ઊંટ કહે આ સભામાં :
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
ગુજરાતી ભાષાને આવા અનેક ઉચ્ચકોટીના કાવ્યો આપનાર કવિશ્વર દલપતરામની ૨૦૩મી જન્મજયંતી ઉજવવા માટે તેમની પાંચમી પેઢીના પરિવારજનોએ એક અનોખો કાર્યક્રમ રાખ્યો છે. અમદાવાદના કાલુપુરમાં આવેલી લાંબેશ્વર પોળ ખાતે તેમનું સ્મારક છે ત્યાં તેમણે લખેલી કવિતાઓની અસલી પ્રતોને પ્રદર્શિત કરવામાં આવશે. તેમની પાંચમી પેઢીના તેમના પરિવારજનોએ આ આયોજન અન્ય સંસ્થાઓની મદદથી કરવાનો નિર્ણય કર્યો છે.
પરિવારનું કહેવાનું છે કે આજની પેઢીને તેમના સર્જન વિશે, તેમના વ્યક્તિત્વ વિશે માહિતી મળે તે જરૂરી છે. તેમણે ઉત્તમ કોટીના કાવ્યો તો લખ્યા જ પણ આ સાથે વિધવા વિવાહ અને કન્યા કેળવણી જેવા મુદ્દે સમાજમાં ક્રાંતિ લાવવાનું કામ પણ કર્યું હતું. આથી તેમની જન્મજયંતી નિમિત્તે આ આયોજન કર્યું છે.
દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી (૨૧ જાન્યુઆરી ૧૮૨૦ – ૨૫ માર્ચ ૧૮૯૮) જેઓ દલપતરામ તરીકે વધુ જાણીતા છે. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો અને અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ અને બાળલગ્ન વિરુદ્ધ લેખો લખ્યા હતા. તેમની કવિતા વેનચરિત્રમાં તેમણે વિધવા પુન:લગ્નનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગુજરાતી ભાષામાં ભણતર ઓછું થતાં આવા કેટલાય ક્રાંતિકારી અને સુધારાવાદી કવિઓની રચના નવી પેઢી સુધી પહોંચતી નથી ત્યારે આવા પ્રયાસો થાય તે ખૂબ જ આવકાર્ય છે.