાર માનતા વક્તવ્યમાં લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે મુજે આપ કા ઈસ અહોભાવ ઓર વ્યવસ્થા બહોત અચ્છે લગે. મુજે ઈસકી પ્રશંસા કે લિયે શબ્દ નહીં મિલ પા રહે હૈ, મેં આપકી ઈસ ભાવના કી કદર કરતા હું. મેરે લિયે યે યાદગાર પલ હૈ. ગુજરાત કે હરિપુરા મે મુજે મિલા હુઆ યે સન્માન મેં કભી નહીં ભૂલ પાઉંગા!