(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતમાં ૨૦૨૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ ૧૮૨માંથી ૧૫૬ બેઠકો સાથે મેળવેલી ઐતિહાસિક જીત બાદ રજૂ થયેલું ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ બજેટમાં નાગરિકોને માથે નવા કરવેરા કે વેરા વધારો કરવાનું ટાળવામાં આવ્યું છે. સન ૨૦૨૩-૨૪ના વર્ષના રૂ. ૩ લાખ એક હજાર ૨૨ કરોડનું રૂ. ૯૧૬.૮૭ કરોડની પુરાંતવાળુ બજેટ ગુરૂવારે નાણાં પ્રધાન કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં રજૂ કર્યું હતું. જોકે બજેટમાં વેરામાં ઘટાડાની કોઇ રાહત પણ આપવામાં આવી નથી પરંતુ કોરોનાકાળ દરમિયાન તેમજ વિધાનસભાની ચૂંટણી પહેલા વેટ અને ચાર્જમાં અપાયેલી રાહતનો હવાલો આપવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બજેટના કદમાં ૨૩.૫૮ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સૌથી વધુ બજેટ ફાળવણી શિક્ષણ વિભાગને કરવામાં આવી છે.
બજેટમાં રાજ્યમાં પાંચ વર્ષમાં પાંચ સ્તંભનાં વિકાસ મેપનું આયોજન દર્શાવવામાં આવ્યું છે. બજેટ રજૂ કરતા નાણાં પ્રધાન કનુભાઇ દેસાઇએ લોકોને અગાઉ આપેલી રાહત અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સીએનજી અને પીએનજીમાં૧૫ ટકાથી ઘટાડીને ૫ ટકા વેટ કરાયો છે જેની રાહત લોકોને મળી રહી છે. જોકે વિદ્યુત શુલ્કના કાયદામાં સુધારો કરવાની જાહેરાત કરીને તેમણે આગામી સમયમાં સંભવત: વીજ દર વધારાનો સંકેત આપ્યો હતો. બજેટમાં શિક્ષણની પાયાની જરૂરિયાત અને શિક્ષણના વિકાસ માટે રૂપિયા ૪૩,૬૫૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સાથે ઉચ્ચ શિક્ષક અને ટેક્નિકલ શિક્ષણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના ગ્રોથ એન્જિન માટે પાંચ વર્ષના આયોજન હેઠળ ’૫ પિલર્સ’ આધારિત બજેટ, શિક્ષણ-કૃષિ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સર્વોચ્ચ આ વર્ષે ૮૫ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. પાંચ વર્ષ જ્યારે ગરીબ માટે ૨ લાખ કરોડ, માનવ સંસાધન માટે ૪ લાખ કરોડ, વિશ્ર્વ સ્તરની આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં રૂપિયા ૫ લાખ કરોડ, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા ૨ લાખ કરોડ,
ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા ૨ લાખ કરોડનો ખર્ચ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, અંબાજી, ધરોઈ ડેમ, ગીર અભયારણ્ય, દ્વારકા શિવરાજપુર બીચ એમ ૫ પ્રવાસન સ્થળોને વિકસાવવા પાંચ વર્ષમાં ૮૦૦૦ કરોડનો ખર્ચ કરાશે.
આ ઉપરાંત સરકારના વિભાગ દીઠ કરાયેલી નાણાકીય જોગવાઇ જોઇએ તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ. ૫૫૮૦ કરોડ, આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૩૪૧૦ કરોડ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ. ૨૫૩૮ કરોડ, શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. ૪૩,૬૫૧ કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ. ૧૫,૧૮૨ કરોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૬૦૬૪ કરોડ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ચ ૨૧૬૫ કરોડ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ રૂ. ૫૬૮ કરોડ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ રૂ. ૧૦,૭૪૩ કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માટે કુલ રૂ. ૧૯,૬૮૫ કરોડ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ. ૮૭૩૮ કરોડ અને માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ. ૨૦,૬૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ૩૫૧૪ કરોડ, જળસંપત્તિ પ્રભાગ માટે રૂ. ૯૭૦૫ કરોડ, પાણી પુરવઠા પ્રભાગ માટે રૂ. ૬૦૦૦ કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂ. ૨૧૯૩ કરોડ અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. ૨૧,૬૦૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે રૂ. ૨૦૭૭ કરોડ, ગૃહ વિભાગ માટે કુલ રૂ. ૮૫૭૪ કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. ૨૦૬૩ કરોડ અને કાયદા વિભાગ માટે કુલ રૂ. ૨૦૧૪ કરોડની જોગવાઈ કરાઇ છે.