કેન્દ્ર સરકાર લગ્ન માટે યુવતીની ઉંમર 18માંથી 21 વર્ષની કરવા અંગે વિચારી રહી છે. ત્યારે હજુ પણ છોકરીને 18 વર્ષની થાય તે પહેલા જ પરણાવી દેવાની માનસિકતા લોકો ધરાવે છે. દાહોદના ગામમાં જોકે થોડી અલગ ઘટના ઘટી. અહીં છોકરીની ઉંમર 17 વર્ષ અને આઠ મહિના હતી, પરંતુ કાયદાની રૂએ તે નાબાલિક ગણાય આથી તેની જાને લીલા તોરણે પાછો જવાનો વારો આવ્યો અને માતા-પિતા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં બાળ કલ્યાણ સમિતિએ સગીર વયની કન્યાના લગ્ન રોકાવ્યા હતાં. કન્યાને પુખ્તવયની થવામાં માત્ર ચાર જ માસ ખુટતા હતાં. કન્યાની જાન 406 કિમી દૂરથી આવી રહી હતી. જોકે, કાર્યવાહીના પગલે તે કન્યાના ઘરથી 15 કિમી દૂરથી જ પાછી વળી ગઇ હતી. તેમજ કન્યાના માતા-પિતાની અટકાયત કરવામાં આવી હતી. સાથે કાર્યવાહી બાદ કન્યાને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી હતી.
કન્યા 17 વર્ષ અને 8 માસની હોવાનું સામે આવ્યુ હતું. જેથી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ લગ્ન ગેરકાનૂની ઠરે છે. થોડા સમય પહેલા પોલીસ ખાતા દ્વારા બાળલગ્નો અંગે જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં પોલીસે લોકોને જાગૃત રહેવા અને બાળલગ્નો અંગે પોલીસને જાણકારી આપવા જણાવ્યું હતું. એક જાગૃત નાગરિકે ઈમેલ દ્વારા પોલીસને જાણકારી આપતા પોલીસે આ લગ્ન રોકાવ્યા હતા.