દર વર્ષે ગૂડી પાડવાના દિવસે બાઈક, કાર મોબાઈલ ફોનના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે, પણ મુંબઈમાં આ વર્ષે ગૂડી પાડવાના અવસરે કારની ખરીદીમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે બાઈકની આવકમાં 28 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં મેટ્રોનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે અને એની સાથે સાથે જ સાર્વજનિક પરિવહનના વધી રહેલાં વિકલ્પોને કારણે નવી કાર, નવી બાઈક ખરીદી કરવાનું પ્રમાણ ઓછું થઈ રહ્યું હોવાનો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.
ગૂડી પાડવા એટલે મરાઠી નવા વર્ષ નિમિત્તે અનેક લોકો કાર, બાઈક વગેરે ખરીદે છે. પરંતુ આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ મુંબઈમાં કારની ખરીદીમાં 50 ટકાનો અને બાઈકની બુકિંગમાં 28 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મુંબઈગરાની કાર કે બાઈક પર પ્રવાસ કરવાને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વિકલ્પ વધુ પસંદ કરી રહ્યા છે.
મુંબઈમાં પ્રવાસ કરવા માટે મુંબઈગરા પાસે મેટ્રો વન, મેટ્રો 2એ, મેટ્રો 8 અને એ સિવાય આવી રહેલી મેટ્રો 3 જેવા અલગ અલગ પર્યાય ઉપલબ્ધ છે. આ ઉપરાંત ટ્રાફિક સમસ્યામાંથી પણ આ પબ્લિક ટ્રાન્સપોર્ટને કારણે મુક્તિ મળી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની સાથે સાથે જ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવ પર થનારી ટ્રાફિકની સમસ્યાને કારણે મેટ્રોના ફેલાઈ રહેલાં નેટવર્કને કારણે પ્રવાસ વધુ ઝડપી અને આરામદાયક બનશે.
પબ્લિક ટ્રાન્સપોર્ટ સિવાય વધતી કિંમતો પણ બાઈક અને કારની ખરીદીમાં જોવા મળી રહેલાં ઘટાડાનું બીજું મહત્ત્વનું કારણ છે. મુંબઈમાં ગયા વર્ષે ગૂડી પાડવા નિમિત્તે મુંબઈ આરટીઓમાં 2230 નવી કારનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે આ પ્રમાણ 1130 જેટલું જ છે. બાઈકની વાત કરીએ તો ગયા વર્ષે ગૂડી પાડવા નિમિત્તે 4292 નવી બાઈકનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે આ પ્રમાણ 3110 જેટલું હતું.