મોહમ્મદ શમીએ રવિ શાસ્ત્રીને આપ્યો જવાબ
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી બિરયાનીનો શોખીન છે, પરંતુ ભારતીય ફાસ્ટ બોલર અમદાવાદમાં તેના મનપસંદ ખોરાકને મિસ કરી રહ્યો છે કારણ કે તે IPL 2023માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યો છે.
નોંધનીય છે કે સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલી ગુજરાત ટાઇટન્સની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં શમીએ ચાર ઓવરમાં 21 રન આપી 4 વિકેટ ઝડપી હતી અને ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું હતું અને IPL- 2023 પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું હતું. જીટીએ સતત બીજી વખત પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે અને IPL- 2023 પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઇ છે.
ગુજરાતની જીત બાદ ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચમાંથી કોમેન્ટેટર બનેલા રવિ શાસ્ત્રીએ જ્યારે શમીનો ટૂંકો ઇન્ટરવ્યુ લેતા પૂછ્યું કે તે શું ખાય છે, ત્યારે ફાસ્ટ બોલરે કહ્યું હતું કે, “ગુજરાત મેં હૂં, મેરા ખાના તો નહીં મિલેગા ના (હું ગુજરાતમાં છું, તેથી મને જે જોઈએ છે તે નહીં જ મળે ને). તેના જવાબ પછી શમી અને શાસ્ત્રી બંને ખડખડાટ હસી પડ્યા હતા.
શમીએ તેના બોલિંગ પ્રયત્નો વિશે પણ શાસ્ત્રી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તે માત્ર સારી લાઇન અને લેંથ જાળવીને બોલિંગ કરે છે.
“હું બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું, મારી લેંથ અને સારી લાઇન જાળવીને બોલિંગ કરું છું. હું સમાન લાઇન અને લેન્થ જાળવવા અને નવા બોલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેનાથી મને હંમેશા સફળતા મળી છે અને વિકેટ પણ મળી છે.