આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભા ચૂંટણી 2022માં ઐતિહાસિક વિજય બાદ ભુપેન્દ્ર પટેલ સરકાર 2.૦નું પ્રથમ બજેટ આવતીકાલે ગુજરાત વિધાનસભામાં રજુ થવા જઈ રહ્યું છે. રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. ગુજરાતની જનતાએ ભાજપને ઐતિહાસિક બજુમતીથી જીતાડી છે. આ બજેટમાં સરકાર રાહત આપે એવી લોકોને અપેક્ષા છે.
કોરોના સમયે પણ રાજ્ય સરકારે બે વખત પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. સરકારે પ્રજા પર કરવેરા નો વધુ બોજ લાદયો નહોતો ત્યારે ભૂપેન્દ્ર પટેલની સંપૂર્ણ સરકારમાં આતી કાલે રજૂ થનારા બજેટ પર સૌ કોઈની નજર છે.
ગત વર્ષે રજૂ થયેલા બજેટમાં કરવેરાનો વધુ કોઈ બોજ જનતા પર લાદ્યા વગર બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લિટર રૂપિયા 7 ની રાહત આપવાની જાહેરાત કરી હતી. ચૂંટણીનું વર્ષ હોવાથી ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરાયું હોવાનો વિપક્ષ દ્વારા આરોપ લગાવાયો હતો ત્યારે આ વખતે રજૂ થનારા બજેટમાં સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા છે.
આજે 15 મી ગુજરાત વિધાનસભાના બીજા સત્રના શુભારંભે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સંબોધન આપ્યું હતું.