Homeલાડકીગ્રામ્ય કન્યાથી પંડિતા: સંઘર્ષથી સફળતા

ગ્રામ્ય કન્યાથી પંડિતા: સંઘર્ષથી સફળતા

કથા કોલાજ – કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૧)
નામ: પંડિતા રમાબાઈ
સ્થળ: શારદા સદન, ચોપાટી, મુંબઈ
સમય: માર્ચ, ૧૯૨૦
ઉંમર: ૯૨ વર્ષ
ચોપાટીના આ નાનકડા મકાનમાં હું મારી ‘શારદા સદન’ની દીકરીઓ સાથે રહું છું. કેટલીયે દીકરીઓને અહીં લાવીને મેં એમને જીવવાની હિંમત આપવાનો પ્રયાસ કર્યો છે. કેટલીયે દીકરીઓ, વિધવાઓ પોતાનું જીવન સુધારીને અહીંથી લગ્ન કરીને, પોતાનો વ્યવસાય કે કામ શોધીને હિંમતથી સમાજમાં જીવતાં શીખી. આજે એમને યાદ કરું છું, પણ ભારતમાં હજી કેટલીયે દીકરીઓ પોતાની જિંદગી દબાયેલી, કચડાયેલી અને શોષિત હાલતમાં જીવી રહી છે. હજીયે દીકરીઓને ભણાવવામાં માતા-પિતા અચકાય છે, બાળલગ્નો કરવામાં આવે છે-મોટી ઉંમરના વર સાથે નાની દીકરીઓને પરણાવવાથી આ દેશમાં બાળ વિધવાઓની સંખ્યા ખૂબ મોટી છે. દુ:ખની વાત એ છે કે, આવી વિધવાઓનો એના પતિની મિલકત પર કોઈ અધિકાર નથી. આવી કેટલીયે ત્યજાયેલી, તરછોડાયેલી વિધવાઓ માટે આ સમાજમાં કોઈ જગ્યા નથી.
હું જે સમયની વાત કરું છું એ સતીપ્રથા, બાળ લગ્ન અને સ્ત્રીઓ માટે સમાજમાં અપમાનિત થવાનો યુગ હતો. વર્ષો પછી ભારતના ઈતિહાસમાં આ યુગને ‘અંધકારયુગ’ તરીકે ઓળખવામાં આવશે. હું એ જ યુગમાં જન્મી. ૨૩ એપ્રિલ, ૧૮૫૮. ભારત અંગ્રેજોનું ગુલામ હતું. ૧૮૫૭નો વિપ્લવ પોતાની પૂર્ણ ઊંચાઈ પર હતો. મંગલ પાંડેના મૃત્યુ પછીનું એક વર્ષ ભારત આઝાદીની જ્વાળાઓમાં પ્રજ્જવલિત હતું ત્યારે એક ધાર્મિક બ્રાહ્મણ ડોંગરે પરિવારમાં મારો જન્મ થયો. મારા પિતા અનંત શાસ્ત્રી ડોંગરે સંસ્કૃતના વિદ્વાન હતા. મારી મા લક્ષ્મીબાઈ એમની બીજી પત્ની હતી. મારા પિતાની પહેલી પત્ની સંતાનોને જન્મ આપ્યા વગર નાની વયમાં જ બીમારીના કારણે મૃત્યુ પામી હતી. મારી માની ઉંમર મારા પિતા કરતાં ઘણી નાની અને નિરક્ષર હતી. એ સમયે દીકરીઓને ભણાવવામાં આવતી નહીં, પરંતુ મારા પિતાએ માત્ર મને જ નહીં, મારી માને અને મારી બહેનને પણ સંસ્કૃતની શિક્ષા આપી.
