મોરબીમાં 135 લોકોના જીવ લેનાર ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટના અંગે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે આજે નગરપાલિકા અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. બ્રિજના રીનોવેશન માટે જે રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ અંગે કોર્ટે આંકરા સવાલ ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે સરકાર વતી હાજર થયેલા વકીલને કહ્યું કે,‘ચતુરાઈ ના વાપરો, પ્રશ્નોના જવાબ આપો.’
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે સવારે શરૂ થયેલી સુનાવણી દરમિયાન રાજ્યનામુખ્ય સચિવને પૂછ્યું કે “સાર્વજનિક પુલના સમારકામ માટેનું ટેન્ડર શા માટે બહાર પાડવામાં આવ્યું ન હતું? શા માટે બિડ મંગાવવામાં આવી ન હતી? મ્યુનિસિપાલિટી જે એક સરકારી સંસ્થા છે, તેણે બેદરકારી દાખવી છે, જેના કારણે 135 લોકો માર્યા ગયા,” કોર્ટે પૂછ્યું કે શું ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, 1963 નું પાલન કરવામાં આવ્યું હતું?
કોર્ટે પ્રથમ દિવસથી કરારની ફાઈલો સીલબંધ કવરમાં જમા કરાવવા માટે કહ્યું હતું. સરકારે રજૂઆત કરી કે તેણે ઝડપથી કામ કર્યું અને ઘણા લોકોના જીવ બચાવ્યા. નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને જો અન્ય કોઈ દોષિત સાબિત થશે, તો અમે ચોક્કસપણે તેમની સામે કેસ કરીશું. હાઈકોર્ટે કહ્યું કે, ‘ચતુરાઈ ના વાપરો, પ્રશ્નોના જવાબ આપો.’
કોર્ટે વધુમાં કહ્યું કે, “આટલા મહત્વપૂર્ણ કામ માટેનો કરાર માત્ર દોઢ પાનામાં કેવી રીતે આવરી લેવાયો? શું કોઈપણ ટેન્ડર બહાર પાડ્યા વિના રાજ્યની મોટી રકમ અજંતા કંપનીને આપવામાં આવી હતી? 2008માં હસ્તાક્ષર કરાયેલ કરારને રિન્યૂ કરવામાં આવ્યો ન હતો ત્યારે જૂન 2017 પછી કંપની દ્વારા બ્રિજનું સંચાલન કયા આધારે કરવામાં આવી રહ્યું હતું?”
હાઈકોર્ટે છ વિભાગો પાસેથી જવાબ માંગ્યો હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રી આ મામલાની સુનાવણી કરી રહ્યા છે.
મોરબી નગરપાલિકાએ ઓરેવા ગ્રૂપને 15 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે દિવાલ ઘડિયાળો બનવાતી અજંતા બ્રાન્ડ માટે જાણીતું છે.
અત્યાર સુધી ઓરેવા કંપનીના કેટલાક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ટોચના મેનેજમેન્ટ જેમણે કરાર કર્યા હતા તેમના પર કાર્યવાહી થઇ નથી, ન તો કોઈ ઉચ્ચ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.