ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવીને સરકાર બનાવ્યા બાદ ભાજપે પક્ષ વિરોધી કામ કરનાર નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ એક્શન લેવાનું શરુ કર્યું છે. ભાજપને શિસ્તબદ્ધ પક્ષ માનવા આવે છે વિધાનસભા ચૂંટણીમાં પક્ષનાં જ નેતાઓ પક્ષ વિરોધી કામ કરતા હોવાની ચર્ચા ઉઠી હતી. મહીસાગર જિલ્લાના 22 નેતાઓ અને કાર્યકર્તાઓને કમલમમાંથી તેડું મોકલવામાં આવ્યું છે.
વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓ વિરુદ્ધ નિષ્ક્રિય રહેવા અથવા પક્ષ વિરોધી કાર્ય કરતા હોવાની લગભગ 600 ફરિયાદ મળી મળી હતી. હવે ચૂંટણી પત્યા બાદ આવી ફરિયાદોની ચકાસણી કરવા વલ્લભ કાકડીયાના નેતૃત્વમાં ભાજપે એક સમિતિની રચના કરી છે. આ સમિતિએ આજથી ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળવાનું શરુ કર્યું છે.
આ મુદ્દે વલ્લભ કાકડીયાએ કહ્યું કે, શિસ્ત સમિતિ તપાસ બાદ પોતાનો રિપોર્ટ પ્રદેશ પ્રમુખને સોંપશે અને ત્યારબાદ ઠપકો આપવાથી માંડીને સજા સુધીના પગલાં ભરવામાં આવશે.
ચૂંટણી દરમિયાન અનેક નેતા, વિધાનસભ્યો, સાંસદોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. મહીસાગર જિલ્લાના 3 વિધાનસભ્યોની રજુઆતને લઈ ભાજપના 22 હોદ્દેદારોને ગાંધીનગર કમલમ ખાતે બોલાવવામાં આવ્યા છે.