એ સમયનો સમાજ અત્યંત રૂઢિચુસ્ત અને અંધશ્રદ્ધાળુ હતો. સ્ત્રીઓને ભણાવવાથી પરિવાર પર ઈશ્ર્વરની આફત ઊતરે એવું માનનારા લોકોની સંખ્યા ઘણી મોટી હતી. વળી, રજોદર્શન (મેન્સ્ટ્રુએશન) પહેલાં દીકરીને પરણાવી દેવામાં પુણ્ય માનવામાં આવતું. આઠ-નવ-દસ વર્ષની દીકરીને ૨૦-૨૫ વર્ષના પુરુષ સાથે પરણાવવામાં આવતી જેને કારણે કજોડું બનતું એટલું જ નહીં, નાની ઉંમરે માતા બનનારી સ્ત્રીઓનું અપમૃત્યુ થતું. મારા પિતા આવી બધી રૂઢિચુસ્તતામાં નહોતા માનતા, માટે મારા પિતાએ કોઈને જણાવ્યા વગર અમને બન્ને બહેનોને ભણાવી અને અમારા લગ્ન પણ નાની ઉંમરે ન કર્યાં.
જ્યારે સમાજને ખબર પડી કે, મારા પિતા અમને બન્ને બહેનોને અને મારી માને ભણાવી રહ્યા છે ત્યારે એમણે સમાજનો રોષ વહોરી લેવો પડ્યો. અમને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા એટલું જ નહીં, સમાજ, પરિવાર, જ્ઞાતિમાંથી પણ અમારો વિરોધ કરવામાં આવ્યો. ગામ છોડીને અમે જુદા જુદા અનેક સ્થળે વસવાટ કર્યો. એ દરમિયાન હું ઘણી ભાષાઓ શીખી શકી. સંસ્કૃતને કારણે
હું કવિતાઓ લખતી થઈ. મારા પિતા અને મારી માતા બંને મારા શિક્ષણ પરત્વેના અભિગમને પ્રોત્સાહન આપતા, પરંતુ જેવી ગામ લોકોને ખબર પડતી કે, અમે બન્ને બહેનો કુંવારી છીએ અને મારા પિતા અમને ભણાવે છે કે તરત જ અમારે ગામ છોડવું પડતું. એવી રીતે અમે ભટકતા હતા ત્યારે જ દુકાળ પડ્યો. ગામ લોકોને જ ખાવાની તકલીફ હોય ત્યારે બહારથી આવેલાને કોણ આશ્રય આપે? હું ૧૬ વર્ષની હતી ત્યારે એક ગામની પાદરે ભૂખમરા અને તરસને કારણે મારા માતા-પિતાનું મૃત્યુ થયું. અમે બે બહેનો અને ભાઈ ત્યાંથી ચાલી નીકળ્યા, પરંતુ મારી બહેનનું પણ રસ્તામાં મૃત્યુ થયું. હવે અમે બે જ જણાં હતા, હું અને મારો ભાઈ શ્રીનિવાસ.
માતા-પિતાના મૃત્યુ પછી એક રીતે મારો ભય નીકળી ગયો. હવે મને સમાજનો ડર નહોતો રહ્યો. મારી પાસે ખોવા માટે કશું હતું જ નહીં એટલે નીડર બનીને મેં ગામેગામ વ્યાખ્યાનો આપવાના શરૂ કર્યાં. મહિલા જાગૃતિ અને સ્ત્રી શિક્ષણ વિશે મેં સમાજના કુરિવાજો અને ખોટી માન્યતાઓ સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. નાનાં નાનાં ગામોમાં ફરી ફરીને દીકરીઓને ભણાવવા માટે માતા-પિતાને જાગૃત કરવાનું મારું કામ સહેલું નહોતું. કેટલાંક ગામોમાંથી અમને મારી નાખવાની ધમકી મળતી તો ક્યાંક અમને દાખલ જ થવા દેવામાં ન આવતા તેમ છતાં, મેં મારું કામ હિંમતથી કર્યું. એક જ વર્ષ પછી મને કલકત્તા વિશ્ર્વ વિદ્યાલયમાંથી આમંત્રણ મળ્યું જ્યાં સંસ્કૃતના પંડિતોને વ્યાખ્યાન આપવા માટે મને બોલાવવામાં આવી. હું અને મારો ભાઈ શ્રીનિવાસ કલકત્તા પહોંચ્યા.
