દેશ માટે રોલ મોડેલ ગુજરાત ઘણા માપદંડોમાં ખરું ઉતરતું નથી. મેન્યુઅલ સ્કેવેજિંગ મેલુ ઉપાડવાનું કામ કાયદાની રીતે તો પ્રતિબંધિત છે જ, પરંતુ માનવીય દૃષ્ટિએ જોતા પણ સ્વીકાર્ય નથી. જ્યારે એક તો ગેરકાયદે કામ કરવું અને તે પણ જરૂરી સાધનસામગ્રી વિના કે સાવધાની વિના કરવું કેટલી હદે ગંભીર ગુનો કહી શકાય તે નક્કી કરવું મુશ્કેલ છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોતે આ મુદ્દાને ફરી ચર્ચાનો વિષય બનાવી દીધો છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે આ મામલે સરકાર પર પ્રહારો કર્યા છે અને માહિતી આપતા જણાવ્યું છે કે સફાઈ કામદારોના મોત થયાની ઘટનામાં ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે છે. તમિળનાડુ પહેલા ક્રમે છે જ્યાં ત્રણ દાયકામાં 218 જણે જીવ ગુમાવ્યા છે જ્યારે ગુજરાતમાં 136 જણે જીવ ગુમાવ્યા છે. ઉત્તર પ્રદેશમાં 105 અને દિલ્હીમાં 99 જણે જીવ ગુમાવ્યા છે, તો મહારાષ્ટ્રમાં 45 જણે જીવ ગુમાવ્યા છે.
રાજ્યમાં 15 દિવસમાં ભૂગર્ભ ગટર સાફ કરતા ઉતરેલા સફાઈ કર્મચારીના મોતનો ત્રીજી ઘટના બની હતી. ભરૂચમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના મોત, વલસાડના ઉમરગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિના મોત થયા હતા જ્યારે રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કામ કરતા ગેસ ગળતરથી શ્રમિક અને કોન્ટ્રાક્ટરનું મોત નીપજ્યું હતું. આધુનિકતાની વાહવાહી કરતી ભાજપ સરકાર આટ-આટલા મોત થયા છતાં કેમ સફાઈ માટે સુરક્ષાના પૂરતા સાધનની વ્યવસ્થા કરતી નથી તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી સતત થઇ રહેલા શ્રમિકોના મૃત્યુ બાદ પણ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ કેમ કોઈ પગલા ભરતું નથી. ભાજપ સરકાર મેન્યુઅલ સ્કેવેન્જિંગના મુદ્દે વૈકલ્પિક રોજગારની તકો પૂરી પાડવી, નાણાકીય સહાય પૂરી પાડવી અને જનજાગૃતિ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ગુજરાતમાં ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ કરવાની પ્રથાનો અંત થયો નથી.
સમગ્ર દેશમાં વર્ષ ૨૦૧૮માં ૧૩,૪૬૦ શ્રમિક જે ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ કરવાનું કામ કરે છે તેવા શ્રમિકોની સંખ્યા વર્ષ ૨૦૧૯માં ૫૮,૦૯૮ શ્રમિકો સાથે બમણી થઈ હતું જેમાં ગુજરાતમાં ૧૦૫ શ્રમિક પરિવારો કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કામ સાથે સંકળાયેલા છે.
મેન્યુઅલ સ્કેવેન્જિંગ એ સૌથી અમાનવીય અને અપમાનજનક પ્રથા છે જે હજુ પણ મહાત્મા ગાંધીના ગુજરાતના વિવિધ ભાગોમાં એક યા બીજી રીતે ચાલુ છે.
ગરીબી અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવને કારણે ગુજરાત રાજ્યમાં પાછલા ત્રણ દાયકામાં ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ એટલે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે શ્રમિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ભાજપ સરકાર સ્થાનિક કોર્પોરેશન-નગરપાલિકામાં મેન્યુઅલ સ્કેવેન્જિંગની અમાનવીય અને અપમાનજનક પ્રથાને સદંતર બંધ કરે અને જે ઓળખ થયા છે તેવા પરિવારોને વૈકલ્પિક રોજગાર અને આર્થિક સહાય માટે યોગ્ય પગલા ભરે, જે આ ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ સાથે જોડાયેલ શ્રમિકો – કામદારોને પર્યાપ્ત સુરક્ષા ગિયર અને સાધનો પૂરા પાડવામાં આવે છે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.