ભાજપ સાથે યુતિ હતી ત્યારે અને ભાજપથી છૂટા પડ્યા ત્યારે પણ શિવસેનાએ હંમેશાં ગુજરાત પર નિશાન સાધવાનો મોકો છોડ્યો નથી. ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના વિકાસના થતાં કામ અથવા મહારાષ્ટ્રના અમુક પ્રોજેક્ટ ગુજરાત લઈ જવાની ટીકા સાથે ઠાકરેની શિવસેના હંમેશાં ગુજરાતને લક્ષ્ય બનાવતું રહ્યું છે.
તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા ત્યારે પણ તેમણે ફરી ગુજરાત પર તીર તાક્યું હતું. શિવસેનાએ મુખપત્ર સામનામાં ટીકા કરતા જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રમાં રોકાણકારોને આકર્ષવા આવ્યા છે તો તેઓ ગુજરાત શા માટે જતા નથી? આખા વિશ્વના રોકાણકારો-ઉદ્યોગપતિઓને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત લઈ જવામા આવે છે. શિવસેનાએ એમ પણ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુંબઈ સાથે તેઓ પડોશી રાજ્ય ગુજરાતમાં આવો ભવ્ય રોડ શો શા માટે કરતા નથી? ત્યાંના રોકાણકારોને પણ લખનઉમા રોકાણ કરવા માટે આમંત્રણ આપવું જોઈએ.
મહારાષ્ટ્રના પણ ઘણા ઉદ્યોગોને ગુજરાત લઈ જવામા આવ્યા છે. જેમ મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત જાય છે તેમ ગુજરાતના ઉદ્યોગો ઉત્તર પ્રદેશ જશે તો અમને આનંદ થશે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ દાવો પણ કર્યો હતો કે મહારાષ્ટ્રમાંથી ૨.૫ લાખ કરોડનું રોકાણ પહેલેથી અન્યત્ર ખસેડવામાં આવ્યું છે.
લાખો યુવાનોના નોકરીના સ્વપ્ન રોળાઈ ગયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મુંબઈએ હંમેશાં ઉત્તર પ્રદેશની પ્રગતિમાં ભાગ ભજવ્યો છે. લાખો લોકો અહીં આવી રોજી મેળવે છે અને ત્યારે ઉત્તર પ્રદેશમાં તેમના ઘરમાં ચૂલો સળગે છે.
ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોદી સરકાર મુંબઈને મહારાષ્ટ્રની અલગ કરવા માગે છે અને મુંબઈનો વિકાસ ધીમો પાડવા માગે છે, તેવી ટીકા વારંવાર કરી છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આવી ટીકાઓ તમામ પક્ષ તરફથી આવતી રહેશે.