(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત સરકારે ૨૦૨૧ અને ૨૦૨૨ની વચ્ચે અદાણી પાવર લિમિટેડ પાસેથી રૂ. ૮,૧૬૦ કરોડની વીજળી ખરીદી હતી એટલું નહીં ટેરિફ રેટ પણ રૂ. ૨.૮૩ થી વધારીને રૂ. ૮.૮૩ પ્રતિ યુનિટ કરી હતી.
ગુજરાત વિધાનસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહિરના તારાંકિત પ્રશ્ર્નના ઉત્તરમાં રાજ્યના ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ૨૦૨૧-૨૨માં સરકારે કંપની પાસેથી રૂ. ૮,૧૬૦ કરોડમાં ૧૧,૫૯૬ મિલિયન યુનિટ વીજળી ખરીદી હતી. ટેરીફ ચાર્જ રૂ. ૨.૮૩-રૂ. ૮.૮૩ પ્રતિ યુનિટની રેન્જમાં મહિને દર મહિને ક્રમશ વધારવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારે ૨૦૦૭માં અદાણી પાવર લિમિટેડ પાસેથી ૨૫ વર્ષ માટે રૂ. ૨.૮૯ અને રૂ. ૨.૩૫ પ્રતિ યુનિટના લેવલાઇઝ્ડ ટેરિફ દરે વીજ ખરીદવાનો કરાર કર્યો હતો, પરંતુ આયાતી કોલસાની કિંમતમાં વધારો થવાને કારણે રાજ્ય સરકારે કંપની પાસેથી તેના પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટના દરમાં સુધારો કર્યો હતો.
આ પ્રોજેક્ટ કોલસા આધારિત હોવાથી ૨૦૧૧ પછી ઈન્ડોનેશિયામાંથી મેળવેલા કોલસાના ભાવમાં અનિશ્ર્ચિત વધારો થવાને કારણે ઉક્ત પાવર કંપની સંપૂર્ણ ક્ષમતામાં ઊર્જાનું ઉત્પાદન કરી રહી ન હતી જેથી રાજ્ય સરકાર દ્વારા એક ઉચ્ચ-સત્તાવાળી સમિતિની રચના કરવામાં આવી હતી. સરકારે ૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજના ઠરાવ દ્વારા સમિતિની ભલામણોને સ્વીકારીને, થોડા સુધારાઓ સાથે, નીતિ નિર્ણય તરીકે, વીજ ખરીદી દરોમાં વધારો મંજૂર કર્યો હતો. તેમજ ૫ ડિસેમ્બર, ૨૦૧૮ ના રોજ અદાણી પાવર સાથે પૂરક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા ૧૨ એપ્રિલ, ૨૦૧૯ના રોજના આદેશ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કોલસાના ભાવમાં વધારાને કારણે ૨૦૨૧માં વધુ સુધારો કરવામાં આવ્યો હતો.