ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામની એક પેઢીએ ગુણવત્તાયુક્ત પેટકોકની આયાત કરી તેને ચોપડા પર સસ્તાં સ્ટીમ કોલ તરીકે ખપાવીને ૬.૧૬ લાખની કરેલી જી.એસ.ટીની ચોરીને સ્થાનિક ગુન્હાશોધક શાખાએ પકડી પાડી છે.
પૂર્વ બાતમીના આધારે પૂર્વ કચ્છ એલ.સી.બીએ ગત ૧૩મી માર્ચના રોજ કંડલા બંદરેથી કોલસો ભરીને ભારાપર તરફ જઈ રહેલાં પાંચ ટ્રેલરોને ડિટેઇન કરી હાથ ધરેલી તપાસમાં આ ટ્રેલરો ગાંધીધામની જાણીતી પેઢીના હતા અને પેઢીના ટ્રાન્સપોર્ટ મેનેજરે પોલીસે જપ્ત કરેલાં વાહનો અને માલ અંગેના જરૂરી દસ્તાવેજો રજૂ કર્યાં હતા. કંપનીએ દાવો કર્યો હતો કે ટ્રેલરોમાં ઈન્ડોનેશિયન સ્ટીમ કોલ (નોન કુકીંગ) ભરેલો છે. કંપનીએ કોલસાના સ્ટેટ અને સેન્ટ્રલ જી.એસ.ટી પેટે અઢી અઢી ટકા રકમનો વેરો પણ ભરપાઈ કર્યો હતો. જો કે, પોલીસે આ કોલસાનું સેમ્પલ લેબોરેટરીમાં મોકલી ચકાસણી કરાવતાં તે કોલસો સ્ટીમ કોલ નહીં પરંતુ ઉચ્ચ ગુણવત્તાનો પેટકોક હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, જપ્ત કરેલા ટ્રેલરોમાં કુલ ૧ લાખ ૭૯ હજાર ૯૨૦ ટન કોલસો ભર્યો હતો. પેટકોકનો પ્રતિ ટન બજારભાવ ૨૩ હજાર રૂપિયા છે. ૪૧ લાખ ૩૮ હજાર રૂપિયાના મૂલ્યના પેટકોક પર ૧૮ ટકા જીએસટી લેખે ૭.૪૪ લાખ રૂપિયા ભરવાના થાય. તેની સામે કંપનીએ તેને સસ્તાં સ્ટીમ કોલમાં ખપાવી તે પેટે ૧.૨૮ લાખ રૂપિયા જ જીએસટી ભર્યો હતો અને બાકીના ૬.૧૬ લાખ રૂપિયાના ભરવાપાત્ર જીએસટીની ચોરી કરી હતી.પેઢીના માલિક, ટ્રાન્સપોર્ટ મેનેજર અને અન્ય મળતિયાઓએ કાવતરું રચીને, ટેક્સ ચોરી કરવા હલકી ગુણવત્તાનો કોલસો ચોપડા પર દર્શાવી તેમજ તેને અનુલક્ષીને ખોટાં દસ્તાવેજો બનાવીને સરકારી તીજોરી સાથે છેતરપિંડી કરી હોવાની એલ.સી.બીએ ગાંધીધામના બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