મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમના બીજા કાર્યકાળમાં વહીવટી બાબતોમાં વધારે રસ લેતા અને કડક વલણ અપનાવતા જોવા મળે છે. તેમણે તાજેતરમાં અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં જૂના થઈ ગયેલા કાયદા અને ગવર્નમેન્ટ રિઝોલ્યુશન (જીઆર) મામલે નારાજગી વ્યક્ત કરી હતી.
જે કાયદા અથવા જીઆર જૂના થઈ ગયા હોય, કોઈ ઉપયોગમાં લેવામાં ન આવતા હોય અથવા તો ખાસ અમુક કારણોસર જ ઉપયોગમાં લેવાતા હોય તેવા જીઆરની યાદી બનાવવા તેમણે જણાવ્યું હતું. આ કાયદાઓ કે ઠરાવને લીધે ઘણીવાર કામ અટકી પડતા હોય છે અથવા તો સરકારના કાયદાઓ જ અડચણ સાબિત થતા હોય છે. તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે જે પણ કોઈ નવા કામ હાથમાં લેવામાં આવે ત્યારે નિર્ણયો લેતા સમયે નવા જીઆરને જ ધ્યાનમાં રાખવામાં આવે.