વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર જીવનમાં જ્યાંથી પ્રવેશ કર્યો હતો તે રાજકોટ પશ્ચિમ ની બેઠક પર ભાજપના બાર દિગ્ગજ દાવેદારો નજર માંડીને બેઠા છે. વર્ષ 2002માં મોદીએ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી આ બેઠક પર લડી હતી. આ બેઠક પરના સાત વારના વિજેતા વજુભાઈ વાળાએ તેમની માટે આ બેઠક ખાલી કરી હતી. તે બાદ આ બેઠક ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળી હતી.
હાલમાં ભાજપ પોતાની નો રિપીટ પોલીસી અંતર્ગત વિજય રૂપાણીને ટિકિટ આપવાના મૂડમાં નથી, ત્યારે અહીંથી બાર દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે . ભાજપના સૂત્રોનું માનીએ તો આ બેઠક પરથી રૂપાણી ના નજીકના મનાતા નીતિન ભારદ્વાજ, ડેપ્યુટી મેયર દર્શિતા શાહ, જનસંઘનો ગુજરાતમાં પાયો નાખનાર ચીમન શુક્લાના પુત્ર કશ્યપ શુક્લા, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ વિરાણી અને વકીલ અનિલ દેસાઈ સહિત બાર ઈચ્છકોએ દાવો નોંધાવ્યો છે. આ બેઠક ઘણી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે .
અહીં શિક્ષિત અને વેપારી જગતના ઘણા મોટા મતદારો રહે છે. વર્ષ 2017 માં વિજય રૂપાણીને આ બેઠક પરથી કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પડકારવામાં આવ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડી ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે, પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાનું જણાવ્યું હતું . આથી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ કોને દાવેદારી આપે છે તે સૌરાષ્ટ્રના લોકો માટે ઇન્તેઝારીનો વિષય છે.