ઇન્ડિયન પ્રિમિયર લીગની ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને ચેન્નઇ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સ રેકોર્ડ 10મી વખત આઈપીએલની ફાઇનલમાં પહોંચી છે. તેઓએ મંગળવારે (23 મે) ક્વોલિફાયર-1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું હતું. ચાર મેચમાં ગુજરાત સામે ચેન્નઈની આ પ્રથમ જીત છે. અગાઉ CSKને ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ધોની હવે રવિવારે (28 મે) પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે.
𝗡𝗲𝘅𝘁 𝗗𝗲𝘀𝘁𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻: 𝗙𝗜𝗡𝗔𝗟 ✈️😉
Congratulations 🥳 to 𝗖𝗛𝗘𝗡𝗡𝗔𝗜 𝗦𝗨𝗣𝗘𝗥 𝗞𝗜𝗡𝗚𝗦, the first team to qualify for #TATAIPL 2023 Final 💛#Qualifier1 | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/LgtrhwjBxH
— IndianPremierLeague (@IPL) May 23, 2023
“>
ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈએ 20 ઓવરમાં સાત વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં 157 રનમાં સમેટાઈ ગઈ હતી.
ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈની ટીમે શાનદાર વાપસી કરી છે. ગત સીઝનમાં તે પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. આ વખતે ધોનીની કેપ્ટનશીપમાં ટીમે ફરી પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ અને પછી ટાઈટલ મેચ સુધી પહોંચી હતી. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
તેને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે. તે અમદાવાદમાં 26 મેના રોજ ક્વોલિફાયર-2માં રમશે. મુંબઈ ઈન્ડિયન્સ અથવા લખનઉ સુપર જાયન્ટ્સ સાથે ટક્કર કરશે. બુધવારે (24 મે)ના રોજ મુંબઈ અને લખનઉ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં વિજેતા ટીમ ક્વોલિફાયર-2માં ગુજરાત સામે રમશે.
ચેન્નઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 40 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ પ્રથમ વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. રવિન્દ્ર જાડેજાએ 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણે અને અંબાતી રાયડુએ 17-17 રન બનાવ્યા હતા.
ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને શિવમ દુબેએ એક-એક રન બનાવ્યા હતા. મોઇન અલી ચાર બોલમાં નવ રન બનાવીને અણનમ રહ્યો હતો. ગુજરાત તરફથી મોહમ્મદ શમી અને મોહિત શર્માએ બે-બે વિકેટ લીધી હતી. દર્શન નલકાંડે, નૂર અહેમદ અને રાશિદ ખાનને એક-એક સફળતા મળી.
ચેન્નઈ તરફથી મળેલા 173 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ગુજરાત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 38 બોલમાં 42 રન બનાવ્યા હતા. રાશિદ ખાને છેલ્લી ઓવરમાં ઝડપી રન બનાવ્યા હતા. તેણે ટીમ માટે આશા જગાવી, પરંતુ તે જીત અપાવી શક્યો નહોતો. રાશિદે 16 બોલમાં 30 રન બનાવ્યા હતા. દાસુન શનાકાએ 17, વિજય શંકરે 14 અને રિદ્ધિમાન સહાએ 12 રન બનાવ્યા હતા.
કેપ્ટન હાર્દિક પંડ્યા આઠ, મોહમ્મદ શમી પાંચ, ડેવિડ મિલર ચાર અને રાહુલ તેવટિયા ત્રણ રન બનાવીને આઉટ થયા હતા. નૂર અહેમદે અણનમ સાત રન બનાવ્યા હતા. દર્શન નલકાંડે ખાતું ખોલાવી શક્યો ન હતો. ચેન્નઈ તરફથી દીપક ચહર, મહિષ તિક્ષ્ણા, રવિન્દ્ર જાડેજા અને મતિષા પથિરાનાએ બે-બે વિકેટ લીધી હતી.