ગુજરાતના રસ્તાઓ પણ ભલે અન્ય રાજ્યોના રસ્તાની જેમ ખાડા વાળા હોય પરંતુ માર્ગ વેરો વસૂલવામાં સરકારે કોઈ કસર છોડી નથી. છેલ્લા 44 મહિનામાં સરકારે 9000 કરોડ જેટલી માતબર રકમ માર્ગ વેરા તરીકે ઉઘરાવી છે. ગુજરાત સરકાર દ્વારા માર્ગ વેરા તરીકે 44 મહિનામાં 9,273.35 કરોડનો રોડ ટેક્સ રાજ્ય સરકારે એકત્રિત કરવામાં આવ્યો છે. આ માહિતી આરટીઆઇની એક અરજીના જવાબમાં જાણવા મળી છે.
જાહેર માહિતી અધિનિયમ-2005 હેઠળ એક ન્યુઝ પોર્ટલ દ્વારા રાજ્ય સરકારના વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગરને એક અરજી કરવામાં આવી હતી, જેમાં વર્ષ જાન્યુઆરી 2019 થી ડિસેમ્બર 2022 ના સમયગાળા દરમિયાન રાજ્યમાં માર્ગ વેરા તરીકે ઉઘરાવવામાં આવેલ રકમની માહિતી માંગવામાં આવી હતી. વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા આપવામાં આવેલા જવાબમાં વર્ષ 2019, વર્ષ 2020, વર્ષ 2021 અને વર્ષ 2022 ના ઓગસ્ટ મહિના સુધી કચેરી દ્વારા એકત્રિત કરવામાં આવેલ વેરાની માહિતી આપવામાં આવી હતી.
આ માહિતી મુજબ રાજ્યમાંથી વર્ષ 2019માં રૂપિયા 2597.27 કરોડનો વેરો, વર્ષ 2020માં રૂપિયા 1880.24 કરોડનો વેરો, વર્ષ 2021માં 2639.13 કરોડનો વેરો, અને વર્ષ 2022ના ઓગસ્ટ માસ સુધી રૂપિયા 2156.71 કરોડ રૂપિયાનો માર્ગ વેરો ઉઘરાવવામાં આવ્યો હતો. એટલે કે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ ધ્વારા 4 વર્ષના 44 મહિનામાં 9,273.35 કરોડ રૂપિયાની રકમ માર્ગ વેરા તરીકે ઉઘરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.