Homeઈન્ટરવલગાંધીજીથી પ્રભાવિત થઈને મોતીલાલે અપનાવી અહિંસા

ગાંધીજીથી પ્રભાવિત થઈને મોતીલાલે અપનાવી અહિંસા

ગુજરાતનો જલિયાંવાલા કાંડ-પ્રફુલ શાહ

(૩૪)
દૃઢવાવ હત્યાકાંડ વિશેના સંશોધનમાં ભીલોના મસિહા મોતીલાલ તેજાવતનો એક ઈન્ટરવ્યુ દેખાય છે. જાણીતા લેખક અને અનુવાદક રમણલાલ સોની સાથે મોતીલાલજીએ ૧૯૬૦માં વાતચીત કરી હતી. કલ્પેશ પટેલના પુસ્તક ‘જનક્રાંતિના મશાલચી મોતીલાલ તેજાવત’માં આ મુલાકાતના અંશ છે તે જોઈએ.
‘સંવત ૧૯૫૮ (ઈ.સ. ૧૯૨૨)માં પોષ માસથી હું મોટી ફોજ લઈને ફરતો. દિવસે ઊંઘતો ને રાતે ફરતો. બંદૂક, તલવાર, તીરકામઠાં બધું અમારી પાસે હતું. અમારો લોકો મને મેવાડનો ગાંધી કહેતા. પણ ગાંધીજીએ કહ્યું કે મોતીલાલ મારો આદમી નથી. તેમણે (ગાંધીજીએ) મણિલાલ કોઠારીને મોકલ્યા. કુંવરસી ભદરમાલા (દાંતાપટ્ટા) પાસે અમે મળ્યા. પણ દિવસે તેઓ અમારી સાથે રહ્યાં. (પછી) મેં હથિયાર છોડ્યાં. હવે વગર હથિયારે હું કમિટી ભરવા લાગ્યો, ને ગામેગામ ફરવા લાગ્યો. ફરતો ફરતો પંદર દિવસે હું પાલધરા પહોંચ્યો. દૃઢવાડા (દૃઢવાવ) ગામે (સંવત) ૧૯૭૮ના ફાગણ સુદ નોમને સવારે ૯ વાગ્યે કમિટી બેઠી હતી. ત્યાં સિપાઈઓ રાતોરાત ગોઠવી દેવાયા હતા. એ સિપાઈઓઓ બંદૂક ચલાવી. ધાણી ફૂટે એમ કતલ થઈ. રાજ્યે તો કહ્યું કે માત્ર ત્રેવીસ માણસો માર્યા ગયા, પણ બારસો માણસો મરાયા. બધા નિર્વસ્ત્ર. મને ઉપાડીને કેટલાક જણ ડુંગરા ચડી ગયા. નાણા ગામના ગ્યાનજીનું માથું કાપીને બધે ફેરવ્યું ને કહ્યું દેખો મોતીલાલની દશા.’
આ મુલાકાતમાં તેજાવતે ગાંધીજી વતી મળવા આવેલા મણિલાલ કોઠારીનો ઉલ્લેખ કર્યો છે. તેમની સાથે મોતીલાલજીએ મોકલાવેલા પત્રમાં આ મુજબની લાગણી વ્યક્ત કરી હતી.
‘મેં જિસ તરહ સે કામ કર રહા હું, સત્યાગ્રહ કા કામ કરતા હું. મેં બીજા કોઈ કામ નહીં કરતા હું. અસલ બાત યહ હૈ કિ જીસ તરહ સે આપ કે સત્યાગ્રહ કે પીછે સારા હિન્દુસ્તાન ચલતા હૈ ઉસી તરહ સે મેરે પીછે ભીલ, ગરાસિયા લોગ ચલતે હૈ. ઈન કે પાસ તીર-કામઠા ઔર તલવાર હૈ, જો ઉન કે પુશત દર પુશત સે ચલે આતે હૈ. યે પહાડી જમીન કો જોતતે હૈ. શાંતિપ્રિય હૈ. સત્યવાદી ઔર આચારવાન હૈ. બિલકુલ ભોલે ઔર ધર્મ કે પ્રેમી હૈ. જબ મૈંને ઈન મેં સત્યાગ્રહ શરૂ કિયા તો ઈન લોગોને બડી શ્રદ્ધા સે મેરા સાથ દિયા. ઈસ બાત સે રાજકારભારી લોગ નારાજ હુએ. ભીલોકો ડરાકર, મારપીટકર ઓર લાલચ દેકર દબાના ચાહતે હૈ. પર વે બડે અટલ હૈ. અપની ભલાઈ કો સમજતે હૈ. અબ મેરી અર્જ ન તો રાજ સુનતા હૈ ઔર ન અંગ્રેજ. આપ હી મેરે સહાયક હૈ, સહાય કીજિયે. મેં ઈન ગરીબ લોકો કે લિયે મરને કો તૈયાર હું. કોઈ પ્રચારક આપ જરૂર ભેજે. યહાં કે લોગ અન્જાન હૈ, સીધેસાદે હૈ શ્રી મણિલાલ કોઠારી ઈસ બાત કો અચ્છી તરહ સે જાનતે હૈં મેરી અર્જ પર જરૂર ધ્યાન દિજિયે’.
