તમને એમ લાગતું હોય કે તમે કોઈ કંપની કે સંસ્થામાં નોકરી કરો છો ને તમારા ઉપરી કર્મચારીઓથી કંટાળી જાઓ છો અથવા તો તેમને કંઈ કહી નથી શકતા એટલે જો તમે કંપનીના માલિક હોત તો કેવું સારું? તો સાંભળી લો રાજ્યના મુખ્યાને પણ કંટાળો આવે તેવું બને અને તે પણ પોતાની ઉપર નહીં નીચે કામ કરતા બાબુઓથી. સચિવાલયની ગલીઓમાંથી એક આવી જ ખબર બહાર નીકળી છે. વાત છે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની. પટેલ સ્વભાવે સરળ અને સૌમ્ય માનવામાં આવે છે.
તેમની કાર્યશૈલી પણ શાંતિપૂર્વક કામ કરવાની છે, પણ ઘણી બાબતો તેમને નારાજ કરે છે કે ગુસ્સો પણ અપાવે છે. તાજેતરમાં જ તેમણે સચિવાલયના સરકારી બાબુઓને કહી દીધું કે અમુક ખાતામાં ખાસ પ્રકારની પોસ્ટિંગ માટે મારી કેબિનમાં આવવાનું નહીં કે મને વારંવાર કહેવાનું નહીં. દરેક સરકારી અધિકારી અને ખાસ કરીને ઉચ્ચ અધિકારીને નાણા, ગૃહ, ઉદ્યોગ, ઘરનિર્માણ જેવા મલાઈદાર ખાતામાં જ પદ જોઈતું હોય છે. જે વાત પટેલને પરેશાન કરી રહી હતી. આથી તાજેતરમાં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં તેમણે કહી દીધું કે તમને અધિકારીઓને ખાસ ખાતામાં જ કામ કરવું છે. પણ દરેક ખાતા અને ક્ષેત્રમાં કામ કરવું જરૂરી હોય છે.
આમ કહી તેમણે આડકતરી રીતે બાબુઓને કહી દીધું કે અમુક વિશેષ ખાતામાં પોસ્ટિંગની અપીલ કરવા મને મળવું નહીં. મુખ્ય પ્રધાનની વાત પણ સાચી છે. દરેક ખાતા મહત્વના છે. તાજેતરમાં જ વેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીએ તેમના ડિપાર્ટમેન્ટને અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા અન્યાય થતો હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી.
જોકે એ હકીકત પણ નકારી શકાય નહીં કે અમુક ખાતાને પ્રધાનો દ્વારા પણ વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. આથી તો પ્રધાનમંડળની રચના સમયે રાજકારણીઓ પણ જે તે ખાતાનું પ્રધાનપદુ મેળવવા દોડભાગ કરતા હોય છે.