Homeઉત્સવમોટા માણસોની મહાન પત્નીઓ!

મોટા માણસોની મહાન પત્નીઓ!

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

જ્યારે પણ બે દેશના નેતાઓ એકબીજાને મળે છે ત્યારે એમની પત્નીઓ પણ એકમેકને મળતી હોય છે. જેમ મોટા સમાચારોની આસપાસ કેટલાક નાનામોટા પૂરક સમાચારો હોય છે, એવી જ રીતે મીડિયાવાળાઓ પણ કેટલાક રસપ્રદ સમાચાર બનાવીને માહોલ ઇન્ટ્રેસ્ટિંગ રહે એવી તકનો લાભ ઉઠાવે છે. બે મોટા માણસોની મીટિંગ થાય એનાથી દુનિયામાં ભલેને ગમે એટલો ફરક પડે કે ના પડે, એમની પત્નીઓના પ્રભાવથી, એ સ્ત્રીઓના ફેશનમાં જરૂર ફરક પડતો જોવા મળે છે. જો મોટા માણસોની પત્નીઓ આટલું પણ કરી શકે તો એ પણ એમના માટે આ બહુ મોટી સફળતા છે.
આ સિવાય એ વાઇપો બિચારી દુનિયામાં બીજું કરી પણ શું શકે?
મોટા માણસની પત્નીઓની શાનમાં એમ જ કહી શકાય કે તે બસ મોટા માણસની પત્નીઓ છે! વાત ખતમ! એ જે છે એ છે, જો એ સ્ત્રી ના હોત અને એની જગ્યા પર બીજી કોઇક મહિલા એ જગ્યાએ હોત, તો તે બાઇ પણ આવી જ રીતે સમાચારમાં કે ફોટાઓમાં ચમકતી હોત! મોટા માણસની પત્નીઓ, એવો ભ્રમ ફેલાવી શકે છે કે આ તમારી સામે જે મોટો માણસ છેને, જેને આજે તમે નેતા સમજો છો, એ તો માત્ર મારા લીધે જ મોટો માણસ બન્યો છે, સમજયા? તેની સફળતા પાછળ મારું પણ થોડુંઘણું યોગદાન છે, હોં!
હવે જેમ કે, નાના શહેરમાં કલેક્ટરની પત્નીઓ હંમેશાં મહિલા સંસ્થાઓની અધ્યક્ષતા કરતી ફરે છે, કદીક સરકારી પ્રાથમિક શાળાઓના કાર્યક્રમોમાં ઈનામો વહેંચે છે. પ્રાદેશિક ખેલાડીઓને કપ અને સૈનિકોની વિધવાઓને સિલાઈ મશીન વહેંચવાની જવાબદારી મોટેભાગે આ મોટા લોકોની પત્નીઓને માથે હોય છે. એ મેકઅપમાં મહાલતી મહિલાઓ તમને કોઈ પણ કાર્યક્રમમાં આવીને હસતાં કે પછી કારણ વગર ગંભીર થતી જોવા મળે છે. એમના માટે એક વાત પ્રખ્યાત હોય છે કે તેઓ તો સાક્ષાત્ કરૂણાની દેવી છે! આપણા સમાજને કેમ સુધારવામાં આવે, એ વિષયમાં એમને જન્મજાત સમજદાર માનવામાં આવે છે. નાનાં શહેરોમાં કલેક્ટરના બંગલામાંથી બે પ્રવાહ નીકળે છે. એક વહીવટનો કડક પ્રવાહ ( એટલે કે કલેક્ટર ખુદ) અને બીજો દયા અને સમાજ સુધારની માનવીય સહાનુભૂતીનો પ્રવાહ! (એટલે કે એમની વાઇફો)
અધિકારીઓ અને શ્રીમંતોની પત્નીઓને ક્લબમાં મૂળ એક જ ચિંતા સતાવતી હોય છે કે, અમારા પતિઓના આટઆટલા પ્રયાસો અને એમના મિત્ર એવા શેઠિયાઓના આટલા બધા ડોનેશન આપવા છતાં પણ કમબખ્ત આ દુનિયા હજિયે સુધરી કેમ નથી રહી? ક્લબ એટલે એ પ્રદેશ જ્યાં સિલ્કની સાડીઓ, સોના-ચાંદી, હીરા-મોતીના ઘરેણા, રંગબેરંગી વુલન સ્વેટરો પહેરીને પેલીઓ મહાલે છે. પછી મોટા લોકોની પત્નીઓ, ક્યૂટ ગરીબ બાળકોના કાર્યક્રમમાં અને કારમી સમસ્યાઓથી ભરેલી આ દુનિયાને દયાની નજરે નિહાળીને સમોસા ખાઈને ચા-કોફી પીને પોત-પોતાની મોંઘી મોટરકારમાં માસૂમિયતથી પાછી ફરે છે. મોટા માણસોની પત્નીઓ બેઠાં બેઠાં જગત આખા પર અફસોસ કરવા સિવાય બીજું કરી પણ શું શકે? બહુ અજીબ હેલ્પલેસ પરિસ્થિતિ છે!
એક રીતે એ મોટા લોકોની પત્નીઓ એમના પોતપોતાના વિસ્તારની ‘મધર ટેરેસા’ પણ બનવા માગે છે અને સાથે-સાથે પોતાની કિંમતી બેંગ્લોરી સિલ્ક સાડીઓ પહેરીની લોકો પાસે પોતાના વખાણ પણ ઉઘરાવવા માગે છે. આપણાં નેશનમાં આ અજીબ કોંબિનેશન છે. જિલ્લામાં આ મોટા લોકોના વાઇફોનો એક ખાસ દબદબો હોય છે, જ્યાં તેઓ પ્રગતિશીલ અને આગળ પડતા વિચારના ગણાય છે. અને એ એટલા માટે કે એમણે કોઇ મોટા સાહેબને યેનકેન પ્રકારેણ પોતાના પાલવડે બાંધી લીધા છે, એટલે જ તો આજે મોટા માણસની પત્નીઓ છે!
હમણાં એક દેશના મોટા માણસની પત્ની એની સાથે બીજા દેશમાં એક રાષ્ટ્રની શિખર મંત્રણામાં ગઈ અને પછી ત્યાંથી ફોટા પડાવીને પાછી ફરી. ફક્ત ત્યાં જવાથી ને પાછા આવવાથી, જાણે એક ઐતિહાસિક પ્રસંગ બની ગયો. કાલે પાછાં જ્યારે એમનો પતિ પરમાણું બોમ્બની સંખ્યા અને આવનારા યુદ્ધમાં હિંસાની તાકાત વધારતો હશે ત્યારે તડકામાં બેસીને નવું સ્વેટર ગૂંથતા ગૂંથતા ને નોકરો પર ઓર્ડરો આપતાં આપતાં, એ વાઇફ માત્ર એટલું જ જાણતી હશે કે એનો પતિ આજે ખરેખર બહુ જરૂરી મીટિંગમાં વ્યસ્ત છે!
આનાથી વધુ તો બિચારી મોટા લોકોની પત્નીઓ બીજું કરી પણ શું શકે છે? હેંને?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -