આત્મહત્યા પહેલા લખેલી ચિઠ્ઠી વાંચીને તમારી આંખમાં આંસુ આવી જશે
હરિયાણાના ચરખી દાદરીમાં ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીના દાદા-દાદીએ કથિત રીતે પરિવારના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી હોવાનો હૃદયદ્રાવક બનાવ બન્યો હોવાની પોલીસે માહિતી આપી હતી. વૃદ્ધ દંપતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી અને પોલીસને સોંપી હતી, જેમાં લખ્યું હતું કે મારા પુત્રો પાસે 30 કરોડની સંપત્તિ છે, જ્યારે અમારે ખાવાના ફાંફાં છે. સુસાઈડ નોટના આધારે પોલીસે પરિવારના સભ્યો સામે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ મૂળ ગોપીના રહેવાસી જગદીશ ચંદ્ર અને ભગલી દેવી તેમના પુત્ર વિરેન્દ્ર પાસે બધડામાં રહેતા હતા. વીરેન્દ્ર આર્યનો પુત્ર વિવેક આર્ય 2021માં IAS બન્યો અને તેને હરિયાણા કેડર મળ્યો. જગદીશ ચંદ્ર અને તેમની પત્ની ભાગલી દેવીએ બુધવારે રાત્રે તેમના બધડાના ઘરે ઝેરી દવા ખાઇ લીધી હતી. જગદીશ ચંદ્રાએ પોલીસ કંટ્રોલ રૂમમાં બપોરે 2.30 વાગ્યે ઝેર ખાવાની માહિતી આપી હતી. પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને બાધડા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.
જગદીશચંદ્રએ મરતા પહેલા સુસાઈડ નોટ પોલીસને આપી હતી. વૃદ્ધ દંપતીને સૌ પ્રથમ બાધડાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ પોલીસ પોસ્ટમોર્ટમ માટે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી.
પોતાની સુસાઈડ નોટમાં જગદીશચંદ્રએ લખ્યું છે કે, ”હું જગદીશચંદ્ર આર્ય તમને મારું દુ:ખ કહું છું. મારા પુત્રો પાસે બધડામાં 30 કરોડની સંપત્તિ છે, પરંતુ તેમની પાસે મને આપવા માટે બે રોટલી નથી. હું મારા નાના પુત્ર સાથે રહેતો હતો. 6 વર્ષ પહેલા તેનું અવસાન થયું હતું. કેટલાક દિવસો સુધી તેની પત્નીએ અમને રાખ્યા અને ખાવા આપ્યું, પરંતુ બાદમાં તેઓ ખોટો ધંધો કરવા લાગ્યા. આનો મેં વિરોધ કર્યો તો તેમને આ વાત ગમી નહીં. મને માર મારીને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો. હું બે વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યો. આ સમય દરમિયાન મારી પત્નીને લકવો થયો અને અમે અમારા બીજા પુત્ર સાથે રહેવા લાગ્યા.
તેઓએ પણ અમને રાખવાની ના પાડી અને અમારા પર ત્રાસ ગુજારવા માંડ્યો. અમને બે દિવસની વાસી લોટની રોટલી અને વાસી, ખરાબ દહીં આપવા માંડ્યું. કેટલા દિવસ સુધી અમે આ ત્રાસ સહન કરીએ? એટલે અમે સલ્ફાસની ગોળી ખાઇજીવનનો અંત આણવાનું નક્કી કર્યું . અમારા મૃત્યુનું કારણ અમારી બે પુત્રવધૂ, એક પુત્ર અને એક ભત્રીજો છે. આ ચારેએ મારા પર જેટલો જુલમ કર્યો છે, તેટલો જુલમ કોઈ બાળકે પોતાના માતા-પિતા સાથે ન કરવો જોઈએ. સરકાર અને સમાજે તેમને સજા કરવી જોઈએ. તો જ મારા આત્માને શાંતિ મળશે. મારી પાસે બેંકમાં બે ફિક્સ ડિપોઝીટ છે અને બધડામાં એક દુકાન છે, તે આર્ય સમાજ બધડાને સોંપવા વિનંતી છે.”
આ મામલામાં બધડા પોલીસ સ્ટેશનના એએસઆઈ અને કેસના તપાસ અધિકારી પવને જણાવ્યું હતું કે, પોલીસ કાર્યવાહી બાદ મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. સ્યુસાઇડ નોટના આધારે પોલીસે પરિવારના ચાર સભ્યો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.