સાચું કહું તો મહિનાઓ પછી અમે નિરાંતે સ્વચ્છ પથારીમાં સૂતા અને પેટ ભરીને ખાધું. ૧૮૭૮ની આ વાત હશે. કલકત્તા વિશ્ર્વ વિદ્યાલયે મને કલકત્તામાં રહીને આસપાસમાં ગામડાંમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરવાની વિનંતી કરી. મારી પહેલાં રાજા રામમોહન રોયના પ્રયત્નોને કારણે બંગાળમાં થોડી ઘણી જાગૃતિ આવી હતી, પરંતુ ૧૮૩૩માં એમના મૃત્યુ પછી સમાજ ફરી એકવાર અંધકારમાં ધકેલાઈ ગયો હતો. મેં બંગાળનાં ગામડાંઓમાં ફરીને સ્ત્રી શિક્ષણ અને વિધવા વિવાહનું કામ શરૂ કર્યું. રાજા રામમોહન રોયને કારણે કેટલાક પુરુષોમાં પણ જાગૃતિ આવી હતી. માત્ર સ્ત્રીઓ જ નહીં, બલ્કે પુરુષોએ પણ મહિલા જાગૃતિ માટે કામ કરવાની શરૂઆત કરી હતી. મારા આ કામ દરમિયાન મારી મુલાકાત એક વકીલ બિપીન બિહારી દાસ સાથે થઈ. બિપીન બિહારી દાસે મારા કામમાં ખૂબ મદદ કરી. ૧૮૮૦માં મારા ભાઈ શ્રીનિવાસનું મૃત્યુ થયું અને હું માનસિક રીતે તૂટી ગઈ. મારા માતા-પિતા અને બહેનના મૃત્યુ પછી મારો ભાઈ જ મારો પરિવાર હતો.
મેં કલકત્તા વિશ્ર્વ વિદ્યાલયમાં ફરીથી શિક્ષણ લેવાની શરૂઆત કરી. મારી ડિગ્રી પછી કલકત્તા વિશ્ર્વ વિદ્યાલયે મને ‘સરસ્વતી’ની સર્વોચ્ચ ઉપાધિ આપીને એક જાહેર સમારંભમાં મારું નામ પંડિતા રમાબાઈ સરસ્વતી તરીકે જાહેર કર્યું. આ બધા પછી પણ મને માનસિક શાંતિ નહોતી કારણ કે, હવે હું મારી જાતને એકલી અનુભવતી હતી. એકવાર બિપીનજીએ મને લગ્ન કરવા વિશે પૂછ્યું. હું અચકાઈ ગઈ કારણ કે, બિપીન બિહારી દાસ મારી જ્ઞાતિના નહોતા, બંગાળી કાયસ્થ હતા. અમે બ્રાહ્મણ હોવાને કારણે માંસ-મચ્છીને હાથ પણ ન લગાડીએ જ્યારે બિપીન બિહારી દાસના ઘરે લગભગ રોજ મચ્છીનું ભોજન કરવામાં આવતું. એમણે મને વચન આપ્યું કે, એ મારી પાસે ક્યારેય મચ્છીની રસોઈ નહીં કરાવે, ખાવાનો આગ્રહ પણ નહીં કરે.