ઉપર આપેલા ઈન્ટરવ્યુ અને પત્રના અંશ પરથી સ્પષ્ટ થાય છે કે મોતીલાલનું ધ્યેય ઉમદા હતું જ. આંદોલનના આરંભમાં તેઓ ભીલો, ગરાસિયા સાથે ફરતા હશે ત્યારે શસ્ત્રો સાથે રાખતા જ હશે. પહાડી અને વન વિસ્તાર એટલે જંગલી પ્રાણીઓના હુમલાનો ભય પણ રહે. આરંભે કદાચ અહિંસાના આગ્રહી નહીં હોય, પરંતુ મણીલાલ કોઠારીની મુલાકાત બાદ શસ્ત્રો છોડીને અહિંસાને અપનાવી લીધાની વાત તેમણે કરી છે. એટલે દૃઢવાવ હત્યાકાંડ સમયે મોતીલાલ અને અનુયાયીઓ પાસે કોઈ શસ્ત્રો ન હોય એમ માની શકાય અને કદાચ શસ્ત્રો હોય તો પણ અંગ્રેજોએ આચરેલો હત્યાકાંડ ન્યાયી તો ન બની જાય ને?
જોરદાર તેટલા પ્રયાસો કરીને અંગ્રેજોએ ભલે દૃઢવાવ હત્યાકાંડની વિગતો તાત્કાલિક બહાર આવવા ન દીધી, પરંતુ તેમને મોતીલાલની પ્રચંડ તાકાતનો જોરદાર પરચો મળી ગયો. હવે તેમના માટે તેજાવત વધુ મોટું શિરદર્દ બની ગયા. તેમની ધરપકડ કરવા માટે શક્ય એ બધું કરી છૂટ્યા. ભીલોને લાલચ આપી. તેજાવતની માહિતી આપનારને ઈનામની ઘોષણા કરી, આદિવાસીઓને દબડાવ્યા – ધમકાવ્યા, પરંતુ તેજાવત હાથ ન આવ્યા તે જ આવ્યા.
તેજાવતના અદ્ભુત વ્યક્તિત્વનો એક દાખલો જોઈએ. લાખો આદિવાસીઓના આત્મીયજન બની ગયેલા મોતીલાલજીની હિલચાલ પર નજર રાખવા માટે અંગ્રેજો પ્રયાસ કરે જ. નજરકેદના સમયે એમની હિલચાલ, વર્તણૂક અને મળવા આવનારા પર સતત નજર રાખવા માટે એક પોલીસ સિપાહી રખાયો હતો. મોતીલાલ એને નફરત કરવાને બદલે ભાઈ માનતા હતા. ખરેખર, સ્વતંત્રતા બાદ સગાભાઈ વિખૂટા પડતા હોય એવી લાગણીસભર અલવિદા બંનેએ એકમેકને કરી હતી.
આ મૂઠીઊંચેરા માનવી અપરિગ્રહનું જીવંત ઉદાહરણ હતા. તેઓ ગમે તેટલું ઉસેડી શક્યા હોત પણ ક્યારેય એ દિશામાં ન વિચાર્યું. આજીવન બે-ચાર વસ્ત્રોથી વધુ સંગ્રહ ન કર્યો. જીવનાવશ્યકતા જ એકદમ નહીંવત જ્યાં જાય, રહે ત્યાં પાણીની જેમ એકરૂપ થઈ જાય. ન કોઈ વ્યસન, કોઈ ખાનપાનના શોખ. જે મળે, જેટલું મળે એ આનંદથી આરોગી લે. ૧૯૩૬માં તેમને નજરકેદમાં રખાયા, ત્યારે સરકાર તરફથી રૂા. સાંઠનું ભથ્થું મંજૂર થયું પણ આ માણસે તો ફક્ત ત્રીસ જ રૂપરડી સ્વીકારવાની જીદ પકડી અને ધરાર એમ જ કરીને રહ્યા. ૧૯૪૦માં આ ભથ્થું રૂા. ૪૦ થયું (૧૯૪૨ના ભારત છોડો) આંદોલનમાં જોડાયા બાદ એ ભથ્થું ય બંધ થઈ ગયું. (ક્રમશ:)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -