દેશના જીએસટી કલેક્શનની જેમ ગુજરાતના કલેક્શને પણ રેકોર્ડ બ્રેક કર્યા છે. ગુજરાતનું GST કલેક્શન એપ્રિલ 2023 માં 11,721 કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે ત્યારે નિષ્ણાતો આને ગ્રાહકની વધેલી ખરીદ શક્તિ અને રાજ્યમાં વધેલી આર્થિક પ્રવૃત્તિનું પરિણામ કહે છે.
અહેવાલો અનુસાર ટેક્સ મોપ-અપ વાર્ષિક ધોરણે લગભગ 4.1% વધ્યો છે. અગાઉના માર્ચ મહિનાની સરખામણીએ તેમાં 18%નો વધારો થયો છે. ટેક્સ વિભાગના સૂત્રોએ GST કલેક્શનમાં થયેલા વધારાને એકંદર આર્થિક સ્થિતિ સ્થિર હોવાનું પરિણામ ગણાવ્યું છે.
આ સાથે, મહારાષ્ટ્ર (રૂ. 33,196 કરોડ) અને કર્ણાટક (રૂ. 14,593 કરોડ) પછી ગુજરાતનું ટેક્સ મોપ-અપ દેશમાં ત્રીજા ક્રમે છે. સમગ્ર ભારતમાં પણ GST કલેક્શન વધીને રૂ. 1.87 લાખ કરોડ થયું છે- જે મહિના દરમિયાન વિક્રમી ઊંચી સપાટીએ હોવાનું ગઈકાલે નાણાં મંત્રાલયે ટ્વીટ કરી જણાવ્યું હતું.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહિના દરમિયાન, ઘરેલુ વ્યવહારોમાંથી આવક ગયા વર્ષના એપ્રિલ મહિનાની આવક કરતા 16% વધુ છે.
આ સાથે ગુજરાતમાં પણ SGST કલેક્શન રૂ. 4,065 કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે રહ્યું છે, જે ગયા વર્ષના રૂ. 3,438 કરોડની સરખામણીએ 18% વધુ છે. ગુજરાતને કેન્દ્ર તરફથી રૂ. 2,434 કરોડનું IGST સેટલમેન્ટ પણ મળ્યું છે.
GST વસૂલાતમાં વૃદ્ધિ સ્પષ્ટપણે એકંદરે તો સારી આર્થિક સ્થિતિનો સંકેત આપે છે. પણ આ સાથે કરદાતાઓ નિયમિતપણે રિટર્ન ફાઇલ કરે છે અને કર ચૂકવે છે, ઉપરાંત ટેક્સ લીકેજ અને ચોરી જેવી ખામીઓને દૂર કરવા વિભાગ દ્વારા લેવામાં આવેલા આક્રમક પગલાંને કારણે કર વસૂલાતમાં વધારો થયો છે, તેમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.
ઓટોમોબાઈલ અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરે મહિના દરમિયાન તહેવારોના મુહૂર્તોને કારણે સારો ધંધો કર્યો હતો. વધુમાં, ફુગાવો પણ એક મુખ્ય પરિબળ છે જેના કારણે કોમોડિટીના ભાવમાં એકંદરે વધારો થયો છે, જે ટેક્સવધારા રૂપે દેખાઈ રહ્યો હોવાનું અમુક ધંધાર્થીઓએ જણાવ્યું હતું.
મહિના દરમિયાન ગુજરાતની કુલ આવક રૂ. 9,503 કરોડ હતી જે ગયા વર્ષની સરખામણીએ 17 ટકા વધુ છે. તેમાં GST દ્વારા આવક ઉપરાંત નોન-સબસમ્ડ વસ્તુઓ પરની વેલ્યુ-એડેડ ટેક્સ (VAT)ની આવક રૂ.3,004 કરોડનો સમાવેશ થાય છે.