૧૮૮૦માં અમે લગ્ન કર્યાં જેનો સામાજિક વિરોધ કરવામાં આવ્યો. કદાચ અમારા સમયના આ પહેલાં આંતરજ્ઞાતિય, આંતરભાષાકિય અને આંતરક્ષેત્રિય લગ્ન હતાં. બિપીન અને મારું જીવન અત્યંત સુખી હતું. અમે સાથે મળીને અનેક સામાજિક કાર્યો કરતાં. અમે એક પુત્રીનાં માતા-પિતા બન્યા. જેનું નામ અમે મનોરમા પાડ્યું… અમારું સુખી દામ્પત્ય અને આનંદિત પરિવાર બહુ લાંબો સમય ટકી શક્યું નહીં કારણ કે, બિપીનનું અકાળે મૃત્યુ થયું.
બિપીનનું મૃત્યુ પણ એક રીતે શંકાસ્પદ સંજોગોમાં થયું. મને આજે પણ લાગે છે કે, અમારા સામાજિક કાર્યો અને મહિલા શિક્ષણ, વિધવા પુનર્વિવાહના અમારા પ્રયાસોને કારણે નારાજ થયેલા સમાજમાંથી કોઈકે બિપીનનું ખૂન કર્યું હોવું જોઈએ… મારી પાસે એના કોઈ પુરાવા નહોતા, એટલું જ નહીં, સમય સાથે મને એવો ભય લાગ્યો કે, જેમણે બિપીનને નુકસાન પહોંચાડ્યું એ મારી પુત્રીને પણ નુકસાન પહોંચાડી શકે એટલે મેં કલકત્તા છોડીને મુંબઈ આવવાનું નક્કી કર્યું. એ વખતે મુંબઈ અંગ્રેજોના તાબામાં હતું અને બોમ્બે તરીકે ઓળખાતું. ભારતના અનેક શહેરોમાં મુંબઈ પ્રમાણમાં આધુનિક હતું કારણ કે, અહીં અંગ્રેજોનું મુખ્ય થાણું હતું. કલકત્તાથી જ મને મુંબઈમાં એક જગ્યા ફાળવવામાં આવી જ્યાં મેં ‘શારદા સદન’ નામની સંસ્થાની શરૂઆત કરી.
આ ભણવા માટે, વ્યવસાયિક કૌશલ્ય કેળવવા માટે અને સમાજથી પરિત્યક્ત વિધવાઓ, ઘરેલુ હિંસા કે બાળ લગ્નનો શિકાર બનીને હેરાન થતી સ્ત્રીઓ માટેની સંસ્થા હતી. ખરું પૂછો તો આ એક એવી સ્ત્રીઓ માટે ઘર હતું જ્યાં એમને સુરક્ષાની સાથે સાથે સ્વતંત્ર રીતે જીવવાનું એક નવું સ્વપ્ન સાકાર કરવાની તક આપવાનો મેં નિશ્ર્ચય કર્યો હતો. ધીરે ધીરે શારદા સદનની ખ્યાતિ ફેલાવા લાગી, માત્ર મુંબઈ જ નહીં, બલ્કે પૂના, નાશિક અને છેક મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બંગાળથી પણ સ્ત્રીઓ શારદા સદનમાં આશ્રય શોધતી આવી પહોંચી. અહીં સ્ત્રીઓને ભરતગૂંથણ, કમ્પોઝ (મુદ્રણ) કરવાની કલાની સાથે સાથે સ્ત્રીઓ આસાનીથી કરી શકે એવા વ્યવસાયનું પ્રશિક્ષણ આપવામાં આવતું. એમને આગળ ભણવાની સવલત ઊભી કરી આપવામાં આવતી અને સાથે જ એકલા, સ્વતંત્ર રીતે જીવવાનું પણ બળ પૂરું પાડવામાં આવતું.
મારી સંસ્થા ખૂબ સારી ચાલતી હતી ત્યારે ભારતમાં ભયાનક દુકાળ પડ્યો. કેટલાંય ઘરોમાંથી વિધવા અને યુવાન દીકરીઓને કાઢી મૂકવામાં આવ્યા. બાળકીઓ વેચાવા લાગી.
(ક્રમશ:)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -